શબ્દ
શબ્દ એ
સંવેદનોથી છલોછલ
એક પરબિડીયું
વહે લાગણી લઈ
વહે ભાવ લઈ
વહે અંદાજ લઈ
જ્યારે નિત શુદ્ધ
હ્રદયથી જન્મે...
નહીં તો
પછી
એ જ
બને
છલોછલ છલ!
©અર્ચિયત
શબ્દ
શબ્દ એ
સંવેદનોથી છલોછલ
એક પરબિડીયું
વહે લાગણી લઈ
વહે ભાવ લઈ
વહે અંદાજ લઈ
જ્યારે નિત શુદ્ધ
હ્રદયથી જન્મે...
નહીં તો
પછી
એ જ
બને
છલોછલ છલ!
©અર્ચિયત
મારા બગીચામાં
એક નાનકડો
છોડ ઉગ્યો છે ખૂણામાં,
રોજ એક નાનકું
ફૂલ આવે છે એમાં,
રોજ હસતું, રમતું
ખીલે છે...
મોટા બગીચાને કોઈ
ફરક નથી પડતો,
ખૂણામાં એ હોય કે નહીં.
છોડને પણ ખાસ
કોઈ ફરક નથી પડતો..
એ ક્યાં ઉગી ગયો છે?
બાકી આમ તો શું?
શું ફરક પડે?
કેટલાંય જીવ વચ્ચે
એ પણ જીવી રહ્યો છે.
પણ,
મને અને એને,
ત્યારે ચોક્કસ ફરક પડે છે,
જ્યારે,
સવારમાં હું
ફૂલ ઉગ્યું હશે
એમ માની જઉં છું
બગીચામાં, છોડ પર
ફૂલ જોઈ એને હાથ ફેરવવું છું..
અને અમે બંને..
હસી પડીએ છીએ...!!!
©અર્ચિતા દીપક પંડ્યા
કાળની દરિયાઈ મોજ
વીણું વીણું મોતી, હું યાદનું, કાળના દરિયામાં
એક એક મોજું, લાવે ઘટનાનું , આજના
ઓવારામાં
ક્યાં હતી ખબર બાળપણાના સાથમાં
એક વખત એને ઝંખીશ લેવા હાથમાં
સરકી ગઈ રેત બધી રેતઘડીની
રાહ પળિયાંને બાળ મસ્તીની
હવે પગલે પગલે ફરીએ પાછા
તો ય ન જઈએ બાળપણમાં... વીણું વીણું
કિશોરી હતી તું કંઈ અલગ જ ઠાઠમાં
હતી દુનિયા નાની પણ તારા જ રાજમાં
સામ્રાજ્ઞી તું ખીલે દમામથી
નકાર મૂકે છેટે તું પ્રજ્ઞાથી
સવાલ તારા હતા જ અનોખા
અને જવાબ એના અંદાજમાં... વીણું વીણું
યૌવનની ઝાંયે તું નરમ શરમ સાથમાં
હળવે બોલે હવે ગાતી ઝીણા રાગમાં
સૌંદર્યા કૌશલ્યા સંગી સારી
સુભદ્રા સુલભા સુલક્ષણા માધુરી
જાણે લાગે એ સુવર્ણકાળમાં
રહે અમીટ છાપ એના મનમાં... વીણું વીણું
જરા નું જરા પણ નહોતું વિચારમાં
હાથ પગ ઢીલાં ને જરા રહે જોરમાં
કળે કળે ઉકેલ પ્રબળે મેળવતી
આધાર અસહ્ય ખુદ ઝઝૂમતી
હવે લાગે છે અંતિમ પડાવમાં
છતાં એક અજબ ગરિમામાં... વીણું વીણું
©અર્ચિતા દીપક પંડ્યા
મનબાગની છેક નજીક રહેતાં સાથી!
કોઈ હવાની લહેરખીથી
અજાણપણે
ઝળુંબાઈને
તારા બગીચામાં
ખેંચાઈ જાવ છું..
ત્યારે પાંદડાંઓની
ગુસપુસ રોમાંચ આપે છે!
ખાસ લાગે છે!
એ ક્ષણો...
જે મને તારી નજીક લઈ આવે છે!
તારા સાથીદાર છોડ
એની સુંદરતાથી શોભી રહ્યા છે,
અને રોજેરોજ, તું
એમાં ઓળઘોળ!
પણ ક્ષણ બે ક્ષણનું
મારું, તારી નજીક આવવું,
જીવનનું એક જોમ છે!
હું રાહ જોઉં છું
એક મીઠી પવનની લહેરખીની,
જે જીવન સુધી ખેંચી જાય છે!!!!
©અર્ચિતા દીપક પંડ્યા
મળે ના મળે
ખોલું બંધ મકાન, અને આપણાં ન મળે
જીવનમાં બધી દુઆઓ ફળે કે ના ફળે!
સંબંધ મેં જ સ્થાપી દીધો ઈશ જોડે
બને, કે ખરે વખતે એની આનાકાની મળે!
અમથું યે સ્મિત તો મઢી લીધું ચહેરા પરે
મુક્ત હાસ્યની સ્થિતિ કોઈ કળે ના કળે!
આજકાલ લઈ લીધાં છે અબોલા એમણે
ભલે મળે નજર, છતાં પ્રેમ મળે ન મળે!
એક ઉપકાર કરી દીધો સંબંધ વિચ્છેદ વડે
મન મળ્યાનો ભાવ દિલમાં જડે ના જડે!
વિધાતાનો ઉપકાર માની, મન ઋણ ગ્રહે
કુંડળી એવી પાડી કે શત્રુતા ન રહેે એ સ્થળે!
બેઅદબ થઈ આશાઓ મારી એક સાથે
જીવન સાથે પણ શ્વાસ કદાચ હળે ન હળે!
©અર્ચિતા દીપક પંડ્યા
એક દિ'
એક દિ', નવરાશની પળોએ વિચાર્યું ;
લાવ, ઠાલવું આજે દિલને એકવાર,
ઈચ્છાઓ ઢગલો ભરાઈ ગઈ છે!
એક પછી એક ઉલેચીને કાઢી.
એક, બે, ત્રણ.....
ગણતરી લાંબી ચાલી...
બહાર ઢગલો થઈ ગયો,
પણ આમાં મારી ઈચ્છા ક્યાં કોઈ હતી જ?
મારી ઈચ્છા શોધવા એ ઢગલો પાછો ફંફોસ્યો;
પણ ક્યાં ય ન મળી?
અહીં તો પિતા, પતિ, કુટુંબ અને બાળકોની જ ઈચ્છાઓ છે!
પણ એમાં નવાઈ પણ ક્યાં છે?
સ્ત્રી છું ને?
પુત્રી, પત્ની, વહુ, મા ના સ્વરૂપને મેં વધારે મહત્વ આપ્યું છે.
મારા સ્વરૂપોને હું વધુ ચાહું છું!
મેં પસંદ કર્યું છે અન્ય માટે જીવવાનું,
અને એ જ મારી મોટી તાકાત છે!
અને મને જ્યારે મારા સ્વરુપોમાંથી મને ખુદને ચાહવાનો સમય મળે,
ત્યાં સુધી હું મારું બળ એવું જ જાળવી રાખીશ!
©અર્ચિતા દીપક પંડયા
મારા જ તરફથી
બહુ મળી છે દાદ આ નામને લોકો તરફથી,
ચાહું હવે મેળવું શાબાશી મારા જ તરફથી!
વિગત ચૂકી જવાઈ ઉતાવળથી મળવામાં
થોડીક તો કસર થઈ ગઈ મારા જ તરફથી!
અનુગામીને જોર કર્યું રસ્તો બતાવવામાં
થોડીક જબરદસ્તી થઈ મારા જ તરફથી!
રહ્યાં એ એક ને એક વાતને વળગી રહેવામાં
થોડીક ધીરજ પછી ખૂટી મારા જ તરફથી!
એક સમજાવું અને થાય બીજું બગડવામાં
થોડીક સમજદારી જોઈશે મારા જ તરફથી!
એમ માનવું કે રહ્યાં ખાલી વાંક બતાવવામાં
થોડીક તો નાદાની થઈ ગઈ મારા જ તરફથી!
લાગ્યું,ઈશ્વર ગૂંથાયો છે ચોપડો લખવામાં
થોડીક તો ગફલત થઈ છે મારા જ તરફથી!
©અર્ચિતા દીપક પંડ્યા