છીપમાં મોતી નીકળ્યું!
ધાર્યું 'તું કંઈ, ને કંઈ જૂદું નીકળ્યું
ભાવમાં કંઈ ફાચર જેવું નીકળ્યું
માગ્યા'તાં તો હૈયે તાણાવાણાં
ને બોલ જરીક મીઠાં નેહ નમણાં
આખો ઉપાડો ફૂલનો ખોટો થઈ ગયો
ખેલ બસ,એક માંગણીનો થઈ ગયો
સુગંધને નડે નહીં કોઈ સંબંધ ભલે
પણ મામલો વ્યક્તિગત થઈ ગયો
બે ડગલાંનો સાથ પછી રસ્તો વાંકો
ઓળખાણને હવે યાદ ક્યાં વાયદો
સાગરને પાસે રહેવામાં શું ફાયદો?
છીપ પણ ક્યાં જાણે કોઈ કાયદો?
બુંદ બુંદ બની ઓગળે કે બને મોતી
એમાં ક્યાં કામ કરે છે કોઈ વાયદો?
સારું, રહ્યાં લગોલગ અનજાન બની
તો ખુદની ખુદ સાથે ઓળખાણ બની
અર્ચિતા દીપક પંડ્યા
Tuesday, 23 January 2018
છીપમાં...
Saturday, 20 January 2018
Katha aajni
શીર્ષક ::::: કથા આજની :::::
લ્યો ,આપણે હરખાઈએ કે દુનિયા કેવી વિસ્તારી ?
અને ,એક રૂમમાં બેઠેલાની મનોદશા છે અજાણી !
likes અને શુભેચ્છા સાથે કરીએ હરખે વધામણી ,
બાળકોની અજાણ હરકતો કેવી કુછંદે અટવાણી ?
હૈયે ઉમંગથી ઉજવીએ પરદેશી તહેવારોની ઝડી !
ભગ્ન હૈયે સંતાને વેલેનટાઈન ની આસ્થા મૂકી !
નોકરી-વેવિશાળ માટે ભાળ, નેટ પર ઓળખાણ !
હકીકત શોધવાની અને કેવી ફરેબને આળ પંપાળ ?
Bhavsrushti
શીર્ષક ::::: ભાવસૃષ્ટિ :::::
લાગણીઓ જાણે ચંચળ માછલી
ભાવની તરલતામાં વેગે વહેતી
પકડો તો તો બખૂબી સરી જતી
ને અટકો તો તમને જ અટવાતી
રંગબેરંગી થઇ આનંદ પમાડતી
ને રે -ફીશ થઇ ઝાટકા ય આપતી !
દરિયાઈ સૃષ્ટિ જેવી જ ભાવ સૃષ્ટિ !
અત્યંત સુંદર ઊંડી અને જોખમી ,
તરંગ રૂપે નિત નવી ધારા ફૂટતી,
લાગણી ભાવ વિના કદી ન વહેતી !
Sunday, 7 January 2018
Std:2
Std:2
પ્રાર્થના /ભક્તિ ગીત
હે પરમેશ્ચર, જગત પિતા!
અમે તારા ગુણ ગાતાં,
લળી લળી અમે વંદન કરતાં,
તારા હેતથી રહીએ હસતાં
હે પરમેશ્ચર, જગત પિતા!
અમને મનમાં તારી ઝંખના
ગમે અમને તારી અધીનતા
તારા શરણે રહીએ સદા
આશીર્વાદ આપજો એવા
હે પરમેશ્ચર, જગત પિતા!
નેકદિલ બનીએ એ તારી કૃપા
અરજ એવી જ રહે સદા
સન્માર્ગે રહીએ અમારી ઈચ્છા
દોરવણી તારી રહે સદા
હે પરમેશ્ચર, જગત પિતા!
Std 1
Std:1
પ્રાર્થના /ભક્તિ ગીત
બાળ છીએ અમે, તમારા પ્રભુજી!
વંદન કરીએ, તમને ઓ પ્રભુજી!
આશિષ એવા રૂડાં આપો
સદા કૃપાનો વરસાદ વરસાવો
બાળ છીએ અમે, તમારા પ્રભુજી!
સારું જોઈએ, એવી દ્રષ્ટિ આપો
મીઠું બોલીએ, એવી વાણી આપો
નમ્ર બનીએ અને સૌ ને ગમીએ
મજબૂત છતાં અમને ઘડતર આપો
બાળ છીએ અમે, તમારા પ્રભુજી!
સદા તમારું વહાલ વરસાવજો
સંભાળ સદા અમારી રાખજો
જીવનપથમાં કદી ન ભટકીએ
માર્ગ સાચો અમને તમે બતાવજો
બાળ છીએ અમે,તમારા પ્રભુજી!