હે............માવડી છે ધરણી નું મોંઘુ રતન
મા વિણ જગમાં કોણ પરસન્ન
કસોટી સાંગોપાંગ પાર કરી લેતાં
જનમ દે શીખ દે કરે એ રખોપાં .......
દુહો
હે ...........સુણજો એક વાત ગરાસણીની
ખુમારીથી એ તો છેડે જંગ
એને શૂરવીરતા કે'વી કે મમતા કે'વી
વીરાંગના તારી વાત તે શી કરવી .........
રઘ રઘ રઘ રઘ ગાડા ચાલ્યા
ઘેરાં જંગલને કાપતા ચાલ્યા
આણી દીઠ તો સાવઝ ગાજે
પેણી દીઠ તો તમરાં જાગે
કાળી ડીબાંગ ઘેરી રાતે
કાફલો આખો ડગલાં કાપે
ગાડામાં વહુવારું સાથે
ગાભિણી પિયર તે ચાલે
દાગીનાથી લદબદ થઇ ચાલે
પહેરામણી ભરપૂર લઇ ચાલે
ખુલ્લી આંખે ઓરતાં ચાલે
માડી બાંકો પુતર ઝંખે..........
હે .........ઓરતાં પૂર્યા છે દેવે ને દીધા રૂડા દિન
ખોળો ભરીને વળાવો નકકી કરો દિન
સાસરિયાએ રોક્યો બદાદુર વળાવીઓ
હેમખેમે રેજો વહુને ભેટો કરાવીયો
મશહૂર એક વળાવીઓ ચાલ્યો
લઇ ગરાસણી નો અસબાબ ચાલ્યો
ગાડા ભરીને ઝવેરાત લઇ ચાલ્યો
શાખ ને ગુમાન બળનું લઇ ચાલ્યો
વીતશે રાત અભય માની ચાલ્યો
અધવચે ગફલતે એ ઊંઘ્યો
વળાવીઓ મોટી ભૂલ કરી બેઠો
ખૂંખાર લુંટારા નો હલ્લો આવ્યો
બાતમી લઈને એ તો લુંટવા ચાલ્યો
વળાવીઓ ખોટી અભમે દોરવાયો
મુરાદ ખોટી ને જોરાવરી નો ભેટો
લુંટારો એટલે જાણે કાલભૈરવ દીઠો ............
હે ........ગરાસણી એ હકીકત સમજી ને જાણી
કુટુંબ કેરી મોંઘી મોલાત પાસે જાણી
મૂડી હો કે વારસ હો બેઉની કિંમત ભારી
એ બચાવવાની મોટી જવાબદારી આવી ......
લઇ વીજળીનો વેગ ગરાસણી હાલી
સામટા સહુ ને વેધવા ગરવી માડી
ભડ વીરોને નાર એકલી ભાંગવા હાલી
ત્રાંગ ત્રાંગ તલવારું વીજળી ઝબકી
આંખમાં લઇ અંગારાને ચંડી ચાલી
વિંધ્યા કેટલાયે વિકરાળ એ વીરલી
ભાગ્યાં લુંટારા જીવ બચાવે ત્યાંથી
વીરતાના પાઠ બાળે લીધા જાણી
માડી જાણે જુઓ નવચંડી માઈ
બાળ ખેમે ને લડી અજબ વીરલી નારી
રખોપાં ઝરનાં ને બચાવી કુટુંબની મૂડી
કોઇ મરદ ડરે ત્યાં નારી તું નીવડી....
હે .........વિપદ આવી 'તી બહુ આકરી
નારી ઉજળી તારી બહાદુરી
મા નાં રૂપે બહુ બળવાળી
કોટી પરણામ મહા માતૃકાજી ..........
સુણજો મારો જવાબ ચિંતાળુ બાપુને
પિયર પહોચી જાતે હેમખેમે જી રે ..........
કુદરતે ઘડી મને નાર જન્મદાતા
જણું હું તો બસ શુરા અને સાચા
ખોટું દેખીને લોહી ખોલે અમારાં
બાળને પણ પોષું પુરા ને શુરા .....
જીવ નાં જોખમથી કેમ ડરવાનાં
ભયથી નહિ અમે કલંક લેવાનાં
જંગ છેડીને જણસ જાળવાનારા
લુંટારાને પણ ભૂ પીવડાવનારા....
જીવ જાય પણ ન ટેક છોડનારા
અમે છીએ બહાદુરીમાં રાચનારા
ન છોડીએ રણ જંગને ઝેલનારા
ગરાસિયા જાણે જોમને જણનારા...
નારી છું ન ખપે થવું અબળા
કેમ રે બાપુ ,સંસ્કાર લજવવા
હાંક મારું ,લડું ,કેમ હક્ક દઉં જવા
વીરાંગના થઇ મારે શુરા જણવા...
અર્ચિતા દીપક પંડ્યા