Tuesday, 24 March 2015

Rupalu pankhi bolyu

"મારી પાસે આવા રંગ
       ના હોત ,
તો તું આવી જ રીતે
  મને ચાહી શકત ? "
"કદાચ .......
આ રંગ તારો ના હોત
અને તો હું પણ ના હોત,
તારા હોવાપણાને ચાહવું
એ મારું હોવાપણું છે ! ! ! "

Monday, 23 March 2015

Safar

    સફર
મને એમણે કહ્યું ;
"બોજો બધો મને આપ ,
છોકરાઓ તું ઊંચકી લે ! "

અને અમે ચાલવા માંડ્યું ,
ગાઉં ના ગાઉં
સફર ઘણી લાંબી અને
મંઝીલ દૂર હતી.

છોકરાઓના પગમાં
તાકાત આવી ,
પસંદગીઓ આવી .
એમને કાન્ખથી ઉતરી
દોડવા માંડ્યું ......

અમારી સફર જારી રહી
બાળકો એમના ગમતા સ્થાને
ને અમારો સાથ આગળ વધ્યો
બાળકો વિનાની સહજ યાત્રા !

થોડે દૂર ગયા હોઈશું
કોણ જાણે કેમ ?
બોજ વિના મને શ્વાસ ઉપડ્યો ! ! ! ! .....

Monday, 9 March 2015

Aapani duniya

       
       
      આપણી દુનિયા
તારી લે મને, ઓ મંડૂક -ઈશ્વર !
કેમ રહીએ કૂપ -મંડૂક વૃતિમાં ?
લઈજા મને તો પ્રેમની દુનિયામાં
મઝા હુંસાતુસીને ને હોડ છોડવામાં !
       રાચીએ ખુલ્લી હવા ખુલ્લા શ્વાસમાં
       સીધો સરળ ને સાદા કોઈ આધારમાં 
       'તું ' અને  'હું 'એ તહેવાર જીવનમાં 
        વિચરીએ હંમેશા એક જ સંગાથમાં
અભિમાન નથી કોઈ ઝખ મારવામાં
બધું જ અંતે મળવાનું છે તો રાખમાં
રહેશે તો ઉપયોગી પ્રેમ જ  સાથમાં 
અનુભવ એવો બસ,જન્મોજન્મ માં ......
              અર્ચિતા દીપક પંડ્યા

Atakan

           અટકણ

અટકણ આવ્યું ,અઘરું રોજનીશીમાં
ઘડીની રેત ખમચાઈ કોઈ ભીતીમાં

સમજણ કટાઈ ગઈ ,ભીની દ્વિધામાં
આવકારો કેવો ઉલ્લાસને અવધા માં

લાગણીઓ જપે સહિયારી શ્વાસમાં
આવેગ ઓગળ્યો આવી જ શ્રદ્ધામાં

ચાહીને ય છોડું ગલી કોઈના વાસમાં
શક્યતા ના રહે મિલનની ગુન્જાશમાં

કિસ્મત મને મંજૂર હર એક ફેંસલામાં
હાથતાળી આપશે નહિ એ વિશ્વાસમાં

Friday, 6 March 2015

Navodhana namana shamana

                નવોઢા ના નમણા શમણા
દ્વિજા બની અજાણ ઉમ્બરનો ડુંગર ઓળંગી
હૃદયના કુમ્ભથી પ્રેમના અક્ષત લઇ વેરું છું
પ્રિય ! કંકુ પગલા તારા દિલ સુધી લાવું છું
ચાહતના ચૂડે મઢેલો હાથ કાયમી સોંપું છું .....
                       હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું ......
હક્કના નામની છેલ્લી નજર પિયરથી વાળી
સાસરીમાં ઠેરવી અહી સૌને પોતીકા ગણું છું
ચાન્લા ની શોભા ટીકા દામણી નું માન વધે
એવા વ્યવહારની પુંજી લઇ સંસારે ભળું છું
                       હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું .......
વેણી નાખી મોગરાની ,સંભાળની સુગંધની
સગા ને ચાહવા એ જ પમરાટ સાથે લઉં છું
નાળીયેર જેવી પવિત્ર લાગણી રાખી મનમાં
સખ્તાઈ સંભાળમાં ને ઋજુ વેદના સંકોરું છું
                       હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું ........
લોહીના સંબંધથી આગવો લાલ ઘરચોળાનો બંધને
સોનેરી સાળુ જેવો આપણો અમૂલ સંબંધ જોઉં છું
ઓ પ્રિયતમ ! તારા નામની મહેંદી હાથે રચું છું
આ પ્રિયાના પ્રિયના સ્નેહીને પણ પ્રિય ગણું છું
                       સાથે સાથે તારો સાથ અખંડ ચાહું છું ......