Thursday, 27 June 2019

છીએ અને રહીશું

છીએ
તું, હું અને આપણે

એના ન હોવાની
સંભાવના
પણ એટલી જ સાચી!

એ સંભાવના
તો દ્વાર છે
બીજા સ્વરુપનું
બીજા મિલનનું

ચાલ, આપણે
આપણાં
એકબીજાથી અપરિચિત
છતાં આકર્ષક
બધાં સ્વરુપને માણીએ!

જેમાં તું મને સ્વીકારે
હું તને સ્વીકારું
અદ્દલ સરખાં
ક્યાં તો સાવ જૂદાં
છતાં તીવ્રતમ ખેંચાણ એનું એ જ!
©અર્ચિયત

Monday, 24 June 2019

વરસાદ

    
                  વરસાદ

'પહેલો વરસાદ!'
ધરતી માટે?
ના  ના
એ તો સદીઓથી ઝીલે છે એને,
એ જુએ છે ઉકળાટ કાયમ
એને ખબર છે
તડપાવ્યા પછી પણ આવશે..
કાયમની જેમ
પણ પહેલો વરસાદ..
પહેલો વરસાદ તો-
આપણાં મનમાં છે!
આપણે પહેલો માનીને માણીએ
એટલે પળિયાં પર પણ
જુવાનીનું પતંગિયું બની આવી બેસે!
અને દિલમાં
રંગીન મેઘધનુષ ઉગે !
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 20 June 2019

તું આવે *

તું આવે

તું આવે બધાં બંધ તોડી, તો સાચું,
દિલ જોડે તું દર્દ છોડી, તો માનું.

શબ્દોથી તો વાત સૌ કરે, અહીંયા,
આંખ મેળવી જો સમજે, તો માનું.

સંગાથી તારા હશે ઘણા, રાહમાં,
કદમ સાથે કદમ મેળવે, તો માનું.

અટક્યાં, નજર મેળવી છો તમે,
અવિરત જો મને મળો, તો માનું.

જીવન છે માંગું સંગાથ, તમારો
મોત લગી મળતાં રહો, તો માનું.
    ©અર્ચિતા દીપક પંડ્યા

અવતાર

Thanks Alpa Vasa for the thought

એમ જ
એક જીવ
ફરી રગદોળાયો
ન ચીર, ન સભા

પણ ફરી
એવી જ એક
દ્રૌપદી
અને
એવું જ એક
ચીરહરણ
આવે
વખતોવખત
આપણી વચ્ચે

દુઃશાસનો છવરાય
આપણી વચ્ચે

તો કેમ નથી
એ કૃષ્ણ
આપણી વચ્ચે?
*અર્ચિયત

પથ્થર કે દેવ? *

કોઈ  નવેરી કુંપળ ડાળને ફૂટે
કે હૈયે નવો સવો પ્રેમ જો સ્ફુરે
તો તારા દર્શન થયાની હોંશ ઉગે.....


ફૂલમાં ઉઘડતો કોઈ રંગ ખીલે
કે કોઈ નયનમાં સ્વપ્ન ખીલે
તો મન તારા હોવાનો ખ્યાલ ઘૂંટે ......


વિખરાઈ કણ કણ માં અદીઠ રહે
કાયમી તારી લીલા અજીત રહે
તો ય બતાવ ,
પથ્થર પૂજવાને તું શીદને પ્રેરે ?
                ©અર્ચિતા દીપક પંડ્યા

પ્રતિભાવ

પ્રતિભાવ
સંદર્ભની હું ક્યાં કોઈ વાત કરું છું ?
પ્રતિતીનો એક પ્રતિભાવ આપું છું.
વમળ ઉઠાવે પાણીમાં,એ કંકરને,
જળસમાધિની અવદશા આપું છું.
કદીક બાણ બની હૈયામાં શબ્દ વેધે,
ભરવા જખમ પ્રેમનો મલમ આપું છું .
સરખી બધી અહીં પળ ક્યાં મળે છે?,
પણ હ્રદય ને તો સ્થિતિ સરખી આપું છું.
મને ન ગમે એવા વ્યવહાર પણ મળે,
પણ મનને તો શાતાનો તહેવાર આપું છું !!!

©અર્ચિતા દીપક પંડ્યા

અંતિમ

અંતિમ વિશ્રામ

હવે થઈ શરુ
એ સફર
જ્યાં પગેથી
ચાલવાનું નથી,
નથી કાંટાળી
કેડીની બીક
નથી ટાઢ,
તડકો કે વરસાદ
કે પ્રદૂષણ.. પણ એનું
કંઈ બગાડી શકે એમ!
નથી સતામણી, મનામણી, વિનવણી!
છે અંતિમ સફર,
જ્યાં, નાનો બાળ
જેમ સૂએ માના ખોળે
એમ જ
પરમના ખોળે છે,
હવે એનો અંતિમ વિશ્રામ!

©અર્ચિતા દીપક પંડ્યા

નસીબ

નસીબ
મેં એને ચોક્ખું જ કઈ દીધું
તારે ને મારે બનતું નથ!
ઘરેથી નીકળું ચાર રસ્તા લગ
ને સિગ્નલ મળે બંધ!
બચતની લઉં લોટરી ટીકીટ,
ક્યારેય લાગતી નથ!.
અને વળી હાઉઝી તો
જિંદગીમાં નઈં!
એ નસીબ...
મારી હારે અળવીતરું જ હાલે!
પણ એના વિના પણ
આપણે રાજ્જા જ છીએ, બાપલા!
મારે એની હાડા બારી નઈં,
એને ય થાય પાલો પઈડો
તઈણ આની જોડે!
😃અર્ચિયત

સમય*#

સમય
એનું કામ વહી જવાનું,
કદાચ વહ્યા કરવાનું..
મને એની ઈર્ષ્યા આવે,
ખરેખર તો દયા આવે,
મારી જાત પર,

વધવાનું હોય ત્યાં,
હું અટકી જઉં,
અને અટકવાનું હોય,
ત્યાં બેલગામ ચાલ્યા કરું,

બસ,
આવું વર્તન થાય અને
સમય સાથે તાલમેલ છૂટે...
તમારી જમીન ચાલી ગઈ હોય,
આકાશમાં ટકી ન શકાતું હોય,
એવા અપ્રસ્તુત પણ,
સમય એ સમય છે,

બધાંથી પર, જલકમલવત્,
એણે વહ્યા કરવાનું....!

©અર્ચિતા દીપક પંડ્યા


સમયને

બાંધી નથી રખાતો

 એ વાયકા નહીં

હકીકત છે

પણ

ખબર છે?

મને

સમય સાથે

પરોવાઈ જતાં

આવડે છે

એટલે

સમય હંમેશા

મારો જ હોય છે!

©અર્ચિયત

હું હવે..*.

અનુભવું  એ વિચારૂં છું
     ને આતમે તાપ રાખું છું.
દુનિયાની વાંકી ચૂકી કેડીએ
      અટવાઈને શીખ પામું છું.

બદનામી બેગુનાહ ગણું
          ઈલ્ઝામ લઈ ખરડાઉં
ઉડતી વાતોને કેમ કહું હવે કે
           દિલો દિમાગ પાક રાખું છું

ફકીરીનું તેજ હરદમ માણું
         ફીકર ની ધૂળ હવામાં ઉડાડું
ખુદા પાસે  બેદિલી માંગુ
         એની જેમ  ગૂમ રહેવા માંગુ છું

લાગણીની પાંખોમાં અટવાયો
         બેડી  નવતર રૂપે પામ્યો
રમતની આ દુનિયામાં કેદ થયો
      હવે આકાશ - પાંખો માંગુ છું
                  ©અર્ચિતા દીપક પંડ્યા