Friday, 16 November 2018

પ્રેમ


પ્રેમ

પ્રેમ કરવો તો પરાકાષ્ઠાથી
નહીં તો પ્રેમ શું કામનો?
માપી તોલી જોખીને
પ્રેમ ક્યાં થાય છે?

મઝાની વાત એ છે કે
એ સુંદર અભિવ્યક્તિ છે
એટલી જ જીવનની રીત બની જાય છે!
ખુદ જીવન જ બની જાય છે!

એ મજબૂરી ન રહેતા
તાકાત બની જાય છે
જ્યારે આપણે એને શાશ્વત સ્વરુપે
ઓળખીએ છીએ

અને એટલે જ મનુષ્યને
કરાતો પ્રેમ
એની પોતાની તાકાતથી જ
આપણને ઈશ્વરની નજીક લઇ જાય છે!!!
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 2 November 2018

તું(અંતરના ઓરડેથી) ઊમાબેને આપેલ શીર્ષક

તું આવી જ જાય છે!
દસ્તક આપ્યા વગર
હ્રદયના દ્વારથી
વારંવાર...

લાગે છે કે
અંત આવી ગયો
એ લગાતાર  પ્રતીક્ષાનો
અને અનુભવનું સામ્રાજ્ય...

મને મારામાં જ ઓગાળી
જાણે નવા બીબામાં ઢાળું છું
તારી સુગંધ ઊમેરીને
નવતર આપણે જાણે!...

ડર લાગે કે તું જતો ન રહે!
પણ ખરું કહું કે
જ્યારે હું વિચલિત થાઉં
ત્યારે જ તું નથી!!!!!...

બાકી તું છે અહીં જ
મારા અસ્તિત્વ સાથે
પ્રાણ બનીને સંગાથે
ઈચ્છું અનુભવું શ્વાસે શ્વાસે...
©અર્ચિતા દીપક પંડ્યા