Saturday, 7 September 2019

કાળની દરિયાઈ મોજ

કાળની દરિયાઈ મોજ
વીણું વીણું મોતી, હું યાદનું, કાળના દરિયામાં
એક એક મોજું, લાવે ઘટનાનું , આજના
ઓવારામાં

ક્યાં હતી ખબર બાળપણાના સાથમાં
એક વખત એને ઝંખીશ લેવા હાથમાં
સરકી ગઈ રેત બધી રેતઘડીની
રાહ પળિયાંને બાળ મસ્તીની
હવે પગલે પગલે ફરીએ પાછા
તો ય ન જઈએ બાળપણમાં... વીણું વીણું

કિશોરી હતી તું  કંઈ અલગ જ ઠાઠમાં
હતી દુનિયા નાની પણ તારા જ રાજમાં
સામ્રાજ્ઞી તું ખીલે દમામથી
નકાર મૂકે છેટે તું પ્રજ્ઞાથી
સવાલ તારા હતા જ અનોખા
અને જવાબ એના અંદાજમાં... વીણું વીણું

યૌવનની ઝાંયે તું નરમ શરમ સાથમાં
હળવે બોલે હવે ગાતી ઝીણા રાગમાં
સૌંદર્યા કૌશલ્યા સંગી સારી
સુભદ્રા સુલભા સુલક્ષણા માધુરી
જાણે લાગે એ સુવર્ણકાળમાં
રહે અમીટ છાપ એના મનમાં... વીણું વીણું

જરા નું જરા પણ નહોતું વિચારમાં
હાથ પગ ઢીલાં ને જરા રહે જોરમાં
કળે કળે ઉકેલ પ્રબળે મેળવતી
આધાર અસહ્ય ખુદ ઝઝૂમતી
હવે લાગે છે અંતિમ પડાવમાં
છતાં એક અજબ ગરિમામાં... વીણું વીણું
©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment