Saturday, 23 November 2024

આજકાલ

આજકાલ

એક ટપકું મૂકી ને કશું ડહોળવું નથી
બસ, એમાં ઝાઝું ચીતરવું નથી! 
કોરા કેનવાસે પાણીની ફેરવ પીંછી, 
ભલે, કોઈ ચિત્ર ઊપસતું નથી! 

જલ શું પારદર્શક છે સંબંધ વચ્ચે 
આયનો જેમ ધર્યો છે સન્મુખે! 
હાલ કેવા, ખુલાસો મારે કરવો નથી, 
ભલે, કોઈ સ્થાને સોરવતું નથી! 
©અર્ચિતા દીપક પંડ્યા 

Tuesday, 9 July 2024

માનો ખોળો

માનો ખોળો.. 

કરી શુભ અલંકાર પરાશક્તિ તણાં
નારી બની છે અંશ, મા તારી સદા!

મમતા ધરે છે જેમ, તું જગત માતા, 
હર એક સ્ત્રીમાં શ્વસે છે મા તું સર્વદા! 

અન્યાય હો તો બની પ્રચંડ દુર્ગા કાલી
સ્ત્રી તારી પર રહે અનોખી કૃપા માની! 

ગરિમા જાળવતી અને શીલથી શોભતી, 
માનાં અનુસરણે નારી જીવન જીવતી! 

નારી,નદી અને જગતમાતા સહુને પોષતી
ખરી કિંમત દુનિયા ક્યારે થાય સમજતી? 
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 7 July 2024

અષાઢસ્ય પ્રથમ દિવસે

અષાઢસ્ય પ્રથમ દિવસે.. 

અષાઢસ્ય પ્રથમ દિવસે.. તું આવે તો કેવું સારું?
નયનધારની વર્ષા લૂછી ખબર પૂછે તો કેવું સારું?

ટહૂકે ટહૂકે ઢેલ ચળે, કળા મયૂરની કામ કરી ગઈ, 
અંતરવેદનાનો દીપ જલે, આગ મનને સતાવી રહી. 

બુંદ બુંદ વાદળ વરસાવે, છે આર્દ્ર સઘળું ચારેકોરે, 
આગ લાગી'તી દિલમાં જેને એ વર્ષા ભડકાવી રહી. 

સખા આવો, જીવન જાણે મરુભૂમિમાં મરિચિકા
સુખની સોગાદ બની મને  યાદ તમારી આવી રહી

અષાઢસ્ય પ્રથમ દિવસે..વિરહ વેદના જાગી રહી, 
ના આવે તું તે છતાં આશ મારી એક જાગી રહી.
©અર્ચિતા દીપક પંડ્યા 


Tuesday, 18 June 2024

રક્તદાન

રક્તદાન
પ્રાર્થુ કે પ્રભુ,ના કોઈને જરૂર પડે મહાદાનની, 
બચી શકે જીવન કોઈ,તો ઈચ્છા રક્તદાનની. 

બનાવી રક્ત એક સરખા બનાવ્યા ઈશે સૌને, 
રંગ એક લાલ ધરી જીવન ધબકાવતાં સૌએ. 

નાત,જાત,વર્ણ,દેશ કે ધર્મ બધુંય ભૂલી જાશું
જો રક્ત એક સરખું છે સૌ કોઈ સમજી જાશું.

બુંદ બુંદ છે કીમતી, ઘટી જાય એ તો જોખમ!
રક્ત ફરતું રહે શરીરમાં તો રહે સરખું જીવન!

રક્ત ટપકે હિંમત સાથે તો કહેવાય શૂરવીરતા,
રક્તનું કરાય જો દાન તો કહેવાય છે માનવતા!
©અર્ચિતા દીપક પંડ્યા 

પિતા

પિતા - પહેલા ગુરુ

ગંતવ્ય સુધી જવા અમને મોકલનાર, 
પ્રેમમાં ચિંતાથી એ પાછળ આવનાર, 
કોણ?કોણ હતા એ અમને ચીંધનાર, 
જીવનમાં સન્માર્ગ સદાય બતાવનાર,

અમારાં પિતા! હા, પિતા છે, પ્રેમાળ,
કુટુંબ એમની ઊંડી આંખોમાં વસે છે,
સંભાળ સદા એમના વર્તનમાં ટપકે છે,
હિત સદા ઇચ્છનાર આપણાં પિતા છે!

સાયકલ ચલાવતાં કે ખેલમાં જીતતાં
શીખવનાર એ આપણાં તો પપ્પા છે! 
સંસ્કારનું ભાથું સાથ બાંધી આપનાર
કડક શિસ્ત શીખવનાર છે બીજું કોણ?.. 
 .... એ આપણાં પિતા છે!
©અર્ચિતા દીપક પંડ્યા 

Tuesday, 11 June 2024

ગતિદીક્ષા

નામ: અર્ચિતા દીપક પંડ્યા 
ગામ: અમદાવાદ 
ઈમેઈલ : architadeepak@gmail.com 
 ટાસ્ક : જૂન મહિનો
નદી આપણને ગતિદીક્ષા આપે છે... 

શીર્ષક : ગતિદીક્ષા
ખળખળ તારો રવ, ઘટાડે મારો ઘોંઘાટ,
પરમ મળે શાંતિ મને, રોકાવું તારે ઘાટ!

શીતળ વહેણ તારું ગ્રસી લે સૌનાં તાપ,
નિર્મળતા આપે સૌને પ્રસન્નતા અમાપ!

અટકું હું જરી, જો મૂંઝાઉં થઈને અસફળ,
ગતિ તારી કાયમી પ્રવૃત્તિ તણી કરે દિક્ષિત !

પોષનારી, વહેનારી, છતાં સ્વરૂપે છે અલ્લડ,
નદી વિના કેમ ટકી શકે આપણું જીવજગત!

વાહ તારી ગતિદીક્ષા, વહેતી લઈ જલભંડાર,
માતા સ્વરૂપે તને પૂજું, શિરે ચડાવું જલધાર!
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 9 June 2024

સરવાણી

  *સરવાણી*

છે એક અનંત, અનન્ય સરવાણી જીવનની! 
બ્રહ્મ વહાવે સદાય એની કૃતિ ઉપર પ્રેમની!.. છે એક.. 

આંખમાં વસે અમી રૂપે,જો માતા બની જાય,
પિતાની માર્મિક શીખ એક શ્રદ્ધા બની જાય!.. છે એક..

સરખા ભેરૂની ગોઠડી કે ભાઈ બહેનનો પ્રેમ, 
એક અનંત સરવાણીથી જીવન બને છે હેમ!.. છે એક.. 

પ્રગટ થાય અચાનક જ્યારે જન્મોનાં સાથી, 
પરમનો અજવાશ લઈ ત્યાં વસે સરવાણી!.. છે એક.. 

આપે આ દુનિયા જો કોઈને હાર કે હતાશા, 
તારે છે ત્યારે એક અદ્ભૂત એવી સરવાણી!.. છે એક.. 
©અર્ચિતા દીપક પંડ્યા 



Thursday, 6 June 2024

કસબ

*કસબ* 
કસબ એક એવો આવડી જાય
કે ધરતી પર સ્વર્ગ બની જાય!
માણું એક પરિસ્થિતિ હું કાયમી
જગ ભલે ડામાડોળ થઈ જાય!... કસબ એક... 

આંખમાં આંસુ ઝળકે તે છતાં
બને સ્મિત મારું મૂરઝાય ના, 
આવ્યું એ વહેશે પણ જરૂર, એ
વાત મનથી કદિ વિસરાય ના.... કસબ એક...

સુખ દુઃખ મનમાં ના આણું એ
મનની કસરત કદિયે ચૂકાય ના
પરમ સ્નેહ સદા પામતા રહીએ
એવો વ્યવહાર કદિયે ચૂકાય ના.. કસબ એક... 
©અર્ચિતા દીપક પંડ્યા 

મહેણુ

*મહેણું*
મહેણું ના માર, વ્હાલા શબ્દોનાં બાણ! 
પછી, કેમ કરી ભૂલું મારા મનનો તાણ!... મહેણું.. 

વહાલનાં વરસાદની તાણ કદિ ચાલે, પણ
કુભાવ તણખા થઈ દઝાડે એ કેમ ચાલે?.. મહેણું.. 

તીર કહું કે અગનડામ કહું, મહેણું રે કેવું?
આરપાર ચીરતું એ તારું શસ્તર રે કહું... મહેણું..

લઢવા માટે તું લઢે કે વઢે, રાખું તો આંખમાથે
અવગણીને ચાબખા શબ્દોનાં મારે ક્હે ચાલે?... મહેણું..

ભાવ મને ભીંજવે તો દિલ ધરું હું ચરણે
એ પગથી મને કચડે તો કહે એ કેમ ચાલે?.. મહેણું..
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 22 May 2024

સંબંધ

સંબંધ
સમ બંધ છે, વિષમતાને જગ્યા ના આપીશ,
સમું સૂતરું છે, અસમતાને જગ્યા ના આપીશ.

એક આંખ હસે ને બીજી હાસ્ય ઝીલે છે જો,
તો પછી ક્યારેય આશંકાને જગ્યા ના આપીશ!

કોઈ આપે હાથ તો એને પણ ખભો આપી દેજે, 
બે અંતરમાં અંતર વધવાની જગ્યા ના આપીશ! 

કોણ કોઈનું થયું છે, આ જગતમાં હંમેશ માટે, 
હોંકારો આપે તો અણબનને જગ્યા ના આપીશ! 

આંખથી આંખ વહે, સંબંધ છે કહેવું નથી પડતું, 
મધઝરતાં મળે તો કડવાટને જગ્યા ના આપીશ! 
©અર્ચિયત - અર્ચિતા દીપક પંડ્યા 

Monday, 20 May 2024

પ્રતીક્ષા

પ્રતીક્ષા

પ્રતીક્ષા છે એક જાગતું ચલણ આ જગમાં
રાતને દિવસની, તો અંધકારને ઊજાસની!

બેજીવીને નિજસંતાનની, પ્રિયાને પ્રિયતમની
માવતરને પરદેશી સંતાનની, પ્રતીક્ષા જીવાડતી!

ભાવભર્યા ભેરુની કે સાસરે ગયેલી દીકરીની,
પ્રતીક્ષા બસ, એ તો ભાવવિશ્વની જીવાદોરી! 

આકળા બફારે વરસાદની, વર્ષ આખું નિખારતી
પ્રતીક્ષા એવી જ આખર તારીખે હોય પગારની! 

ભક્તને એના ભગવાનની, 'આમ'ને સારા સમયની
કોઈને કલ્કિ ભગવાનની, પ્રતીક્ષા સૌને કોઈકોઈની! 
©અર્ચિતા દીપક પંડ્યા

Sunday, 3 March 2024

આયનામાં - ગઝલ

જો એ હસી છાયા બની આયનામાં
તસવીર કોણે ફેરવી આયનામાં

વીતેલ વખતે પાછું જોયું ફરીને
બિહામણી લાગી છબી આયનામાં

કેવી બની બીના પછી જીવનીમાં
પીડા વધી ને ઓસરી આયનામાં 

શોધી મેં મારી જાતને પ્રેમ પામી
ખુશી વહેંચાઈ પછી આયનામાં 

લેવી છે હાથોહાથ જો ભેટ કોઈ
તોડો દિવાલો કાચની આયનામાં 
©અર્ચિતા દીપક પંડ્યા

બંધારણ : ગાગાલગા ગાગાલગા ગાલગાગા