Tuesday, 24 April 2018

પ્રેમ નો નકશો

પ્રેમ નો રસ્તો કઠિન છે,
પણ અહીં એક નકશો છે,
એની ભૂગોળને ખેડવા માટે
એક અણસારો છે!
રસ્તામાં
ચકાસણી નામે રણ છે,
જાસૂસી નામે દલદલ છે,
શંકાના ઓસ્ટ્રેલિયન બાવળનું
જંગલ છે
લાગણીના ઘોડાપૂરનો દરિયો છે
પ્રેમના મોતી માટે થાવું મરજીવો છે
ભરોસો નામની નાવથી વિંધ્ય દરિયો
તળ એનું શ્રદ્ધા
અને વિશ્ચાસનું વહેણ છે,
મનમસ્તીનાં મળે મોજાં
અવિશ્વાસની ઓટ છે
પ્રેમનો એક જ શિરસ્તો છે પ્રેમ
પ્રેમ જ મંઝિલ પ્રેમ જ રસ્તો છે.
આવો જ કંઈ
પ્રેમનો રસ્તો છે કઠિન
પણ આવો જ કંઈ
પ્રેમનો રસ્તો છે!
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 18 April 2018

યુગલ ગીતા

     યુગલ ગીતા
દિલ નાં દાન દઈ દીધાં
નજરનાંં દસ્તખત કરી,
લગ્ન નામે બંધન લીધાં
સ્થિતિ સુંવાળી લાગી!

જીવતર નો ગરાસ આપું
દેહની મિરાત હું આપું
સુખ દુઃખ સંગમાં જે દા'ડા
એ જ મારી નિયતિ માની!

છે આપણી વચ્ચે પ્રેમ એવો
કશું આપવામાં ખુશી મળી
મારા થકી તું અઢળક પામે
વર્તને સદા ઉત્સુકતા  રહી

મને જોઈએ તારી પ્રતિકૃતિ
લાડકી એવી પ્રેમ નિશાની
ઉછેર સાથે એવું અનુભવું
સીંચું છું જાણે વેલ પ્રેમની

©અર્ચિતા દીપક પંડ્યા

એક સૂરજની વ્યથા

ધખ્યો'તો હું
ધોમધખતો ધખ્યો
મેં પણ  વિરોધ કર્યો
દેખાવ પણ કર્યો

મારી માંગ પણ મૂકી
વાદળ આડે રીસાયો
ખગ્રાસે બંધ પણ પાળ્યું
ઘણું સળગાવ્યું
ગરમીનો હલ્લો કર્યો
બધાને દઝાડ્યા

પણ મજૂરી કરતી મા
એના રમતા છોકરાને
જેવી રીતે
અવગણે છે
બધે એવું જ છે!

અહીં બધાં ટેવાઈ ગયા છે
ગણકારતા નથી
ને જલ્દી ભૂલી જાય છે!

ખેર, હું આકરી અગન ઓકું છું
મારાથી ગરમી મારામાં સહેવાતી નથી!
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 16 April 2018

સૂરજ

એ ફરીથી આવ્યો
ઊંચો થયો
મૂછે તાવ દઈને
નરમીથી ગરમી લાવીને
આકળ વિકળ થઈને
કહે;
"પ્રેમ કરું છું, વાદળ તને!
સાતત્યથી, સૂરજ છું!
કિરણોના બાહુથી
જકડી લેવા રોજ
મહેનત કરું છું,
અને તું છે કે
વરસે તો ધરતી પર જ" ,
વાદળે સદીઓથી
એકધારી રમાતી
રમત ચાલુ કરી
કોઈ પર્વતની ટોચ પર
પનાહ લઈ લીધી
કહ્યું સૂરજને
"આ જ નીતિ, રીતિ
અને નિયતિ છે,
મારો પ્રેમ વરસે
તો ધરતી પર જ
વરસે છે! "

©અર્ચિતા દીપક પંડ્યા

માંગણી રાખું છું

મને સાથ દઈ દે એટલી માંગણી રાખું છું
ક્યાં સાવ અશક્ય લાગે એવી માંગણી રાખું છું

પ્રેમમાં લાગણીને જ બનાવી દીધી જિંદગી
જિંદગીને જ બનાવ પ્રેમ માંગણી રાખું છું

ઊંચે આકાશમાં રહીને ફરકાવે છે સ્મિત
ધગતા લલાટે હાથ મૂક માંગણી રાખું છું

થાય પગલાં વસંતના અને બાગ ખીલે છે
એવા જ તો કોઇ સન્માનની માંગણી રાખું છું

ગણી ગણીને મૂકવા પડે છે કદમ અહીં
બાદબાકી થાય ગણિતની માંગણી રાખું છું.
       ©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 14 April 2018

તારા....

હું બેહદ થઈ ગયો છું તારા શહેરમાં
મને ચાહવા લાગ્યો છું તારા શહેરમાં

આટલી ભીડમાં પણ મને મળી ગયો
ચમત્કાર થઈ રહ્યો છું તારા શહેરમાં

મારા હાથે મારો જ હાથ મેળવી દીધો
અકસ્માત થઈ ગયો છું તારા શહેરમાં

ફાંફાં છોડી દિલનો સાથ માંગી લીધો
નમસ્કાર કરી લઉં છું તારા શહેરમાં

બહુ ઉકળાટને જીવે સહન કરી  લીધો
તેના ઉદ્ગાર કરી લઉં છું તારા શહેરમાં

જે છે એ આવડતનો વ્યાપાર કરી લીધો
હવે ફનકાર થઈ ગયો છું તારા શહેરમાં
       ©અર્ચિતા દીપક પંડ્યા

આપણી વચ્ચે *

ચાલને કોઈ સુલેહ કરી લઈએ આપણી વચ્ચે
એક તો સંબંધ જરૂર સચવાશે  આપણી વચ્ચે

અપેક્ષાઓની ક્યાં લાંબી અપેક્ષાઓ છે હવે
હું ન માંગુ અને તું ન જ બોલે એ આપણી વચ્ચે

કિનારા સુધી પહોંચવા ફંગોળાતા રહીએ,
બને
એટલી યે સમતા ક્યાં રહી છે આપણી વચ્ચે

મરજીનું માપ લઈને વેતરી કાઢીએ ચાલ હવે
શમણાંનો પહેરવેશ બનાવીએ આપણી વચ્ચે

તારી જીદ અને મારી માન્યતાઓ ચડી છે દંગે
બાકી ક્યાં કોઈ કંકાસ છે હવે આપણી વચ્ચે

ન ગમ્યું મારું વર્તન જો તને, ન તારું પણ મને
પ્રેમની રીત તો પણ જળવાય છે આપણી વચ્ચે
           ©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 13 April 2018

હિન્દી

हमें शोर बहुत अच्छा लगता है,
     और हमें शांतिकी खोज करनी है।

हमें आवश्यकता से ज्यादा धन कमाना है,
हमें समझना है, ये हम कभी भी किसी तरह गँवा सकते है।

हमें  चाहिए कि जीवनमें सब उपलब्धियां हांसिल हो,
हमें पता है ये दौड़ सेहतको छीन लेती है।

हमें चाहिए कि प्रेम बिनशरती मिले,
अपेक्षा नहीं पूरी होने पर हम ही गमगीन हो जाते है।

एक महाशक्ति को मानना हमारे लिए सुकुन बन जायेगा,
पर हम हैं कि
पथ्थरके बूतमें ढूंढते है इसे, आवाज देते रहते है।

हमारी अंदर छूपा भगवान हमसे ही कितना परेशान रहेता होगा?
      अर्चिता दीपक

પીડિતા

હજૂ આંખમાં કૂતુહલ અડ્ડો જમાવી બેઠું છે, દ્રષ્ટિ હજૂ ખીલું ખીલું છે 'આઠ'ની વયે;
ત્યારે દુનિયા ભયંકર રૂપ લઈ ધસી આવે,
તો
કૂમળું ફૂલ એ તેજાબી સ્પર્શ કેવી રીતે સહે?

શું એમના પડખાં સેવનારીએ કોઈ જણ્યા જ નહીં હોય?
કોઈ બાળને ગોદમાં સૂવાડ્યું નહીં હોય?
જનેતા ન હોય તો શું  પિતાને લાગણી ન હોય?
નર નરાધમ થતાં ખચકાયો નહીં હોય?

કોઈ પ્રગટ ન થયા દેવ નૃસિંહ થઈ ?
કોઈ બાળા ને વાસનાની આગમાં લપટાતી જોઈ?

મૂક પ્રેક્ષક થઈ જોવામાં ઈશ્વર,
દોષ લાગે છે!
કે તું પણ કાંડ સઘળાંથી
દૂર ભાગે છે?

અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 12 April 2018

આવું કેમ?

એકવાર સૂરજને ય
લાગી ગયું ખોટું!
નીંદરની આડમાં
તારા શમણાં, તું
ચાંદને કહી દે છે!
દોસ્તીના નામે
અંતરંગ મિત્રને
બધું જણાવી દે છે!
દિવસે તારૂં મન
છે કોરી સલેટ
ક્યાં વાત બીજી
કોઈ કરે છે!?
આવું કેમ?

ખોટું ન લગાડ, મિત્ર!
તારો તાપ છાવરે છે
હૈયાની કેટલી હોળી!
અને મનનો ઉચાટ
ઢાંકે છે અમારો
ગરમીનો પસીનો વળી;
તું છે તો દોટ છે ચાલુ રહી
પણ મુકામ નક્કી કરવા
છે, બસ;રાત્રિ ભલી!

©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 2 April 2018

આરામની શોધમાં

આરામની શોધમાં

તમને બધાંને
ખાસ કહું છું
મૂળ તો હું
આરામની શોધમાં છું
મારાં છે એમને બસ
થોડું આપી દઉં
ને મૂળ તો હું
આરામની શોધમાં છું
મળે છે પ્રમોશન
બસ હાથવેંતમાં
થોડું દોડી લઉં
ને મૂળ તો હું
આરામની શોધમાં છું
દોડું જ ને!
પ્રસિદ્ધિ ક્યાં સસ્તી છે?
ને મૂળ તો હું
આરામની શોધમાં છું
અત્યારે દોડું
થોડું ઘડપણ માટે
હું રળી લઉં
ને મૂળ તો હું
આરામની શોધમાં છું
હર દિન હર રાત
ખ્યાલ કે આરામ પણ
મારે કરવાનો છે
ને બસ ત્યારે
હાજર ઈશ્વરનો
હૂંફાળો ખોળો છે
હવે પાક્કો ખ્યાલ
કે મારે આરામ કરવાનો છે!
        ©અર્ચિતા દીપક પંડ્યા