Tuesday, 29 June 2021

અસવાર

અસવાર

હા, અસવાર છું
જીવન નામનાં ઘોડા પર!
છે ચાબૂક મનોબળની
અને શ્રદ્ધાનું જીન વળી!
જાગ્યો, ત્યારની 
આ સફર છે શરુ અહીં.
વટાવ્યા અનેક મુકામ
બાળપણ, યુવાની અને જરા
જીવનની ચાલ પણ 
ધીમી થઈ છે જરા!
કહે છે એની હાંફ
થોડું અટકીને દોડ
સફરમાં હવે ગ્રહીને દોડ!
છોડી તું બધા બોજ, 
મન મૂકીને દોડ!
મંઝિલ આવશે જેમ નજીક
છોડાવશે સામાન કંઈક!
સાથે રહેશે માત્ર
અનુભવનું ભાથું! 
માણીને હર સંવેગ
છોડતાં શીખવાનું! 
છું માત્ર અસવાર
જીવનનાં ઘોડા પર... 
આખરી મંઝિલ એ તો
અંત જ, હર પળ જાણવાનું! 
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 28 June 2021

ચોમાસું

ચોમાસું

મારે બેઠું તો એવું ચોમાસું, બેઠું બારેમાસ
આંખે હેલી,મોસમ ભૂલી,વહે બારેમાસ 

હરખું તો નયન ભીનાં ને દુઃખમાં ચોધાર
નદી ઊમટે જાણે, નયનનગરમાં વારંવાર 

મેઘ જેવું દલડું આર્દ્ર,નાજુક અને અતાગ
ન માને ક'દિ, છો સમજાવું હું લગાતાર! 

છે નાની હથેળી પણ દિલ દરિયો અગાધ
સંવેદન ભર્યા ભીડ માંહે વર્તને અમાપ

આંખ વહે વાતો દિલની, અશ્રુ અસવાર
જીહ્વા વદે વાત જ કોઈ આંખ રહે પ્રમાણ

સુખ દુઃખ શોક માં નથી અશ્રુમાં અલગાવ
પાણી શાં પારદર્શક ને ઘેરો એનો બહાવ
                     ©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 25 June 2021

ઈજન

ઈજન

વરસાદી વાતાવરણમાં તું ક્યારે આવીશ ?
વાયદામાં હવે કોઈ વિલંબ ન કરીશ .

ઠંડો સાદ દઈ અબોલ ન થઇ જઈશ,
હૈયું હિજરાય એવો વાયદો ન કરીશ,

હરખથી હૂંફ આપી દઉં , આજે તું આવ,
ગરમ શ્વાસનો નાસ આપું તને , તું આવ,

મેઘધનુષ ઓળંગીને કદી તો અહી આવ,
ચંપાતા પગલે ગમતીલો રંગ ચોરી આવ,

ક્ષણો એનાથી રંગી કોઈ ચિત્ર બનાવીએ,
જીવનના કેનવાસને ગમતા રંગ આપીએ,

ઋતુ 'ને સમય,વાર' ને તિથી મર્યાદા થી છેટે,
શ્વાસની સરગમથી હેતે ફરી ફરીને મળીએ .
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 24 June 2021

અણનમ

 અણનમ

પાણીના
ધોધની માફક
વહી જતાં
સમયમાં
ક્ષણોની
એક
કાચી રાશ
લઈને
અણનમ
રહું છું
હું

ત્યાં જ
જ્યાં
હું
કાયમ
મળું છું.

©અર્ચિતા દીપક પંડ્યા 

Wednesday, 23 June 2021

ભૂલી ગયો

   ભૂલી ગયો

હક્કનો દાવો કરવાનું એમ હું ભૂલી ગયો
સિક્કાને શાહીમાં બોળવાનું ભૂલી ગયો

ઈમારત જોઈ આંખ પહોળી થઈ ગઈ 
પાયામાં હું પૂરાયો છું એ જ ભૂલી ગયો.

સફરમાં ચાલવાની લીધી'તી  એવી મઝા
મંઝિલ કઈ હતી મારી એ જ ભૂલી ગયો.

આજ જશે ને કાલ હવે સોનેરી આવશે
આશમાં સમય માણવાનું જ ભૂલી ગયો. 

એમને ગણીને મારાં જીવ્યો'તો એવી રીતે
હું નથી રહ્યો હવે મારો એ જ ભૂલી ગયો
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 20 June 2021

કિસ્મત

રાતની શાહીમાં
બોળીને કલમ
કદાચ
તેં
લખી'તી
કિસ્મત મારી,
કૂવો કપાળમાં, 
હાથમાં રેખાનાં જાળાં, 
જશની રેખા
વિસારી
જાણે અળખામણાં, 
તેં ધાર્યું, 
પાયલની બેડીએ જકડાઈ જઈશ, 
હાથની ચૂડીએ પકડાઈ રહીશ, 
શણગારના મોહે
બસ, અટવાઈ રહીશ. 
પણ 
ના, 
હું ચાંદનીમાં ખીલી જઈશ, 
કોઈ વેલ બની પાંગરી જઈશ, 
અંધારામાં પણ
આવડે મને
ખોલતાં 
કિસ્મતના તાળાં, 
કોઈ તારલાના અજવાળે 
પણ
આશા ઉગાડી લઈશ, 
નારી છું, 
ઋજુ છું, 
પણ 
દુર્ગાને ગર્વ અપાવતી રહીશ. 
©અર્ચિતા દીપક પંડ્યા 

Saturday, 12 June 2021

વૃક્ષ

બીજમાંથી કાલે
કૂંપળ ફૂટ્યાનું યાદ,
એક એક પાન
છે મ્હોર્યાનું યાદ!

ભૂમિ સાથે જડાઈ
ફાલ્યાનું છે મને યાદ
કંઈક કેટલાંય ટહૂકાં
સમાવ્યાનું છે યાદ!

પાને પાને હું 
ખીલી ગયા પછી
પીળાશે કર્યું એનું
સામ્રાજ્ય, તે છે યાદ!

ફળ, ફૂલ, કેકારવ
સમૃદ્ધિ લઈ જીવ્યા
હવે એકલતાનો વૈભવ
એ અપાવે છે યાદ!

બધી મંશાઓ થઈ છે
દફન, મારા મૂળ નીચે,
હવે બન્યું ઘેઘૂરમાંથી
લાકડાનું ધન, એટલું યાદ! 

લઈ સોનેરી ભૂતકાળ
હવે ઝીલાય નહીં તાપ
બસ, અહીં છું બાગમાં
એ આશ્વાસનનું યાદ! 
©અર્ચિતા દીપક પંડ્યા 
ચિત્ર: હંસાાબે શાાસ્ત્રી

Friday, 11 June 2021

માસ પ્રમોશન

       માસ પ્રમોશન 

થઈ ગયું છે ભાઈ, માસ પ્રમોશન
ઉતરી ગયું છે ને, જુઓ ટેન્શન!

આ વર્ષે થયાં છે બધાં ફૂલ્લી પાસ, 
પરીક્ષાના ભારણનો તો ગયો ત્રાસ, 

હોય ભલે સ્કોલર કે ઠોઠ નિશાળિયો, 
કોરોના કાળે ઉપલા ધોરણે ચડાવિયો.

થોડું બેઝિક ભલે ને રહી ગયું કાચું
કોને ખબર પડવાની પૂછો તો સાચું.

જલસા કરવાના મળે, તો કરી લેવાના
કાલની ફિકર તો અમે કાલે જ કરવાના.
©અર્ચિતા દીપક પંડ્યા 

Thursday, 10 June 2021

ખોવાઈ જવું છે.

      ખોવાઈ જવું છે. 

મારામાંથી 'હું' લઈને, હવે ખોવાઈ જવું છે.
સપનાંમાંથી મોતી વીણીને પરોવાઈ જવું છે... 
        હવે ખોવાઈ જવું છે. 

વડિલોના આદેશે ઘડાઈ ચૂક્યું છે ચરિત્ર 
નાનેરાંની આંખમાં પણ હવે સમાઈ જવું છે... 
        હવે ખોવાઈ જવું છે. 

કહેવાયું એ કર્યું બધું, સૌને માટે આજ લગી
દિલની રાજધાનીના 'પ્રધાન' નિમાઈ જવું છે... 
         હવે ખોવાઈ જવું છે. 

ઘણી વસંતે રંગો વિખેર્યા ને ગીતે ટહૂકા પૂર્યા
હવે મારે દુન્વયી મઝામાંથી  વિરમાઈ જવું છે... 
         હવે ખોવાઈ જવું છે. 

દુનિયાના સરવરમાં જળકમળવત્ ખીલીને, 
ચાલ જીવ, પામરતા છોડીને પરમાઈ જવું છે...
          હવે ખોવાઈ જવું છે. 
©અર્ચિતા દીપક પંડ્યા 


Monday, 7 June 2021

પપ્પા


પપ્પા, મારે થાવું છે તમ જેમ ઊંચેરું,
ઊંચેથી જોવામાં તો લાગે બધું અનૂઠું.

મજબૂત બે પગ તમારા છે ભોંયે ચાંપેલાં,
પાયો મારા જીવનનો એ તો બની બેઠેલાં.

તમારી સંભાળથી છે ખુશ મારી જિંદગી,
દોરવણી લઈને જંગ જીતતી ઉત્સાહથી.

છે બાળપણની યાદ મને તાજી ને
 તાજી,
પગથી થતું આરોહણ તમારા ખભ્ભા સુધી.

ઊંચકી મને ફૂલની જેમ હસી પડતા હરખી,
થઈ દિકરી તમારી હું આવો લહાવો માણતી.
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 4 June 2021

ઉનાળો



ધોમ ધખે એવો, જુઓ, ઉનાળો કેવો ગરમ! 
ધખતો આકરો કેમ એ જાણીએ નહીં મરમ! 

કાં ધખાવી ધૂણી તું, કરે કાં ગરમી ગરમી? 
આવડી નહીં કોઈ વાતે, લાવવી તને નરમી. 

પારો કેમ આટલો તારો, ને કેમ આટલો છે તોર? 
ધનિક કોઈ કુટુંબનો છે જાણે તું ઉછાંછળો છોર. 

કેવી આવી વાતો બધી સૂરજની તો પાટે ને ખાટે
દયા કર, ગરીબોના તળિયા ગરમીથી ઊંડેરા ફાટે. 

મોગરા, ગુલમહોરની લાલચે ગરમી સાંખી લઈ, 
કેરી કેરા રસમાં ઠરી અમે તો વાત વાળી લઈ. 

ઉનાળો છે આકરો ભલે દેતો એ બક્ષિસ મોંઘી
તપ્યા વિના દુનિયાની કિંમત થઈ જાય સોંઘી.

ગુફતેગો

ફરી એ જ
વરસાદ, વાવાઝોડું અને 
અંધારાનું સામ્રાજ્ય..
પોતાની જાત એકલી
શોધતી સાથી

સતત ટપકતાં
છાપરે રણકતાં
વૃક્ષ પર રગડતાં
વરસાદી ટીપાં
બન્યા છે
મારા
ગુફતેગોના સાથી.
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 2 June 2021

એક વાત કરું વસંતની

એક વાત કરું વસંતની

એ આવી
ફૂલો રંગબેરંગી
ભેટમાં લાવી
એવી વાત કરું એક વસંતની.. 

હૈયે આનંદ
શ્રદ્ધા ભરપૂર
દોસ્તીની સુવાસ લાવી
એવી વાત કરું એક વસંતની.. 

એ નથી આજે
આવશે એની રાહમાં
પાનખર પણ વીતી જશે.. 
એવી વાત કરું એક વસંતની
©અર્ચિતા દીપક પંડ્યા

સાયકલ

સાયકલ
મારું પહેલું 
અને પ્રિય વાહન,
કિશોરાવસ્થા,
ઉમંગ અને તરંગનું જોર. 
હાંસલ કરતા રહેવાનો દોર, 
મને વારંવાર
ખેંચી જતાં
સાયકલયાત્રા પર!
એક જ રીતે
ગોળ ગોળ ઘૂમતાં પૈડાં
અને એની ગતિ
મને
ધ્યાનાવસ્થાની નજીક લઈ જતાં,
ન આનંદ ન શોક
બસ એક અવસ્થા, એક ગતિ
મુકામ સુધી પહોંચાડતા...
આજે પણ
સાયકલ છે,
ચક્રાકાર ગતિ છે જીવનની
અને 
હું
એ લાલચમાં 
કિશોરાવસ્થાની મુગ્ધાવસ્થા ઓઢી લઉં
કે
આ સમય પણ
ગતિ બની સરકી જશે..!
©અર્ચિતા દીપક પંડ્યા 

કહોને, ભીનાં થયાં?

આજ થયો વરસાદ, કહો ને ભીનાં થયાં? 
ભલે ને ચોમાસાની વાર અમે ભીનાં થયાં. 

ઘેરાઈ લાગણીની મેઘલ ઘટા
જોઈને તમારી  સ્નેહલ છટા
બારે મેઘને તો થવું છે ખાંગા
ભલે ને ચૈતરના દા'ડા જતાં

આજ થયો વરસાદ, કહો ને ભીનાં થયાં ?

સમુદ્રી તોફાન આંખમાં ઉગ્યા
ટેરવે દરિયાઈ ફીણને જડ્યા
તરતી રહે જળપરી શી ઈચ્છા 
શબ્દ અટક્યા અટકી પૃચ્છા

આજ થયો વરસાદ, કહેશો કે ભીનાં થયાં? 
©અર્ચિતા દીપક પંડ્યા