Tuesday, 27 December 2022

રાધાનો પ્રેમ

        રાધાનો પ્રેમ

કો'ક દિ એણે વિહ્વળ થઇ શોધ્યું હશે, 
રાધા, તારી પ્રીતની બાંસુરી નું ગાન! 
બંસી બજૈયાએ છેડેલા સૂરે દૂરતામાં
એને પજવીને, ભૂલાવ્યું હશે ભાન! 

પ્રેમનો પમરાટ થયો હશે કદંબને  ડાળ 
જેમ રાધા  ઝૂરતી લેતી'તી કાના નું  નામ 
યુદ્ધના શંખ ન  થંભ્યાં ત્યાં સુણવા રાવ 
રાધાગૌરી કેમ ઝીલ્યાં તમે આકરા ઘાવ? 

રાધાજી બોલે, કહું શ્વાસે શ્વાસે સર્જન એનું  
રહે છે દિલમાં ને વહે તનમાં,  કાના, તું ને તું! 
વિરહમાં પણ નથી લાગ્યું આપણું ગઠન ઢીલું 
જીવતે  જ્યોતિ ભળી મારી તું થી,ન કંઈ બીજું 

અહીં આંખ રડે તો જાણું કાનાજીનું હૈયું વીલું 
બંસી ત્યજી એણે કે સૂર લાવે આંખમાં આંસુ 
હશે કા'ના દૂરતા, ન શ્વાસ અનુભવે જુદાપણું 
કર્મયોગેશ્વર તું, મારો કા'નો, જ્યાંં હો મારો તું! 
©અર્ચિતા દીપક પંડ્યા 

Thursday, 22 December 2022

રેતશીશી

હું રમત રમતમાં
રેતશીશીમાં
કેદ કરીને લાવ્યો છું,
રેત, સમય કે રમત?
રેતનું ઢગલો થઈ જવું,
સમયનું સરી જવું
અને
રમતનું રમાઈ જવું,
જોયા કરું છું
અસમંજસમાં
હું ક્યાં છું?
©અર્ચિયત

Tuesday, 22 November 2022

કર્મ

કર્મ

ક્ષણે ક્ષણે વાળું એક પોટલું
વેંઢારૂં પછી એને હસું કે રડું

આ રહ્યું, ના રહેની લાહ્યમાં
દોડું દિવસરાત હું લહાવમાં

થાકીને છોડવા માંગું પોટલું
બધી ગાંઠને હવે જો સટકું 

વેરાય અટકાય વીંધાય કર્મ
છૂટે બધું ક'દિ ન તો છૂટે કર્મ! 
©અર્ચિતા દીપક પંડ્યા 


Sunday, 20 November 2022

મૌનમાં

ઘણું અટકી ગયું વહેણમાં
મૌન આવ્યું હતું કહેણમાં

આશા, ઉમ્મીદ, સંગતની વાંચ્છના
ક્યાં ખબર કે વળતર અવગણના

વીરડા હોય રણ રણમાં
 ડૂક્યા આપણાં રણમાં

ઝીલ્યા ભલે ઘાવ હસીને મૌનમાં
આરોપ તે છતાં મળશે મનમાન્યા

વિશ્વાસ ફાટ્યો કણકણમાં
સંગત તૂટશે હવે પળપળમાં

એ બોલ્યાં, અમે ન બોલ્યાં મૌનમાં
સંદેશા ન ઝીલતી આંખોય મૌનમાં

આશાના આંસું થયાં પલમાં
આગ લાગી છે આજે વલમાં
©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 19 July 2022

કાચની દિવાલ

તું મને જુએ, હું તને, બસ, કાચની દિવાલ છે!
બધું આરપાર અહીં, પણ, કાચની દિવાલ છે!

વરસે ભલે શેરીમાં ને ગામમાં અનરાધાર થઈ
ઘરમાં જ મારે હરખાવાનું, કાચની દિવાલ છે!

કોઈ ઘટનાનાં  ફૂલ હવે ઝૂમી રહ્યા બગીચામાં
ભ્રમર થઈ જાવું મારે પણ, કાચની દિવાલ છે!

મારી ઓળખાણ કરાવનાર કોઈ તો મળ્યું છે
સાચ બતાવે આ જગમાં, કાચની દિવાલ છે! 

અવિશ્વાસ,દગો, છેદ,સ્વાર્થ બધું છે દુનિયામાં
એટલો સંતોષ કે મારી પાસે,કાચની દિવાલ છે!
©અર્ચિતા દીપક પંડ્યા 

Monday, 11 July 2022

ભારે વરસાદ પછી

    ભારે વરસાદ પછી.. 

આજે મારી શેરીમાં થયો વહેળો
નદી જેવા લાગે છે અહીં વહેણો

કેટલી મનામણી કરતા'તા વર્ષાને
રીઝાઈને કસર પૂરી કરી અટાણે

વરસીને વરસીને કર્યા રસ્તાને નદી
સહેલ તો નાવડીની માંગે મન દોડી

નીચી ગાડી મૂકીને ચાલ્યા પગથી
થયા તરબતર આભથી,ધરતીથી

એક એક કદમ સાચવીને ચાલતા
રસ્તાના ખાડાથી બચીને ચાલતા

સફર હતી દશ મિનિટની સાવ નાની
કાપી વરસાદે અમે દોઢ કલાકે પૂરી. 
©અર્ચિતા દીપક પંડ્યા 

Saturday, 9 July 2022

સમય આપજે

વિચારું છું,
 ફરી એવો સમય આપીશ?
તું અને હું,
હોઈએ સાથે અને
જાય દુનિયા
'ઝખ મારવા..' 

'નોકરી-ધંધો-ચિંતા-હપ્તા' 
'એનું-એમનું-એ લોકો-પેલા લોકો'
'સાચું-ખોટું-જરૂરી-બિનજરૂરી' 
'સત્ય-અસત્ય-વિચારી-અવિચારી' 
એ બધી ભરતી ઓટ વચ્ચે 

મારી આંખોમાં સપનાંઓનાં મીન
ઉછરી રહ્યાં છે, 
આમતેમ તરતાં,
કિનારે ડોકિયાં કરતાં,
ત્યાં હશે એવું પણ સ્વપ્ન એક,
'તું નજર ખોડીને જળમાં
આશાઓનાં 'હુક'
ડૂબાડતો હોઈશ..'
સ્વપ્ન પકડવા.. 
મારું-તારું
આપણું.. 

મળીશ? 
ફરી ક્યારેક? 
બધું મૂકીને બાજુ પર.. 
એક દિલની વાત માટે.. 
બસ, કરજે એટલું.. 
ભરજે છાતીમાં હૂંફ એટલી
એકવાર 'ઓશિકું'
કરીને સૂઈ જાવું મારે.. 
બસ, 
નાની શી ઈપ્સા માછલી
સંસાર દરિયે 
તરતી રહી છે
રોજેરોજ એક અપેક્ષામાં  આમ! 
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 6 July 2022

તૈયાર છું

આજ બોલાવી લે, જો તૈયાર છું.
બાણ તું ચલાવી લે, જો તૈયાર છું.

વાંક ગણીને લઈ લે તું અબોલા કે
શબ્દો જ મારવા લે, હું તૈયાર છું.

વીત્યા વખત અવગણના ભલે કરે
આવે એને પૂજી લે, જો તૈયાર છું.

એક ગઝલ લખું, ભાવથી આજે
તું વાંચે કે ફાડે, કરે જે, હું તૈયાર છું.

વિરમું કે રમું તારી આંખમાં સદાયે 
સદાકાળનો છે સાથ જો તૈયાર છું.
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 25 May 2022

ભૂલી જવું

               ભૂલી જવું
ભૂલી જવું કાયમી છે,બધું છે ભૂલી જવું
છે જ સનાતન એ, કે બધું છે ભૂલી જવું

નાનીશી આંગળીથી ઝલાતો એ હાથ
ખોળો મળે લાડનો બધું છે ભૂલી જવું

દ્વિચક્રી સવારી વખતે પડી જતાં રોકે
મજબૂત હાથ, એ બધું છે ભૂલી જવું

તારામૈત્રક એક ને સાથ જન્મોજન્મનો
પ્રેમથી પીગળાવે એ બધું છે ભૂલી જવું

નાની ગોળ આંખમાં શોધું અમને બેયને 
જે સર્વસ્વ લાગતું એ બધું છે ભૂલી જવું

મિત્રો ને સંગાથીથી ખીલી ઊઠી છે રાહ
હમસફર વિરલ એ બધું છે ભૂલી જવું

એક વાર છોડવા પડશે બધાં ગમતાં સાથ
ખરેખર કહું,મારે તો એ બધું છે ભૂલી જવું
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 22 May 2022

તું કાંઈ લખે

તું કાંઈ લખે...

તું કાંઈ લખે 
લખે તો
કેમ ચોરી લે?
મારે કહેવી હતી
એ મારા.. 
મારા હૈયાની વાત?

ચોરીની આદત
સારી નહિ...
તો
શબ્દો
હ્રદય
અને હવે નજર!
ચોરવાનું બંધ કરે તો કેવું?
ને આ છાનુંમાનું
કહેવું પડે કંઈ
એવું બંધ કરીએ તો કેવું?
©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 11 January 2022

દોસ્તી

                   દોસ્તી

થઈ ગઈ છે આપણી દોસ્તીની વાત એવી
જાણે ભાડે આપી દીધેલ કોઈ મકાન જેવી

પગ મૂકતાં જ હાસ્ય વેરીને જે આવકારતી
હવા,બની છે થીજેલી બરફની દિવાલ જેવી

એક યાદ મૂકું ને બીજી થાય સળવળી બેઠી
રેતમાં તડપતાં મીન પર પાણી છાંટ્યા જેવી

હસી લઉં, રડી લઉં, કરી લઉં, છે જે જરૂરી
એ મોજ ક્યાં શોધવાની ભેરૂની બાથ જેવી

આજે નહીં તો નજર ન ફેરવીશ મારા સુધી
મદદ કોઈ કરીશ નહીં પછી કાંધ દીધાં જેવી
©અર્ચિતા દીપક પંડ્યા