Saturday, 30 November 2019

બનવું નથી

મારે દોરવા છે ચિત્રો કુદરત જેવા,
પણ ચિત્રકાર બનવું નથી...

મારે નર્તન કરવું છે વીજળીની જેમ,
પણ નૃત્યકાર બનવું નથી...

મારે ગાવું છે કોઈ બંસીના સૂર જેમ,
પણ ગાયક બનવું નથી...

વાચા આપીશ સંવેદનાને કવિતાની જેમ,
પણ કવિ બનવું નથી...

કથન કરીશ હ્રદયસ્પર્શી કોઈ કથાની જેમ,
પણ લેખક બનવું નથી...

માનવ જન્મ ઉજવીશ તહેવારની જેમ,
પણ કોઈ  'ટેગ' ધારી મારે બનવું નથી...
©અર્ચિયત

અમે*

અમે

અમે રણઝણ ઝીણી ઝાંઝરી
   અને તમે બોલ્યા જાણે ઘંટ!
અમે ઝીણી વેલ મહોરતી
    તમે પથરાયા થઈ વૃક્ષ વટ!

સાજન અમે નરમાયા, સહમ્યા
      અને ગૂંથ્યો  જીવનપટ!
તમે કોળ્યો રસ્તો પર્વત માંહેથી
       અમે કેડીએ દોરાયા સટપટ!

મેઘલ ઘટાનો તમે વરસાદ થઈ
       ભીંજવો  મનમોજી થઈ
કૂણી કૂણી કૂંપળ મહોરે
       અમને તો એવી લાગી રે  રટ!

આંસુ અમારું  કિંમતી  મોતી
         બારેમાસનું ઘરેણું સ્મિત
સાતમા આકાશે  વિહરીએ
       અમે તો હૈયે વસાવીએ વટ!
       ©અર્ચિતા દીપક પંડ્યા