કૈક બહેકી ગયો ,વરસાદ લાગે છે
ધરાને મૂંઝવે એવો પ્યાર લાગે છે
વિંઝણામાં વહાલનું વહેણ લાગે છે
સૃષ્ટિમાં સ્નેહનો સથવાર લાગે છે
અમીજ અવસર અલબેલો લાગેછે
'તથાસ્તુ 'નો ફળતો ભાવ લાગે છે
રીસામણી લલનાનો વાંક લાગે છે
નક્કી રીઝવવાનું હથિયાર લાગે છે બુંદે બુંદ મોતીઓનો હાર માંગે છે
નવલખો ધરાની પસંદ લાગે છે ....
અર્ચિતા દીપક પંડ્યા
Saturday, 27 June 2015
Varsad
Tuesday, 23 June 2015
Mosam
મોસમ
મોસમ જરા આજે હળવેથી
ભીના સૂરે મને મોઘમ કઇ કહે છે !
આગમનની શક્યતા તારી
ધીમી ઝરમર થઇ કેવી વરસે છે ?
બે'ક લીલાં પાન ગુફ્તગુ કરી
આંખના ઈશારે કેવા મલકે છે ?
રણઝણતી સુગંધી લહેરખી શીળી
સંગીત થઇ રોમેરોમ કેવી વહે છે ?
કોઈ બાતમી મીઠી મળી છે નક્કી
અહી ચોક્ખી વનરાજી કેવી હસે છે ?
લાવ, ફૂલદાની હું પણ દઉં સજાવી
જોઉં કુદરતી સુગંધ કેવી મહેકે છે ?
અર્ચિતા દીપક પંડ્યા
Friday, 19 June 2015
Varsadi prem
વરસાદી પ્રેમ
ધરાએ રિસાઈને ગુસ્સાથી આપી'તી ચીમકી
આટલી દૂરી સાથે તો કોઈ નિખરે પ્રેમ કદી ?
વાદળ પણ રીઝવે એને ને કરે બહુ વિનંતી
દૂરી છે ,પણ શું મારી ચાહત નથી કિંમતી ?
સંદેશામાં ટહૂકા મોકલું છું ને મોકલું છું ડમરી !
પ્રેમની મારી વાતોથી તું ક્યાં કદી છે પલળી ?
સંગાથ ન મળે તો મળે મને કેવી રીતે ખુશી ?
કેમ કરે તું મારી સાથે આટલી તે બહાનાબાજી ?
લે આવું છું ,ને આજે ભીંજવું છું તને ,ધરતી !
સાથ નિભાવવા ભલે ને રૂપ પણ લઉં બદલી
અભિષેક અનારાધારથી વહે લાગણી એવી !
વરસાદી ફોરાં સાથે વાદળની વધી નજદીકી !
પ્રેમથી જ જીવન સુંદર ને પ્રેમથી હરિયાળી
આપણા પ્રણયમાં ,જો ,દૂરી નથી આડખીલી !
અર્ચિતા દીપક પંડ્યા
Wednesday, 17 June 2015
Dikrane
જન્મદિન નિમિતે ......
નાના ગુલાબી ગાલની કુમાશ
ને કાળી ચમકતી આંખ !
તારી યુવાનીમાં પણ રીઝવે મને
એ બાળપણની તારી યાદ !
ત્વરાથી પકડે મારી અલક લટ
ને 'રમાડો 'બસ એ કાયમી હઠ !
શાંત ,સમજુ ને એને છાજે શાણપણ
હરખું હું મારે લોહીનું સગપણ !
નીસર્યા આગળ તમે ભરી ડગ
પ્રગતિ કરો એવો હૈયે હરખ !
નાનેરા છોડથી હવે થશો વૃક્ષ
કહેવડાવજો તમે સાચા સપુત !
Patine
પ્રેમાળ પતિને .........
મેં એને મારામાં
ભળી જતા જોયો ,
મારા હર મિજાજમાં
ઢળી જતા જોયો,
આંખે આનંદ એકતા ના
આવેગમાં જોયો
શ્વાસમાં હર વખત
સરખો લય જોયો
ત્યારે વર્ષોનો પ્રેમાળ
સાથ ફરીને બોલ્યો
કે
એણે નાની અધૂરપને સંબંધે
પૂર્ણ કરતા જોયો .....
Tuesday, 16 June 2015
Tari prerana
કોઈ નવેરી કુંપળ ડાળને ફૂટે
કે હૈયે નવો સવો પ્રેમ જો સ્ફુરે
તો તારા દર્શન થયાની હોંશ ઉગે.....
ફૂલમાં ઉઘડતો કોઈ રંગ ખીલે
કે કોઈ નયનમાં સ્વપ્ન ખીલે
તો મન તારા હોવાનો ખ્યાલ ઘૂંટે ......
વિખરાઈ કણ કણ માં અદીઠ રહે
કાયમી તારી લીલા અજીત રહે
તો ય બતાવ ,
પથ્થર પૂજવાને તું શીદને પ્રેરે ?
અર્ચિતા
Yad
યાદની એક વાદળી
બથ ભરીને હાથમાં
ભીંજાઉ ભીની ભીની
લઉં સુવાસ સાથમાં
મનને કેવું કરે છે તર લાગણીઓનું ઈત્તર ?
અટકે છે ઝીણી ચુભન
કેમ વહે ઉલ્લાસે તન
સ્પર્શ જાણીતો ઉગે હૈયે
જાસો પરખાવે એ પ્રેમે
એ કોળાયેલી ભાત ઝીણી
રેશમી ડંખની આવૃત્તિ !
Shyam rang
રંગીન એવી આ સૃષ્ટિમાં
શ્યામ રંગ તને ચાહું
કૃષ્ણને એમાં ભાળું કે
મેઘ ઘટા પર વારું ?
કોયલનો ટહુકો સાંભળું
ને રંગ ચમકીલો જોઉં
કાળી એની કાયા ભલે
કંઠ ચાંદીનો રણકો જાણું
કાળી કાજળ ભરે નયનો
ને લલનાનું રૂપ ખીલવે
કાળી લટ કે કાળી કીકી
મન મોહીને જ એ રહે
કાલીમા બેરંગી નો શ્રાપ
પણ પોતે મહત્તાનું માપ
એના વિના કદર રંગની
નહિ કે નહિ રંગ નો તાગ !!
Anjal
ઋતુઓને અરજી મારી
હજુ અંજળ બહુ બાકી છે,
પ્રેમથી રોકાણ કર જરી
હજુ વિનંતી મારી બાકી છે.
વાયદા ફૂલોના રંગે રંગી
સુગંધની મદહોશી બાકી છે ,
ઝબકાવી વીજળી વરસે પાણી
એ ઠંડકની ઉધારી બાકી છે.
ચમન ન પડકાર હયાતી મારી
ટહુકાના સૂર રેલાવા બાકી છે,
ધીમા મૈત્રીના સ્પર્શની નરમી
ક્ષણે ક્ષણે સાધવાની બાકી છે.