Thursday, 31 May 2018

નામ

નામ

આપ્યું એમણે
મને ઓળખવા માટે
મારું નામ
અને
થઈ એ ભૂલ
મને એનાથી
પ્રેમ થઈ ગયો!
'ક્ષ' આમ જ બોલે
અને આમ જ ચાલે
એ ખ્યાલમાં 'ક્ષ' એ જ
મહત્વનો બની ગયો...
હું દબાઈ ગયો
'ક્ષ'ના ભાર હેઠળ
હવે જીવવાનું તો
'ક્ષ' બનીને જ!
અને ભૂંસાશે તો પણ 'ક્ષ' જ...
હું હતો જ ક્યાં
અને હું હોઈશ પણ નહીં...
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 21 May 2018

Sayujya

સાયુજ્ય

આપસમાં વહેંચી લઈશું
આપણી એકની એક
જિંદગીની મિલકત!
સુખ બધાં ઉધાર જ
માનું,
તને આપવા માટે...
અને દુઃખની કરી લઉં
બાદબાકી
આપણી
વચ્ચે...
સાથનો છે આનંદ
તો બીજા રંજની
તો શી છે મણા?
હું તારી સાથે
અને
તું મારી સાથે
એ સાથ
તે જ તો
છોડાવશે સઘળી
વિટંબણા!
જો છીએ આપણે સાથે
તો દુનિયા  અહીં જ તો
થાય છે ને પૂરી?
તું મારામાં વિસ્તરે
અને હું તારામાં
એ જ છે ને જિંદગી!
©અર્ચિતા દીપક પંડ્યા

તું, હું અને આપણે


તું, હું અને આપણે

તારી ક્ષિતિજે
તું મને
અને
હું મારી
ક્ષિતિજ પાસે
તને મળું છું...
જ્યાં 'આપણે' નામની
No men's land છે...
'આપણી દુનિયા' ...
દુનિયાનાં હજાર રોકાણ
છોડીને
જ્યારે દિલનો દરબાર
અહીં ભરાય છે
ત્યારે એક મિજલસથી
વધારે
એ પોતે
સ્વર્ગનું દ્વાર બની જાય છે!
ઈશ્ચર કરે
મિલનની પ્યાસ
ક્યારેય પૂરી ન થાય...
પ્રેમમાં પ્રેમીને
અવિરત ચાહવું
એ વગર મિલને
ઉત્કટ નજદીકી અનુભવતી
રાધાની પગદંડીનું
પ્રથમ પગથિયું જ છે!

©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 16 May 2018

Ked

કેદ

મારા જ નામની કેદમાં
હું શ્ચસું છું
ક્યારેક ગૂંગળાઉ છું
ક્યારેક એ આડશમાં
હાશકારો લઈ લઉં છું
આ નામમાં
પૂરાયેલ
વ્યક્તિનું
અસ્તિત્વ છે
બહુ બધાં 'do's
અને
અગણિત' don't 'sના
ફોલાદી સળિયાની કેદમાં
પોતાની જ સાથે
સાવચેતીથી
જીવતા
પ્રાણવાયુને ઝંખતા
એક
પથ્થરના ઢગલા વચ્ચે
ફૂટતી કૂંપળની માફક
મથતા
અસ્તિત્વની લડાઇની
જેમ...

અહીં કોઈ
શાશ્વત નથી
માત્ર શાશ્વત છે
આ લડાઈ....
©અર્ચિતા દીપક

Monday, 14 May 2018

ડાયાસ્પોરા *#

ડાયાસ્પોરા

વળામણા

ઠંડા ઠંડા સ્નો ફોલ ને
સ્કીઈંગ ની મઝા સાથે
બરફમાં ખૂંપી જતા પગને ય
ઝંખના તો પેલા ગરમ રેતીના ઢૂવા ની
ધોમધખતા અંગારા જેવા આકાશની 
છેતરતી લુચ્ચી મરીચિકાની
ઓર્કિડ જોઈને પણ લાગે કે
ક્યાંક મહોરે મોગરો
ને રૂડો પીળો ગરમાળો
તો કેવું સારું ?
ને યાદ આવે ....
કોઈ દૂધાળા કાંટાઓની વચ્ચે
સાલમાં એક વાર ખીલતું જંગલી ફૂલ !
બરફની છટાદાર સવારીએ
સાંભરે ગાડાં! 
ગજવે રસ્તા ચાસ પાડીને !
ગોરી ઊજળીયાત  વસ્તીમાં
થાય ; કે જોઈએ સૂરજની મહેર
અને તો ચામડી તતડાવી તડકો
દેતો તામ્બેરી રૂપની ભેટ ....!!!
મને સિસ્કાવતી ઠંડીમાં ય
જાણે રણ નીતરાવે સ્નેહથી
પરસેવાની યાદમાં રેલમછેલ !
જન્મભૂમિ વળગે તારી યાદ
સોંસરવી ડૂમે અને
ધ્રુસકે જણ્યું એક પગલું
માતૃભૂમિને ખોળે વળાવે  છેક ....!!!!
          અર્ચિતા દીપક

Saturday, 12 May 2018

એ અને હું

એ અને હું

એ છે ને હું છું !!!!!

અઠંગ યોગી ની જેમ

સ્થિતપ્રજ્ઞતા સાથે

એક દુઃખ એવું

મુકામ લઇ બેઠું ....

ન એને કઈ સમજણ ....

ન એને કોઈ દયા !!!

ન સહિષ્ણુતા

કે વિચલિત પણ થાય !!!

જળો ની માફક

ચૂસે રક્ત જીવનનું

ત્યારે એક જ ધ્યેય

કર્મ રૂપી મંત્ર ઉજાગર રાખવો

ને જીતી લેવો જંગ

ખૂટતી કડીઓ જોડી .......!!!!!

રક્ત ની ઉષ્મા સાચવી

શરીરને એક ધીકતી

ફેક્ટરી બનાવી દેવી ....!!!!

હું છું ત્યાં સુધી છે સંઘર્ષ ....

ને સંઘર્ષ છે ત્યાં લગી છું હું .....!!!
                 અર્ચિતા દીપક

મને ખબર છે

મને ખબર છે! મને ખબર છે! હું છેતરાઉ છું કારણ, હું પ્રેમમાં છું લાગણીના પડળો મને અંધ કરી રહ્યા છે! હું, મને ગાંધારીમાં રુપાંતરિત કરી રહી છું પ્રેમમાં ગળાડૂબ અવસ્થા, એ જ જીવન છે મારા માટે! સ્વર્ગ છે મારા માટે! એટલે જ હું જ પસંદ કરું છું મારે શું જોવું છે! અને દુનિયાનું ખરું રુપ હું પરાણે મારાથી દૂર રાખું છું દરેક સ્વજન માટે હું ગાંધારી જ બની છું.... ઘણું બધું વણજોયું કરું છું અને મારી દુનિયામાં ખૂબ ખુશ છું! ©અર્ચિતા દીપક

Thursday, 10 May 2018

મૌન

મૌન
ચૂકી જવાય છે
શબ્દ જ્યારે
મૌન કહી દે છે,
આંખ વચાળે
નર્તન કરતી વાત બોલે,
ત્યારે વધુ તો મૌન કહી દે છે
મૌન બને શણગાર
સંબંધમાં
તો વાતની શી મજાલ કે પ્રગટે?
હૈયાનાં ભેરુ આગળ
મૌન જ વધુ બોલે છે!
મૌનને સંગીત છે
સૂરના શબ્દ થઈ
સજન,
તારી પાસે પણ
મારું મૌન જ વધુ બોલે છે,
મા ની આંખે ઝરતી
સતત પ્રેમની ચાંદની...
ત્યાં પણ મૌન જ ગીત ગાય છે
શબ્દને હંફાવે
એવું સંગીત
મૌનથી જ રચાય છે!
દુનિયામાં પ્રગટ તે
શબ્દ વાચા થઈ વેચાય,
અપ્રગટ તે મૌન
અણમોલ થઈ પરખાય છે!
©અર્ચિતા દીપક

Tuesday, 8 May 2018

ગાલગા

ગાલગા×4
વાયકા જે ચર્ચામાં હકીકત જુદી છે અહીં
દૂરતા માં ગવાતી ગઝલ જુદી  છે અહીં
એ કલમ ઝાલશે તો કતલ થૈ જશે
ઘાતકી એ ભલે વ્યથા એની જુદી છે અહીં
વર્જ્ય છે વસવસો વાદમાં સ્વાર્થમાં
જે હરે વેદના ચૂપકીદી જુદી છે અહીં
માંગણી ને વખત છે વતેસર ઘણું
બોલવાની સતત રીત એની જુદી છે અહીં
આકરી વાત છો બોલતાં માનવી
ને વહાલપ નયનમાં વહે એ જુદી છે અહીં
એષણા ભેળવી સમજાવશે હજૂ
ખાતરીમાં દુઆઓ જુદી છે અહીં
ના કરે એ શંકા છે જ કાબેલિયત
મૌનમાંથી ઝરે શિસ્ત એની જુદી છે અહીં
જીતતી પુખ્તતા ભ્રમણા કાયમી
ટેવ નાદાનિયત ની જુદી છે અહીં
          અર્ચિતા દીપક પંડ્યા

મહત્વ

એકવાર સૂરજને ય
લાગી ગયું ખોટું!
નીંદરની આડમાં
તારા શમણાં, તું
ચાંદને કહી દે છે!
દોસ્તીના નામે
અંતરંગ મિત્રને
બધું જણાવી દે છે!
દિવસે તારૂં મન
છે કોરી સલેટ
ક્યાં વાત બીજી
કોઈ કરે છે!?
ખોટું ન લગાડ, મિત્ર!
તારો તાપ છાવરે છે
હૈયાની કેટલી હોળી!
અને મનનો ઉચાટ
ઢાંકે છે અમારો
ગરમીનો પસીનો વળી;
તું છે તો દોટ છે ચાલુ રહી
પણ મુકામ નક્કી કરવા
છે, બસ;રાત્રિ ભલી!

©અર્ચિતા દીપક પંડ્યા

ગાલગા લગા


ગાલગા×4 +લગા

લાગણી થી કશું કોઈને આપતા રહ્યા
એમને એમ તો તે બધું સોંપતાં રહ્યા
માગણી સાથ  જે ખૂબ તો કરગર્યા હતા
એમને  શીદને કારમા પીડતા રહ્યા?
પાછલી વાતને પ્રેમથી કહી તો ગયા
જોઈને દૂરથી તે વળી સોરતા રહ્યા
વાટ જો ઝેલશે આગ તો પ્રગટી રહે
દીપ તો પ્રસિદ્ધિ ને સદા પામતા રહ્યા
ચાલ તો ચાલવી જોઈએ આકરી પછી
કેમ એ ઊણપે ખેલને ખેલતાં રહ્યા
એમણે વાતને જાણવી તો નથી છતાં
ભેદ તો એ બધાં ભીડમાં ખોલતાં રહ્યાં

          અર્ચિતા દીપક પંડ્યા
             18/03/18

ગાલગા 5*

ગાલગા ×5

માનવી ના મને સોણલાં ઓરતી લાગણી
વેદના લાવતી તે છતાં મ્હોરતી લાગણી

કોઈના  પ્રેમથી   તે દિલે ઊગતી ફાલતી
આંખથી આંખમાં બોલતી ફોરતી લાગણી

છે હવે એષણા ઓ બધી એમના કાબુમાં
આમને આમ તો એ બધું ચોરતી લાગણી

તે છતાં જો મળે ના દશા હૂંફ ની તો વળી
તે બની ને છરી કાળજા કોરતી લાગણી

ને વહાલાં બધાં દૂરતા આપતાં તે સમે
આપદા ને સહી રાંક તે સોરતી લાગણી
           અર્ચિતા દીપક પંડ્યા

વેદના

વેદના

વેદના
કાચની કરચ ની જેમ
ખૂંચ્યા કરે
ઘર જ
કાચનું મળ્યું...
દિલ કાચનું,
મન કાચનું,
જીવતર કાચનું
કાચની છે બધી લાગણીઓ,
કાચનાં બધાં ઓરતાંઓ
ભાંગીને ભૂક્કો થતાં
વાર ક્યાં લાગે?
કાચનાં જીવતર,
કાચની નિયતિ
તૂટતાં ફૂટતાં
વાર જ ક્યાં લાગે?
ને
લાગે નવાઈ પણ
કાચનાં દિલને
વેદના
કાચની કરચની જેમ કેમ ખૂંચે?

©અર્ચિતા દીપક પંડ્યા

ચાલ ને ઈચ્છા *

       ચાલ ને ઈચ્છા

ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ
મોટી મોટી ફર્લાંગો લઈ એકમેકને હંફાવીએ
       ચાલને ઈચ્છા...
ભ્રમને બસ હવે કોઈ ભ્રમથી જ શોધીએ
ને મર્મને બસ કોઈ મર્મથી જ છૂપાવીએ
      ચાલ ને ઈચ્છા...
મેઘધનુષી રંગો પણ મને ઓછાં પડે છે
આભને હવે કોઈ નવા રંગથી ચીતરીએ
       ચાલને ઈચ્છા...
ફૂલ અને શૂળ કેમ સદાય સાથે જ મળે?
બંનેના છોડને હવે બસ જૂદા ઊગાડીએ
       ચાલને ઈચ્છા...
નદી રુપી મીઠાશ ને ઠાલવી દીધી છે દરિયે
અગરમાં સાકર મળે એ આશા ઊગાડીએ
       ચાલ ને ઈચ્છા
શેરડીના સાંઠે ઊગતી મીઠાશ સડો થયો છે
હર્યા ભર્યા જીવનમાં ય ડખો શરૂ થયો છે
       ચાલને ઈચ્છા...
મને તું ન ગમે તને હું ન ગમું છોડ બધું
નવી ઈચ્છા લઈ ચાલ નવું કંઈક રમીએ
         ચાલને ઈચ્છા...
જમા ઉધાર બધા ભૂલી નવું ખાતું ખોલીએ
એકમેકને હવે નવા રૂપથી જ જોઈએ
         ચાલ ને ઈચ્છા...
©અર્ચિતા દીપક પંડ્યા

મૂંઝવણ

એવા ઘાવને મલમપટ્ટી કરાવું કેવી રીતે?
જેના દર્દ પણ શરીરમાં બેનિશાન મળ્યાં છે!

પાનખરને જીવની પીડા ગણાવું કઈ રીતે?
સૂકાં તણખલાંથી જ તો પંખીના માળા સજ્યા છે!

સુંદર વનરાજી જ છે મોંઘી માનું કેવી રીતે?
સૂકી ડાળો જ હંમેશા ચૂલ્હાની મિરાત બન્યા છે!

તરસને જીવલેણ બોલો, સમજૂ કેવી રીતે?
ઘણી વાર મૃગજળથી  કોઈ મુકામ મળ્યા છે!

શ્વાસ રોકાય તો હું તેને મૃત્યુ કહું કેવી રીતે?
ઘણી વાર એને લઈને નવા આયામો મળ્યા છે!
    ©અર્ચિતા દીપક પંડ્યા