Wednesday, 29 March 2017

મંદાક્રાન્તા -3 નારી

છંદ:મંદાક્રાંતા /વર્ણ :17/યતિ:4,10
બંધારણ:મભનતતગાગા
ઢાળ:રે પંખીડા..

આંખે જો હો ઇજન મનથી ચાહતી તો હશે એ

નીચી ઢાળી નજર સુંદરી ઝૂરતી તો હશે એ

નારીના તો મનોજગતનો તાગ શેં કાઢવાના

માન્યા એણે મન કુંવર તો પ્રેમથી પૂજવાની

કેવાં કેવાં સપનખુદને સાટુ જોતી હશે એ

ઈચ્છે એવું બસ વણકહે ઈંગિતે જાણવાનું

'ના''ના' બોલે સમજવું પછી તેનું 'હા' 'હા' જ કે'તી

ભાવો એના અકળ મનમાં ગૂંથતી ટેવ એવી

પ્રેમે જો હો પરવશ બની જીવ એ આપનારી

ખીજે તો તે જરુર સમજો માત ચંડી બનતી

તેના માટે પ્રિયતમ દિલે દેવતા રૂપ ધરે

પૂજે એને હરપળ દિને માન પ્રીત્યું ધરતી

નારી તો આ સકલજગતે માત નારાયણી છે

માશાલ્લા,
એ પરમપ્રભુની ભેટ છે આદમીને!

(c) # Archayit, અર્ચિતા દીપક પંડ્યા

મંદાક્રાન્તા-2 કુદરત

છંદ:મંદાક્રાંતા /વર્ણ:17/યતિ:4,10
ગણ:મભનતતગાગા

ઢાળ:રે પંખીડા સુખથી....

લોભે કેવી કુદરત તણી કંદરા ઘૂમવાને

મોહે એની હરિત વનશ્રી બોલશે 'આવ પાસે'!

ઊડીને ત્યાં મન સરકતું કો' પક્ષી જેમ ભોળું

કૂદી કૂદી તરુવર તણી ડાળ ખૂંદી વળ્યું'તું

ઝીણાં કેવાં ઝરણ મળતાં ધોધ ત્યાં ઊછળે છે

શોભાવે છે સૃષ્ટિ પશુ તણી કાળમીંઢી શિલાઓ

લીલી ડાળે ખગ વિહરતાં તોરણો થી લદેલી

છેડે સૂરો અનિલ હળવો ગીત ગાતો રહેતો

રૂડી ને છે ધનિકસૃષ્ટિ આ સંપદા ખીલવે છે

પોષે છે એ અચરજ જુઓ કેટલાં જીવનોને

કાષ્ઠો પાણી પુષ્પ ફળ અને ઓસડીયાં મળે છે

છે ભંડારો દુર્લભ વસ્તુઓ વેઠથી તો મળે છે

મોંઘા લાભો શ્રમજ ધન શ્રી નૈસર્ગીને મળે છે

કાળાં માથાં વિમુખ નિસર્ગે થાય તો ક્ષતિ કોની?

(c) #Archayit
                     અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 28 March 2017

મંદાક્રાન્તા-પ્રેમીઓ

છંદ : મંદાક્રાંતા, વર્ણ:17,યતિ:4,10
ગણ=મભનતતગાગા

છે પ્રેમીઓ સકળ જગમાં લોકથી કંઇ જૂદાં

ખૂલ્લી આંખે નયનશમણાં નીંદ તો ક્યાં સ્વપ્નો ક્યાં?

કામે કાજે ન સનમ સ્મર્ણે વધે છે દિવસો

બીજી ચિંતા ન ક'દિ કરતાં પ્રેમનાં જ વિચારો

મળે જો બે પરમપ્રિતમાં  તો ન કોઈ મનીષા

'જીવીએ ને મરશું સંગમાં ' માનસે છે રુમાની

એ પ્રીત્યું ને જન સમુદાયે સ્વીકૃતિ ક્યાં મળે છે?

બીતાં બીતાં હર ડગર પરે ચાલવું તો પડે છે

આવી ભારી રુઢિ રસમને કોણ સ્હેતાં જ રે' છે?

ઝંખે જે તે પરમ સરળે જીવને પ્રેમ ચાહે

માતાતાતે ન સ્થિતિ સમજી ને શિક્ષા સૂણવી'તી

'જોવાનુ નૈ અમ મુખડું 'તે વેણ આલેખતાં રયાં

જીદ્દી પ્રેમી મરણપર્યંતે શું ન મેળાપ પામ્યાં

ના, જીત્યાં હોં! પ્રીત જગતમાં એ જ પ્રેમે જીત્યાં...
(c) #Archayit
                     અર્ચિતા દીપક પંડ્યા

શિખરિણી છંદ

છંદ:શિખરિણી

વહે સંદેશાઓ કુદરત તણી ચીજ સઘળી

તરૂ તેજો વેઠી સકળ જગમાં છાંય અર્પતાં

વટેમાર્ગુઓ તો તરુવર તળે 'હાશ' કરતાં

વરૂણી ધારાઓ પશુ વન જગે જીવનબક્ષે

જગે નીરે પોષ્યાં અઢળક ઘણાં કાર્ય સઘળાં

નદી પોતે છે ને સય્યમ તણી જો યોગ્ય ઉપમા

છોડીને ઓવારો તહસ્નહસ ના ગામ કરતી

ધરાને ખોદીને જનસહુ ભલે ખોટ કરતાં

ધરે અંકે સૌ ને સહનશક્તિથી પાલક સ્હતી

નિત્યે કામે કાજે ખંત રવિ તણો શીખ જ અર્પે

ગમે તે ટાણું હો રવિ પ્રજ્જવળે આપણ કાજે

પહાડો ઊંચા થૈ મક્કમ થવું તે પાઠ શિખવતાં

અને માન્વી રે'તો નિસર્ગ સમીપે તો અવ
કથા

બુદ્ધી ઝાઝી રાખી નિકન્દન જ એ કેવું કરતો?

               (c) #Archayit
          અર્ચિતા દીપક પંડ્યા

પરિણય

શણગાર સંસ્કારના લઇ પહેરી

પ્રીતનું પાનેતર ઓઢી લઇ

મહેંદીએ કોડ ભરી

લાડલી જાણે

ચાલી

લઇ આખું

ફળિયું બાળપણનું

માવતરની સોનેરી શીખ લઈ

કંકુ પગલાં સાથે લક્ષ્મી રૂપ ધરી

*******************************

લગ્ન ટાણે


પ્રેમ પાંગર્યો ને આજે ,પવિત્ર પ્રસંગનો લ્હાવાનો ,
સંયોજન લાવ્યો છે ,એ સ્નેહ અને સંસ્કારનો ,
હાથે લઈ મહેંદી લાડલી, અંશ થશે એક પરિવારનો,
ઇજન આપીએ ભાવે, વાયદો આપશો આવવાનો ?

ધીમે ડગલે ઉંબર ઓળંગી

સ્નેહની ઝાલી એણે આંગળી

લીલુંડા પાંદડાની ઉછરતી વેલ

હવે કંકુ પગલાં દઈ ચાલી.
*******************************

જાન આવશે અને વાગે શરણાઇ ને ઢોલ

પાનેતરની ભાતે  ઊઠશે હવે કન્યાના કોડ

હૈયે ઉમંગે, આપીએ ભાવ ભરેલું ઈજન

પધારો આપ શુભ દિને,શુભ અવસર

જેના ઝાંઝર ઝમકારે પડઘાઈ જાય ઘરની દિવાલો

એ કંકુ પગલાં, વેરી વિદાય થશે, મૂકી ભણકારો

અવસરે આશિષ આપવા આપ જરૂર પધારશો

હેત તમારું સીંચાશે તો ભીંજાશે ભાવ અમારો

ઈશ્વર કૃપા ઉતરીને બની છે સુંદર જોડી

વડીલો આશિષ સીંચે છે સ્વર્ગમહીંથી

અવસર અમારો શોભે તમારી હાજરીથી

ખીલી ઊઠી આંગણ અમારે માંડવે જૂઈ

ૠતુજા માટે

આંગણ ઓળંગી ઉડશે દીકરી

મૂકી યાદ અને કંકુના થાપા

અવસર રૂડો, થજો તમે સાક્ષી

આ તો નદી વહી, મળવા દરિયા
*******************************

કંકુ પગલાં લઈ ચાલશે પગલી ની પાડનાર અમારી,

અમારાં હેત ને તમારાં આશિષ સાથ લઈ ઉડનારી,

પ્રસંગ પવિત્ર અમારે આંગણ રહ્યો છે આવી,

ભાવથી વિનવું પધારીને, શોભા વધારશો એ દિન અમારી.
*******************************

હર્ષથી સાજિંદા સંગત કરશે

સંવેદના ના સાથિયા  ખીલશે

પ્રેમે આશિષ લઈ આપ સહુના

લાડકી હવે સાસરવાટ વળાવશે

*******************************

રૂમઝૂમતી ઋજુ લાડલી કરીને સૌભાગ્ય શણગાર

નવયૌવના કરશે કંકુ પગલાં ને દાંપત્યનો સ્વીકાર

મંગળ પ્રસંગ આવ્યો  પ્રત્યક્ષ મળવાનો તહેવાર

અવસરે આવી આપજો  યુગલને આશિષ અપાર

Thursday, 23 March 2017

વાર્તા

વાર્તા લેખન : એક કળા
            "વાર્તા " લખાઇ એ પહેલાં કહેવાઇ ચૂકી હતી,એમ કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે .વાર્તા એ વ્યક્તિત્વ ના ઘડતરનો પાયો છે.દરેક વ્યક્તિ એ એક વખત બાળક હોય છે.અને મોટા થયા પછી પણ એ બાળક એની અંદર જીવતો હોય છે.માહિતી અને શીખ આપવાની રીત તરીકે વાર્તા નો સામાજિક ઉપયોગ થતો આવ્યો છે જ.અને મનુષ્ય મન બાળપણથી જ વાર્તા માટે  ટેવાયેલું છે.નાનકડી વાર્તા ઘણી રસાળ,દમદાર નીવડે તે માટે તેનો રસ જળવાવો અગત્યનો છે.બાળક હોય કે વ્યક્તિ ,વાર્તા ની વાત આવે ત્યાં 'રસ'ની અપેક્ષા  તો રહે જ છે.રસ વિનાની વાર્તાનું બાળમરણ થવાની પૂરી શકયતા છે.

       રસ પડે તેવી વાર્તા લખવી કઇ રીતે? પહેલાં તો એક વિચાર પકડીને એકી બેઠકે લખી નાંખવું જોઈએ. એક વ્યક્તિ, એક ઘટના અને સ્ફૂરણાની સાથે જે જે કલ્પનાઓ ગોઠવી શકાય, રસપ્રદ બને એ રીતે કાગળ -કલમ લઇ લખી નાંખવી.ત્યારે એ નહીં વિચારવાનું કે ઉત્તમ લખવું છે,અગત્યનું છે વિચારો કાગળ ઉપર ઉતારવા. શક્ય માહિતી, વિચાર અને સંદેશ હોય એને પૂરું નીતરવા દેવું. કથાનક હંમેશા એક બેઠકે જ વિચારી લેવું.
          રસપ્રદ વાર્તા બનાવવી કેવી રીતે? પહેલાં તો એક પાત્ર એવું રચવું, વર્ણવવું કે સામાન્ય રીતે દરેકને અપીલ કરે,એનાં વિષે વિચારવા મજબૂર કરે અને શક્ય કોઇ વિચાર કે  સિદ્ધાંતને આગળ કરીને વાત વધારી પાત્ર નિરુપણ કરવું. અને એનું મહત્ત્વ વધારવા માટે બીજું નબળું પાત્ર અથવા વિલન ઊભા કરવા.જે વિરોધાભાસને  લીધે રસ ઉત્પન્ન થાય છે.
            બીજી વાત ધ્યાન રાખવી કે સસ્પેન્સ, ચમત્કૃતિ ઊભી થાય. એટલે કે વાચકની ઇચ્છા જાગૃત થાય કે 'આગળ શું થયું?' તેવી રીતે વાર્તા લખવી. વાર્તાનાં પ્લોટ એટલે કે કથાનક જેટલી જ અગત્યની વાર્તાની રજૂઆત છે.વાર્તાની રજૂઆત તેનો શણગાર છે. અને એમાં જ એનું સાહિત્યિક મૂલ્ય છે.'ચકા-ચકી' જેવી સાદી વાર્તા પણ રસ ઉત્પન્ન થાય તે રીતે કહેવી એ કલા છે.તમે તમારા વિચારો અને નાના  નાના સંદેશ કેટલાં સાંકળો છો ,એ અગત્યનું છે. નાટકીય બનાવો અને નાટયાત્મક પ્રશ્નો; ભરપૂર નહીં પણ એવા મૂકવા  જેથી વાર્તાનું મૂલ્ય વધે.એક કલાકાર તરીકે કે એક સર્જક તરીકે આ ખૂબી વિકસાવવી ખૂબ અગત્યની છે.
              વાર્તા ખાલી જણાવવા માટે કે માહિતી આપવા માટે નથી.વાર્તાનું હાર્દ પકડાય તે રીતે તેને રજૂ કરવાની છે.કઇ માહિતી છૂપાવીને દ્રશ્ય ઊભું કરી...કઇ કઇ માહિતી કલમ વડે બોલવાની છે તે ઘણું જ અગત્યનું છે.વધુ પડતી માહિતી એ વાર્તાને બદલે ડૉક્યુમેન્ટરી બનાવી ન દે તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
                વાર્તાનાં પાત્રો પણ વચ્ચે વચ્ચે બોલવા જોઇએ તો એ જીવંત લાગે છે.પાત્રો અંદર અંદર ભલે બોલે પણ વાચકને એની જોડે સંવાદ થતો હોય એવું લાગે છે.માટે દ્રશ્ય નીપજાવીને સંવાદનો ઉપયોગ થાય તો વાર્તાની તાકાત ચોક્કસ વધે છે પણ સંવાદ એટલે એ સચોટ,ટૂંકા અને સંદેશવાહક બનીને આવવા જોઇએ. અને સંવાદને રજૂ કરવામાં કલાત્મકતા છતી થવી જોઇએ. જે સંવાદ રજૂ કરીએ એમાં એનો ભાવ ઈંગિત થવો જોઇએ.
             જન્મ, મૃત્યુ, કુદરતી હોનારત જેવી નાટકીયતા વાર્તા -સ્વરૂપને ખૂબ મદદ કરે છે.દુન્વયી સુખ અને દુઃખને મઠારીને કલાત્મકતા અને લોકભોગ્યતા વધારે તે રીતે લખવું એ જ મોટી કળા છે.
           વાર્તાનું ઉદ્ભવવું અને માત્ર વિચારોમાં રહે તેનાં કરતાં અગત્યનું છે કે એ કલમ વડે કાગળ પર ઉતરી જાય. મનમાં રમતી રહેતી વાર્તાનું નિશ્ચિત નથી કે વાર્તા બનશે.કાળક્રમે એ વિચારો મનમાંથી વીખરાઇ જાય એ પહેલાં એને સ્વરૂપ આપી દેવું. એક વખત લખી કાઢવું એ પહેલો નિયમ.એને વાંચવું અને ફરીથી કાગળ પર નિરુપણ કરવું. અને છેલ્લી વખત ધ્યાનથી મઠારવી. અને તે વખતે નાની નાની વિગતોમાં વાચકો માટે ખાસ સંદેશો હોય તો ચૂકવો નહીં.
       વાર્તા લખાઇ ગયા પછી થોડો સમય ફરજિયાતપણે તેનાંથી થોડો સમય દૂર રહી, પુનર્વાચન કરવું.તો ભૂલ શોધવામાં સરળતા રહેશે. બને તો બીજાને વંચાવી પ્રતિભાવ લેવો.જેથી સુધારાને અવકાશ મળી રહે.
        બાકી વાર્તા માટે એટલું જ કહીશ ,માનવ માત્ર મા ના હાલરડે ઝૂલીને મોટો થયો છે ,તો તેનું ઘડતર થયું છે,એણે સપનાં જોયાં છે...દાદીમાની વાર્તા વડે.વાર્તા એ દરેકનાં જીવનનું અભિન્ન અંગ છે અને એક તાકતવર સાહિત્ય પ્રકાર છે.એ મહત્વની ગણના સાથે વાર્તા લખવાની શરૂઆત કરવી. અસ્તુ.
                  અર્ચિતા દીપક પંડયા

શિખરિણી છંદ,સ્ત્રી

હું ઘૂમી કેડીઓ, સમય સરખો, મારગ લઈ

મઝાથી ઘૂમી'તી, બચપન સમી, ચંચળ થઈ

મને જોઉં જાતે, અચરજ ભરી,કાળ રસતે

નહોતી કોઈની,ફકર મનમાં,ખેલ રમતે

ગમી એ ભૂલેલી,કલરવ ભરી, યાદ ઉરથી

વહાણાં વીત્યાં છો,પણ અસર તો, ખૂબ જચતી

મર્માળાં પાઠો તો, ગહન મનથી, દૂર જ હતાં

બચ્ચાં તો જાણે કે, સપનસમ કો', સૃષ્ટિમયતા

અને  તેથી તેની, વડપણ કરે, ફીકર સદા

ખરે લાગે છે એ , કઠણ રસ છે,સાર સહુનો

હું શીખી ત્યાં થી જે,સબક સઘળાં,જીવન થકી

ચડ્યાતાં સૌ કોઈ, શિખર અઘરાં, હિંમત થકી

હવે છે બાલોમાં, અસલ પળિયાં,  વાત જ ખરે

ન છોડું કાર્યો એ, હર પલ મને, આનંદ રહે

                   કૃતિ:2

સ્ત્રી : શિખરિણી છંદ

ધરા સોહાવે છે, નયનરમણી, નાર સુલભા

રસિકા ખીલે તો, કનકવરણી, રૂપધરિતા

કટાક્ષો નૈનોનાં, હ્રદય અધિષ્ઠા,થૈ રુઢ થતાં

મધૂરાં બોલોથી,મનસ્ હરતી,ઓ પ્રિયવદા

સુરાહી શી શોભે,ગર્દન નમણી,માદક અદા

પ્રિયાંશી બાલોની, અલકલટની, કેદ જકડે

રમ્યા મોહાવે ને,મન વચનમાં, બાળ મમતા

વિરાને હોંશે રે,અમનવચને,લાડભગિની

સહુને સંભાળે,પ્રકૃતિગતછે,એમ સુપ્રિયા

રુડા સંસ્કારોથી, પ્રચલન કરે,છે શિષ્ટ પ્રિયા

કુટુંબે સ્થાયી છે, સરલ ધર્મિષ્ઠા,આર્દ્ર હ્રદયા

ગ્રહે છે હાથોમાં, નવતર ભલે,હો કર્મ સદા

જગે છે પૂજાતી, ચરિતર બદ્ધા,રૂપ ગર્વિષ્ઠા

વિશ્ચે માનીતી તું, શક્તિ સકલની, હો સ્વયંસિદ્ધા!
          અર્ચિતા દીપક પંડ્યા

શિખરિણી છંદ 2

અમીરી લાવે છે, તરસ મનમાં, વ્યાધિ સહિતે

ગરીબી માં લ્હાવો,જગત પરવા,ના ક' દિ
કરે

જમાનામાં તો યે, અસર અવળી, હાજર રહે

કરીશું પૈસાની, કસર જગમાં, ટેવ ન રહે

નવાબી વાતો ની, કટેવ ક્યમ, ટાળીશ જગતે

રુપેરી ખ્વાબોની, ચમક દમકી, આંખ ઝબકે

કરાવે વેઠો જો,કઠણ પરવા, છોડ તનની

લગાવે છે દોષો, પરત સઘળા, લોક પર એ

શિખરિણી છંદ 1

અમે વાર્તા છંદો, કથન કરશું, સાથ સહુએ

અને શીખી છંદો, સરસ રચના,  કૃતિ બનશે

લગાડ્યો  નેડો તો, કવન  પઠનો, સંગત તણો

સખીઓ સંગાથે, ચડસ વધશે, છંદ પરનો

તમે સૌ સૂરીલા, પઠન કરવા, સંગત કરો

લખાણે શોભે છે, તરજ મધુરી, સુંદર લયો

ગમે છે કાવ્યોમાં, બસ શિખરિણી, છંદ અમને

મળીને શ્રી પ્રજ્ઞા, મગન સહુને, આશિષ કરે

સનેડો લાગ્યો છે, કર સરસ્વતી, ન્યાલ અમને

કરૂં હું છંદો માં, સરસ રચના, આ જ મનશા

Saturday, 18 March 2017

સ્મરણો

સ્મરણો છે વલય જીવનનાં

                  જેવા કે ગ્રહ શનિનાં

ઘરેણું બની શોભા વધારતાં

                  ને બેડી બની વીંટાતા

ના ખુદથી અલગ  એ રહેતાં

                   ન તો ખુદમાં સમાતા

મીઠાશ ઘોળીને પીગળાવતાં

                   તો ક'દિ મોં ભાંગતા

છેક નજીક ઘૂમતાં મનપટલે

                    ભેજ ભર્યાં મેઘ શાં

સંકોરું મને ને મને ઘેરતાં

                  જીવનનું ધન ને શોભા

Friday, 17 March 2017

જાણવા માંગો છો?

નશાની દશા તમે ભલે વખોડી કાઢો છો,

પણ એનું વજૂદ ક્યાં જાણવા માંગો છો?

પરાજય નો ઈતિહાસ ચર્ચામાં રાખો છો

હાર સમૂળી તોડે ક્યાં જાણવા માંગો છો?

પ્રેમમાં ભલે અપેક્ષાને જ સાચી માનો છો

શ્ચાસ તો ખુલ્લાં ગમે ક્યાં જાણવા માંગો છો?

ચાહું છું કહી એક પાશ નાખી રાખો છો

વલવલતી ઝંખનાને ક્યાં જાણવા માંગો છો?

નામનું ગુમાન  તમે અજ્ઞાનમાં રાખો છો

જીવતર ની ઉધારી ક્યાં જાણવા માંગો છો?

ઘાત સરી કહી સાપ મારી હરખાઓ છો

અવદશામાં કોણ ક્યાં જાણવા માંગો છો?

એક વખત રોકવામાં નાનમ સમજો છો

અહમ્ સિવાય દુનિયા ક્યાં જાણવા માંગો છો?

Friday, 10 March 2017

પરત

પાંગતો પોકારીને પૂછે છે હર પગરવને

ક્યાં છે જાણીતી પળ સંચરે હર રવને?

પિયુના પુનરાગમનને  વાર થાય શાને?

હર સ્મરણ છેતરે આશાના નવા રૂપને

કરી થોડો વિચાર મારો છોડ હર રોકાણને

પરત આવ, પ્રિયતમ, યાદ કર વચનને.

તાનકા

છે જાદુ    એવું!

    રહેઠાણ       દિલમાં

      આંખો    શોધતી

    સનમની      હાજરી

     અહીં  તહીં   રૂબરૂ

પાનેતર

Wedding dress
Secret soul desire challange

ઘરચોળાંની ભાત ઝીણેરી કોળાઈ જાય કાળજે

હૈયે ધબકી ધબકીને બસ કોઈ અજંપો ઉતરે

અણદીઠ દુનિયામાં પગરણ કરતાં ચરણ ધરૂજે

ઝાલી ચુંદલડીની કોર મન ઊમંગને પણ સહેજે

શ્વેત અને લાલ રંગનાં ઓઢી પવિત્ર પાનેતરે

જીવનભરનાં કોલ ને હૈયાં નાં દાન શોભાવે

Dipak mehta mate

હતી એક ઈચ્છા  જીવતર ની ઈમારત

બનાવું પ્રેમનાં પાયામાં....

સંબંધ છે તારો ને મારો, સનમ! રહ્યો

પહેલેથી ,  પ્રેમનાં પાયામાં....

વર્ષોનો સહવાસ  મહોર્યો આજ લગી

એમ જ, પ્રેમનાં  પાયામાં....

એકરાર કરૂં ફરી ફરી, સનમ! તારી સાથે

જીવન મારૂં ને પ્રેમ  જ પાયામાં...

Secret soul desire feb challenge

તોડી રહી છું હવે ,હું તૂટી નથી રહી  ;

આજે નવો  દરવાજો ખોલી રહી છું

સંબંધમાં રહેલી મહોર દૂર કરી રહી છું

પ્રેમમાં મજબૂરીનું રેણ ઉખાડી રહી છું
        
ચાહતમાં સાતત્ય રહ્યું હોત વ્યાજબી,

પણ                     

તારા અણગમા ને ક્રોધને પ્રેમથી ખાળી રહી છું

પ્રેમ માં છું.

પ્રેમમાં છું

થઈ રહી છે મને ખબર, કે તને પ્રેમ કરૂં છું

તારાથી ક્યાં છૂટે છે મન? ,હું જાણું છું

ધીરે ધીરે લોહીમાં ભળી ગયું છે તારૂં નામ

કે મલંગ એનો જ લાગે છે, હું જાણું છું.

નજરનાંં બાણ-ખેંચાણ છે, જાણે રતિ છું

તારી હાજરીનો છે એ પ્રતાપ હું જાણું છું

ક્ષણિક આવેગની લાગણી,અચળ જ છે

પૂરો જન્મારાનો થશે સંબંધ, હું જાણું છું

એકે ય સાબિતીની ક્યાં જરૂર, પ્રેમમાં છું

ધડકનમાં ય ગૂંજે તારૂં નામ, પ્રેમમાં છું

ખરી ઓળખાણ

ખરી ઓળખાણ

ઓળખી રહી છું હું મને ખુદને, મારા અસ્તિત્વથી

લાગી અધૂરી ઓળખાણ પણ પ્રથાની અજમાયશથી

લાગે મને મારાં અતિવહાલાં નિભાવું હર ઉસુલથી

ને વળતર મળ્યાં ખુદને તો ય એનાં પૂરાં ગણતરીથી

મનને હું વારું, કે હરખાવું છે ખાતાવહી નસીબથી

તંત કોઇ નથી રાખતી ઈશ્વરની કોઈ એનાયતથી

મને ખુદને હું ચાહું બેહદ,છે  જિંદગી એ માંગણીથી

રહું ખુશ ,હું તો આપું અન્યને સોગાદ  ખુશીથી

આપે કસોટી ઇશ્વર તો નથી ડર કોઇ પરિસ્થિતિથી

કપરી સ્થિતિ જ મળાવે છે ખુદને ખરી ઓળખાણથી
                      અર્ચિતા દીપક પંડ્યા

વરતાર

સવારે લહેરો, કોઈને કુદરતની લાંચ છે,

બપોર છે હવે ધખવાની એવા વરતાર છે.

મનસૂબાને મળે નાજૂક પાંખોની જાત છે

રિવાજો છે આઠપગા એવી કોઈ વાત છે

રહું પ્રેમમાં તરબોળ એ જ પૂજાપાઠ છે

છે ઈચ્છા અંત લગી રહે સનમનો સાથ છે

કરી સલામ માન્યા વડવાઓની સલાહ છે

આંગળિયાત બોલે, એ શી નવી વાત છે?

જીત્યાં હર મુશ્કેલી કહી નાની શી વાત છે

હર પડાવે એટલે જ તો નવી શરૂઆત છે

વલણ બદલે સ્નેહમાં, તો ક્યાં સ્વાદ છે?

તમાચો ખુશ છે કે હવે ગાલ તો લાલ છે!

                અર્ચિતા દીપક પંડ્યા

રહે વહેણમાં

રહે વહેણમાં

કોશેટો બની કેમ રૂંધે  શ્વાસને બંધનમાં?

વહેવા દે ઈચ્છાને, લાગણીના વહેણમાં

દરિયો થઈ ઘૂઘવે છે પીડા, સાવ મફતમાં

કેટલી લાગણી લાંગરી દીધી આ મનમાં?

ભારે કરી શ્ચાસ ડૂબાડી દે છે, દરિયામાં

હળવાશ  લેવા હું બેદમ તરી લઉં લહેરમાં

સાદ તારા સુધી છેક પહોંચ્યો'તો ભીડમાં

એટલે તો થયું કે છીએ આપણે પ્રણયમાં

કઇ વાત બાકી છે હવે સરેઆમ ચર્ચામાં

કોઈ હકીકત સર્જાય છે, રહેવા ક્વનમાં

ઉત્તર તને આપી દઉં એક બીજા સવાલમાં

ધીરજ ધરી તું વાર્તાલાપ રોક હવે પ્રશ્નોમાં
  
                       અર્ચિતા દીપક પંડ્યા