Friday, 23 July 2021

રોજનું થયું

રોજનું થયું
ચોપિંગ બોર્ડ પર
મારા હાથે
તેજ ધારથી
રોજે કાપતી
કટ.. કટ કટ કટ..
 
ક્યાંય પાર લાવી દેતી,
પછી તો એને જ
ઊંચકી 
નાંખુ તાંસળામાં
એ વઘારાય
એ ચડાવાય
એને સીઝાવાય.. 

ને
ગરમ ગરમ
ભાણે પીરસાય
પછી તો
જાણે એનું અસ્તિત્વ 
હતું જ નહીં, 
એ વરાળ,એ આગ, એ દાઝ,
કે કટ કટ કટ.. 
કોઈને ખબર ન પડી.. 

આજે 
કોણ જાણે કેમ
કટ કટ કટ
થોડું બેધ્યાનપણે થયું
મન ઢીલું હતું
શરીરમાં કચાશ હતી,
એક ફૂવારો ઊઠ્યો લોહીનો
મારા હાથે જે કપાયેલું
મારા લોહીથી રંગાયું

મેં હાથ
સીધો જ પાણી નીચે ધરી દીધો
મારા ઉકળાટનો ઉભરો
પાણી સાથે વહી ગયો.
ટક ટક ટક સંગીત સાથે
મારે રોજનું થયું.

©અર્ચિતા દીપક પંડ્યા 

Tuesday, 20 July 2021

બાળકાવ્ય

બા મને ચાંદા જેવી થાળી દઈ દે,
ને સૂરજ જેવો મોટો લાડુ દઈ દે...

ઊંચા આકાશે રોજે આવી હસે
આજે ચાંદો કોઈ હાથમાં દઈ દે... 

સૂરજ તો બહુ ગરમ, કેવો તપે? 
ઠંડીમાં એનું જ તાપણું દઈ દે.. 

આકાશની સફર જેમ બંને માણે
મને પણ કોઈ મીઠી રાહ દઈ દે.. 

ચાંદો રાતે આકાશ સર કરી લે, 
સૂરજને પણ રમતમાં ખો દઈ દે.. 
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 15 July 2021

દૂર ક્ષિતિજે

દૂર ક્ષિતિજે 

અગાશી પર
ઊભા રહીને
જોયું ચારેતરફ
જીવનની સંધ્યાનો રંગ
પણ
ફેલાઈ ચૂક્યો હતો,
ભૂખરાં સફેદ વાળની લટો
વિખરાઈ હવામાં ફગફગતી હતી.
શમણાં જોતી આંખ પણ
હવે ચૂંચી બની
દ્શ્યને ઝીલવા મથતી હતી.
સૂરજ ક્ષિતિજે હતો,
જાણે ચૂમી રહ્યો હતો પૃથ્વીને,
ઝીણી થયેલી આંખો
બંધ થઈ ગઈ,
જાણે કોઈ ક્ષણે
એના મનનો ભરડો લીધો!
દૂર ક્ષિતિજે ભલે, 
કોઈ મનગમતી ક્ષણ
જીવનનું જોમ બની જાય છે!
©અર્ચિતા દીપક પંડ્યા 

Tuesday, 6 July 2021

મંગળ હો!

મંગળ હો! 

મંગળવાર જ મંગળદિન માની,
સોમવારે જે કરવાનું હોય કર્મ,
એ પણ મંગળવાર પર હું રાખું,
એમ એક દિ' મોડી થઈ જાઉં.

મંગળ જો બેઠો એ કુંડળીમાં 
તો કહે કે હું લગ્ન મોડા ઠેલાવું
ગ્રહ રૂપે મંગળ હસે એની શાખે
સૌને રહે છે એનાથી તો ડરવાનું.

મંગળવાસીની ઉપમા આપે છે,
જો અવનવા કોઈ વેશ-કેશ કરું
અદ્ભૂત રસની અનુભૂતિ તો એ
મંગળ બનીને જ જાણે કરાવતું.

મંગળ હો, શુભ મંગળ હો સૌનું
એવી ભાવના મન સદા ભાવતું.
મંગળ હોય જ્યાં જ્યાં એ તો
સાથે કલ્યાણ સદાયે છે લાવતું.
©અર્ચિતા દીપક પંડ્યા

Sunday, 4 July 2021

જીવન

જીવન

મારી ઉંમર
જેમ વધે
એમ મારા નામ સાથેનો 
છેડો ફાટતો જાય છે!
ધીરે ધીરે
મારો લગાવ
મારી સાથે વધતો જવો
અને
મારી મહેતલ ઘટતી જવી, 
બંને એક સાથે જ થાય છે! 
જિંદગી વેતરી કાઢેલા તાકાની
જેમ હું તારી પાસે
નહીં લાવું.... 
મારે નકશીકામ કરવું છે એમાં, 
જેમાં તેં આપેલ સદ્ ગુણો
વડે સુંદર ભાત પાડવી છે! 
તેં આપ્યું એ અદ્ભૂત! 
અને સજાવવું મારે પણ અદ્ભૂત! 
©અર્ચિતા દીપક પંડ્યા 

શુભ પ્રભાત