Tuesday, 18 June 2024

રક્તદાન

રક્તદાન
પ્રાર્થુ કે પ્રભુ,ના કોઈને જરૂર પડે મહાદાનની, 
બચી શકે જીવન કોઈ,તો ઈચ્છા રક્તદાનની. 

બનાવી રક્ત એક સરખા બનાવ્યા ઈશે સૌને, 
રંગ એક લાલ ધરી જીવન ધબકાવતાં સૌએ. 

નાત,જાત,વર્ણ,દેશ કે ધર્મ બધુંય ભૂલી જાશું
જો રક્ત એક સરખું છે સૌ કોઈ સમજી જાશું.

બુંદ બુંદ છે કીમતી, ઘટી જાય એ તો જોખમ!
રક્ત ફરતું રહે શરીરમાં તો રહે સરખું જીવન!

રક્ત ટપકે હિંમત સાથે તો કહેવાય શૂરવીરતા,
રક્તનું કરાય જો દાન તો કહેવાય છે માનવતા!
©અર્ચિતા દીપક પંડ્યા 

પિતા

પિતા - પહેલા ગુરુ

ગંતવ્ય સુધી જવા અમને મોકલનાર, 
પ્રેમમાં ચિંતાથી એ પાછળ આવનાર, 
કોણ?કોણ હતા એ અમને ચીંધનાર, 
જીવનમાં સન્માર્ગ સદાય બતાવનાર,

અમારાં પિતા! હા, પિતા છે, પ્રેમાળ,
કુટુંબ એમની ઊંડી આંખોમાં વસે છે,
સંભાળ સદા એમના વર્તનમાં ટપકે છે,
હિત સદા ઇચ્છનાર આપણાં પિતા છે!

સાયકલ ચલાવતાં કે ખેલમાં જીતતાં
શીખવનાર એ આપણાં તો પપ્પા છે! 
સંસ્કારનું ભાથું સાથ બાંધી આપનાર
કડક શિસ્ત શીખવનાર છે બીજું કોણ?.. 
 .... એ આપણાં પિતા છે!
©અર્ચિતા દીપક પંડ્યા 

Tuesday, 11 June 2024

ગતિદીક્ષા

નામ: અર્ચિતા દીપક પંડ્યા 
ગામ: અમદાવાદ 
ઈમેઈલ : architadeepak@gmail.com 
 ટાસ્ક : જૂન મહિનો
નદી આપણને ગતિદીક્ષા આપે છે... 

શીર્ષક : ગતિદીક્ષા
ખળખળ તારો રવ, ઘટાડે મારો ઘોંઘાટ,
પરમ મળે શાંતિ મને, રોકાવું તારે ઘાટ!

શીતળ વહેણ તારું ગ્રસી લે સૌનાં તાપ,
નિર્મળતા આપે સૌને પ્રસન્નતા અમાપ!

અટકું હું જરી, જો મૂંઝાઉં થઈને અસફળ,
ગતિ તારી કાયમી પ્રવૃત્તિ તણી કરે દિક્ષિત !

પોષનારી, વહેનારી, છતાં સ્વરૂપે છે અલ્લડ,
નદી વિના કેમ ટકી શકે આપણું જીવજગત!

વાહ તારી ગતિદીક્ષા, વહેતી લઈ જલભંડાર,
માતા સ્વરૂપે તને પૂજું, શિરે ચડાવું જલધાર!
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 9 June 2024

સરવાણી

  *સરવાણી*

છે એક અનંત, અનન્ય સરવાણી જીવનની! 
બ્રહ્મ વહાવે સદાય એની કૃતિ ઉપર પ્રેમની!.. છે એક.. 

આંખમાં વસે અમી રૂપે,જો માતા બની જાય,
પિતાની માર્મિક શીખ એક શ્રદ્ધા બની જાય!.. છે એક..

સરખા ભેરૂની ગોઠડી કે ભાઈ બહેનનો પ્રેમ, 
એક અનંત સરવાણીથી જીવન બને છે હેમ!.. છે એક.. 

પ્રગટ થાય અચાનક જ્યારે જન્મોનાં સાથી, 
પરમનો અજવાશ લઈ ત્યાં વસે સરવાણી!.. છે એક.. 

આપે આ દુનિયા જો કોઈને હાર કે હતાશા, 
તારે છે ત્યારે એક અદ્ભૂત એવી સરવાણી!.. છે એક.. 
©અર્ચિતા દીપક પંડ્યા 



Thursday, 6 June 2024

કસબ

*કસબ* 
કસબ એક એવો આવડી જાય
કે ધરતી પર સ્વર્ગ બની જાય!
માણું એક પરિસ્થિતિ હું કાયમી
જગ ભલે ડામાડોળ થઈ જાય!... કસબ એક... 

આંખમાં આંસુ ઝળકે તે છતાં
બને સ્મિત મારું મૂરઝાય ના, 
આવ્યું એ વહેશે પણ જરૂર, એ
વાત મનથી કદિ વિસરાય ના.... કસબ એક...

સુખ દુઃખ મનમાં ના આણું એ
મનની કસરત કદિયે ચૂકાય ના
પરમ સ્નેહ સદા પામતા રહીએ
એવો વ્યવહાર કદિયે ચૂકાય ના.. કસબ એક... 
©અર્ચિતા દીપક પંડ્યા 

મહેણુ

*મહેણું*
મહેણું ના માર, વ્હાલા શબ્દોનાં બાણ! 
પછી, કેમ કરી ભૂલું મારા મનનો તાણ!... મહેણું.. 

વહાલનાં વરસાદની તાણ કદિ ચાલે, પણ
કુભાવ તણખા થઈ દઝાડે એ કેમ ચાલે?.. મહેણું.. 

તીર કહું કે અગનડામ કહું, મહેણું રે કેવું?
આરપાર ચીરતું એ તારું શસ્તર રે કહું... મહેણું..

લઢવા માટે તું લઢે કે વઢે, રાખું તો આંખમાથે
અવગણીને ચાબખા શબ્દોનાં મારે ક્હે ચાલે?... મહેણું..

ભાવ મને ભીંજવે તો દિલ ધરું હું ચરણે
એ પગથી મને કચડે તો કહે એ કેમ ચાલે?.. મહેણું..
©અર્ચિતા દીપક પંડ્યા