Friday, 25 October 2019

મિલન

મિલન

રાધાને શ્યામ મળ્યા?
રાધાને જ પૂછવું પડે...
મીરાં શ્યામને પામ્યા?
જવાબ, મીરાં જ આપી શકે...
નરસૈંયાને નહોતો સંદેહ
કાનજી મામેરું પૂરે એનો...
ભરતને મન ચાખડી
અને
શબરીને મન બોરનો ભાવ
બીજાં કોઈ શું સમજી શકે?
શ્રદ્ધાની ચુંદડી ઓઢવી પડે,
રિવાજોની રીતિ
મનનાં વૃંદાવનમાં
ક્યાંથી કામ લાગે?
લોક કરે વાત્યું જરી વારમાં
જો,
થાય લગીર રીતથી જૂદું,
પણ
હ્રદયમાં સ્થપાયેલ ભાવ
મંદીરની મૂરત ના બદલી શકે!
હૈયે હોય, મિલનની આરતી
તો  અંતરને અંતર
ક્યાંથી પજવી શકે?
©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 22 October 2019

તમન્ના *

તમન્ના

    તું ખુદ ઈશ્વર છે માની તમન્ના કરી તારી એવી!
     હકીકત હોત એ,તો મોક્ષની ક્યાં વાર હતી?

    હું એમ કરું આરઝુ જો  ખુદાની ઈબાદત માની
    છે તારી જવાબદારી તું મળે મને કણકણ મહી

    આજે મળે તું કે કાલે,છે ભલે દૂરી,દર્દ ને દેરી
    મળશે એવી આશ  ક્યાં અહીં ઓછી થતી?

     હર મોડ પહોંચાડશે જરુર  એક મુકામ ભણી
     તારા હોવાની સાક્ષી મળશે હર કદમ પરથી

    એમ તો કહે ક્યાં નથી તું,આ તારી દુનિયામાં?
    જ્યાં ન દેખાય ત્યાં હું જ તારામય થઈ જતી!
         ©અર્ચિતા દીપક પંડ્યા

વેદના*


                  વેદના

ઘણી 'વાહ વાહ' સાથે વેદના મફત મળી,
માર્ગ આખો કાપ્યો, પણ મંઝિલ ન મળી.

દરિયાની રેતીમાં બે છીપલાંની જોડ મળી,
ઉલેચ્યો દરિયો, પણ મોતીની ભાળ ન મળી

ચહેરામાં બહુ સંબંધની ઓળખાણ મળી,
કરું ગપાટા, પણ અંતરની ઓળખ ન મળી

કાલે કામ ને કામ, આજે જુઓ ફૂરસદ મળી
વાત એવી, પણ જોઈતી હતી ત્યારે ન મળી

સહિયારું હતું, તો વેઠ પણ વહેંચાતી મળી
હશે,આમ પણ, જશરેખા જ નહોતી મળી.
             ©અર્ચિતા દીપક પંડ્યા

લિબાસ *

લિબાસ

જિંદગી તનને એક લિબાસ આપે છે, 
કરચલી રૂપે એ  પહેરવેશ  આપે છે.

આંસુને મહત્તા એમ જ નથી મળી
દર્દનાં ઝાંકળની એ ભીની વાચા આપે છે.

મળવાની ઉત્કંઠાનું માપ ભલે હોય મોટું
દૂર  કિનારા મરજાદી  માન આપે છે.

એક ફૂલ ઉગ્યાને વસંત કેમ કહેવાય? 
મ્હોર્યા બાગ ઋતુને  અદકું માન આપે છે.

એક પછી એક મુલાકાત ટાળે છે જો એ
એમને   જિંદગી પણ જાણે ખો આપે છે.

માની લીધું કે મારામાં છે એ અપ્રગટ
એ વાત હૈયાને શીળો આરામ આપે છે

કંઈ આપે કે ભલે ન આપે પ્રેમ એમનો
પણ દશા અમને કોઈ ખાસ આપે છે. 
©અર્ચિતા દીપક પંડ્યા

વાદળ કહે

વાદળ કહે...

કેમ જાઉં હું , ધરતી?
તને અહીંથી રેઢી મૂકી?
છોડી વર્ષોનો સંગાથ,
તું બોલાવે 'ને આવું હાલ,
ઉપર રહ્યે જોઉં હું રોજ,
માનવ કરે તારા કેવા હાલ?
ખેંચે રોજેરોજ તારું સત્વ,
ધાતુ, પાણી અને  ખનિજ!
અને લપેટે તને ઝેરી પ્લાસ્ટિક!
"મા છે તારી,એને સાચવતા શીખ!
દરિયો, નદી, તળાવ, રસ્તા
જાણે બધાં તમારાં ડસ્ટબીન!
સત્વ જાય અને ઝેર ઓકાય.
ધરા, પછી કેવી રીતે ટકાય?
વંઠેલાં છે સૌ તારા બાળ..
હવે તું જ એને કાબૂમાં આણ.."
ધરતીના ગરમ શ્વાસે શ્વાસે
વરાળથી ભેજ ભરાઈ ગયો...
ધરતીનો નિસાસો પણ,
ક્યાંક અટવાઈ ગયો!
©અર્ચિતા દીપક પંડ્યા