Monday, 29 April 2019

સારું થયું*


      સારું થયું!

નથી પ્રતીક્ષા, નથી મિલન,
મનની દશામાં નથી કંઈ અવનવું,
ચાલો ભાઈ, એ પણ સારું થયું!

નથી પગરવ, નથી દસ્તક,
ન અવસ્થાનું બદલાવું, ન મળાયું,
ચાલો ભાઈ, એ પણ સારું થયું!

ન રુપેરી ચાંદ, ન સોનેરી સૂરજ,
ન દિવસ ઉગવામાં, ન સાંજથી ઢળાયું,
ચાલો ભાઈ, એ પણ સારું થયું!

ન લાવા ઓકી શકે, ન તો સહેવાયું,
જ્વાળામુખી મૃત છે જણાયું,
ચાલો ભાઈ, એ પણ સારું થયું!

આજે નથી કંઈ કામ, નથી નવરાશ,
જવાબદારીમાં નથી કંઈ વધ્યુ ઘટ્યુ,
ચાલો ભાઈ, એ પણ સારુ થયું!

ન આકાશે ઓથ,ન ધરતીથી સંઘરાયું,
થયા  પદભ્રષ્ટ, ને નામ જળવાયું
ચાલો ભાઈ, એ પણ સારું થયું!
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 26 April 2019

અભિમન્યુ

અભિમન્યુ

ભલે શીખી આવ્યો
કોઠા યુદ્ધના
માના ઉદરમાંથી,
અભિમન્યુ!
પણ લડાઈ તારી જૂદી જ છે અહીં!
અહીં પોતાના જ કાપશે
શસ્ત્રો વિના
શત્રુ તો  છદ્મવેશે હશે
ને એ ખાલી...
લાગશે પોતીકાં.
વાર ઉઠશે નહીં
તો ય વાઢી નાંખશે
અને જખમને કોઈ
ઝીણો ખોતરશે
જો જે ભાઈ
નથી ઉંમર તારી આ જોવાની
શરીરના ઘા તો ભરાય કદાચ
આવો મનનો ઘા કેમ ભરાશે?
વીંધીશ સાત કોઠા
પણ બત્રીસ કોઠા કેમ જળવાશે?
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 24 April 2019

મંડાણ*

શેર ગઝલ મત્લા મક્તા
બધું છૂટી ગયું
જ્યારે મન અપ્રગટ વાર્તા
સરેઆમ કરી ગયું
અવ્યક્ત  અહીં  નથી  કશું
વાણી રોકે તો તન બોલી ગયું
ભાવની જૂદી જ છે દુનિયા
વર્તન મળે ત્યાં હોંકારો કરી ગયું
વાતે વાતે વિહ્વળ ન થતા
લાગણીના હાટનું મંડાણ થઈ ગયું!
©અર્ચિતા દીપક પંડ્યા