Sunday, 24 December 2017

એક સગડી


એક સગડી

દિવસ નામે એવી એક  સગડી
બળતણ ખાતી જાય
રોજ જલે
ને ખુદ પકવતી જાય
અવનવું કંઈક પીરસતી જાય
થોડું જલાવી
જાતનું બળતણ
અને
પાક નવો ઊતારતી જાય
સમયનો પવન ફૂંકાય
અને  તકનો તિખારો
જલાવી જાય
તણખાં તણખાં થઈ
ઊડી જાય શ્ચાસ
તો ય ભાથું નવું
બનતું જાય...
અંતિમ ઘડી સુધી
વીખેરી રાખ
અંગાર આપે કામ
ઝીણી જલન પણ
જાણે અખંડ દિવો
અવનવા સ્વાદનો
પ્રસાદ આપતી જાય
દિવસ નામે એક સગડી....
             ©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 20 December 2017

લગ્નગીત

લગ્નગીત ચાંદાની કોરનો ચૂડલો પહેરીને

બેનજી સાસરે ચાલ્યા છે જો

સૂરજ શો શોભે છે ચાંદલો

ને પાયલ ઝીણાં રણકે છે જો

શણગાર સોળે શોભે બેનીને

કુમકુમ ભાલે શોભતા રે જો

ઘરચોળાંની કોર રે બોલે

મૂકો મહિયરની માયા રે જો

કરજો વ્હાલ નણંદીને પહેલું

મીઠી માણજો એની મીઠાશ જો

રમતિયાળ દેરીડો લાગે વ્હાલો

એના વીરાનો છે માનીતો જો

સાસુજી હરખે બોલાવે ને

ઘરની રીત્યું શીખવે છે જો

સસરા છે તમારા મોભાદાર

ને આંખ્યુંથી આશિષ આપતા જો

માણીગર મનનો હેતે બોલાવે

ઉગમણે ડગ તમે રે માંડજો

ફળિયું બોલે ને પિયરનાં ઉંબરાં

મનોરથ તમારા પૂરા રે થજો
           ચાંદાની કોરનો ચૂડલો પ્હેરીને
           ©અર્ચિતા દીપક પંડ્યા

નરેશમાસા માટે

આજના ખાસ પ્રસંગે મારા વિચારો : પ્રમુખસ્થાનેથી..... જીવનમાં જે ઉપલબ્ધિ છે તે ઈશ્ચરની પ્રસાદીરુપ અને આનંદદાયી હોય છે જ, પણ એ સાથે સૌથી વધુ અગત્યનું છે, આપણાં મન અને શરીરનું સ્વસ્થ હોવું. તો જ જીવનને માણી શકાય છે. અને આ તંદુરસ્તી ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણી રોજનીશીમાં નિયમિતતા અને પ્રવૃત્તિ ભળે. સવાર, એ દિવસની શરૂઆત છે, એને શુભ અને લાભદાયી પ્રવૃત્તિથી ભરી દઈએ તો જીવનની મઝા પણ શુભ મંગલ બની જાય છે! થોડાંક સંગાથીઓ સાથે, આપણી ગાર્ડનની પ્રવૃત્તિ આપણે, ભરપૂર માણી રહ્યા છીએ.નિયમિત રીતે મળતા મળતા એક કુટુંબ જેવી ભાવના આ પ્રવૃત્તિમાં ભળી છે. વેદિક પ્રાર્થના, ૐ ઉચ્ચારણ અને સૂર્યનમસ્કાર આપણને સૌ ને સ્વસ્થ શરીર સાથે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે. તો હાસ્યના પ્રકાર :ખડખડાટ હાસ્યથી શરૂ કરીને નવ પ્રકારે હાસ્ય, જેમકે મિર્ચી હાસ્ય, નમસ્કાર હાસ્ય, લસ્સી હાસ્ય જેવા રસપ્રદ નામ ધરાવતા હાસ્ય સાથે જોડાઈને આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. અને છેલ્લે વેરી ગુડ હાસ્ય મોર્નિંગને ખરેખર ગુડ મોર્નિંગ બનાવી દે છે. ધાર્મિક માહિતીની આપ લે, ગીત ગાયન અને જન્મદિવસની ઊજવણી આપણાં આનંદ સાથે સ્નેહનો વધારો કરે છે. નાસ્તા પાણી ઊજવણીમાં સોનામાં સુગંધ ભેળવે છે! આમ કોઈપણ ઉંમરે પ્રવૃત્ત રહીને જીવનને માણતા રહેવું એટલે ગાર્ડનની પ્રવૃત્તિમાં ભાગ લેવો. સહુને સ્નેહ વંદન. નરેશભાઈ વ્યાસ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આવતી'તી ખુશ્બુ એની દૂરતા માં પાસથી

મ્હેકતી'તી ક્ષણ બધી મારી અધીરી આશથી

ચૂમતી'તી આંખ એની દ્રષ્ટિ મારી પ્યારથી

લેખતી' તી એમ પ્યારી વાત આંખો ખ્યાલથી

ગમતી'તી જિંદગી જ્યારે મળ્યાં'તાં વ્હાલથી

લૂંટવી'તી મોજ બંનેને સુહાના સાથથી

ચાલતી' તી રોજનીશી શ્ચાસ માંયે તાલથી

ઓઢવી' તી ચુંદડી પ્રેમે 'ગમ્યાં' ના રાગથી

ખૂંચતી' તી લોકોને પ્રીત્યું વખોડી વેણથી

ઊગતી' તી ઊર્મિ કેમે નાથવાની રાશથી

ઝૂમતી' તી એ જ યાદો આજ પાછી હાર્દથી

ખેલતી' તી વક્રતાથી વીધિ પ્રેમી જોડથી

મેળવી' તી કુંડળીઓ દૂરતા સાથે ખારથી

પીડવી'તી પ્રેમની જોડી અદીઠાં વારથી

               અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 9 December 2017

પાકટ vaye

પાકટ વયે

ફરક શું, હું યુવા કે ધનિક વયથી?
નથી પૂછતો સવાલ મારી વયથી,
કરું હર કામ રોજ, બધાં હોંશથી
જિંદગી જીવું છું હું, જિંદાદિલીથી
હર પળ મોજથી, મારાથી ખુશ રહી
આપું કંઇક ને કંઈક, સૌ ને ખુદ થકી
એક એક કદમ લઈ જાય પરમ ભણી
એના વહાલાં જ સૌ છે આપણાં સંગી
કંઈક મદદ કરું કોઈને,મન રાખી રાજી
તો ઈશ્ચર કરે સહાય, આશિષ આપી
મન દુરસ્ત, તન દુરસ્ત ને પ્રવૃત્તિ મારી
અન્યની લેવાની છે ફક્ત મારે કાળજી
મંઝિલ છે નજીક, સમય મળ્યો સોનેરી
જીવન સફરને માણું, દિલની ખુશીથી.
            અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 5 December 2017

રાવ ક્યાં કરું?

રાવ ક્યાં કરું?
સૂરજના સરનામે એક ઘર બની ગયું છે; સપનાંનું....
સોનેરી છે પણ તાળાબંધ છે,
કોઈ કૂંચી વગરનું....
કમાડ ખોલવાની ઈચ્છા પણ દઝાડી દે છે,
આ તો છે સૂરજનો તાપ અખરે છે!
ભગાડી દે છે! પણ....
દૂર રહ્યે હૂંફનો કરે પ્રબંધ
તો ફરિયાદ શું કરું?
સોનેરી એની ઉષ્માથી
ખીલે છે અસ્તિત્વનું ફૂલ!
તો રાવ ક્યાં કરું?

©અર્ચિતા દીપક પંડ્યા