Thursday, 23 March 2017

વાર્તા

વાર્તા લેખન : એક કળા
            "વાર્તા " લખાઇ એ પહેલાં કહેવાઇ ચૂકી હતી,એમ કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે .વાર્તા એ વ્યક્તિત્વ ના ઘડતરનો પાયો છે.દરેક વ્યક્તિ એ એક વખત બાળક હોય છે.અને મોટા થયા પછી પણ એ બાળક એની અંદર જીવતો હોય છે.માહિતી અને શીખ આપવાની રીત તરીકે વાર્તા નો સામાજિક ઉપયોગ થતો આવ્યો છે જ.અને મનુષ્ય મન બાળપણથી જ વાર્તા માટે  ટેવાયેલું છે.નાનકડી વાર્તા ઘણી રસાળ,દમદાર નીવડે તે માટે તેનો રસ જળવાવો અગત્યનો છે.બાળક હોય કે વ્યક્તિ ,વાર્તા ની વાત આવે ત્યાં 'રસ'ની અપેક્ષા  તો રહે જ છે.રસ વિનાની વાર્તાનું બાળમરણ થવાની પૂરી શકયતા છે.

       રસ પડે તેવી વાર્તા લખવી કઇ રીતે? પહેલાં તો એક વિચાર પકડીને એકી બેઠકે લખી નાંખવું જોઈએ. એક વ્યક્તિ, એક ઘટના અને સ્ફૂરણાની સાથે જે જે કલ્પનાઓ ગોઠવી શકાય, રસપ્રદ બને એ રીતે કાગળ -કલમ લઇ લખી નાંખવી.ત્યારે એ નહીં વિચારવાનું કે ઉત્તમ લખવું છે,અગત્યનું છે વિચારો કાગળ ઉપર ઉતારવા. શક્ય માહિતી, વિચાર અને સંદેશ હોય એને પૂરું નીતરવા દેવું. કથાનક હંમેશા એક બેઠકે જ વિચારી લેવું.
          રસપ્રદ વાર્તા બનાવવી કેવી રીતે? પહેલાં તો એક પાત્ર એવું રચવું, વર્ણવવું કે સામાન્ય રીતે દરેકને અપીલ કરે,એનાં વિષે વિચારવા મજબૂર કરે અને શક્ય કોઇ વિચાર કે  સિદ્ધાંતને આગળ કરીને વાત વધારી પાત્ર નિરુપણ કરવું. અને એનું મહત્ત્વ વધારવા માટે બીજું નબળું પાત્ર અથવા વિલન ઊભા કરવા.જે વિરોધાભાસને  લીધે રસ ઉત્પન્ન થાય છે.
            બીજી વાત ધ્યાન રાખવી કે સસ્પેન્સ, ચમત્કૃતિ ઊભી થાય. એટલે કે વાચકની ઇચ્છા જાગૃત થાય કે 'આગળ શું થયું?' તેવી રીતે વાર્તા લખવી. વાર્તાનાં પ્લોટ એટલે કે કથાનક જેટલી જ અગત્યની વાર્તાની રજૂઆત છે.વાર્તાની રજૂઆત તેનો શણગાર છે. અને એમાં જ એનું સાહિત્યિક મૂલ્ય છે.'ચકા-ચકી' જેવી સાદી વાર્તા પણ રસ ઉત્પન્ન થાય તે રીતે કહેવી એ કલા છે.તમે તમારા વિચારો અને નાના  નાના સંદેશ કેટલાં સાંકળો છો ,એ અગત્યનું છે. નાટકીય બનાવો અને નાટયાત્મક પ્રશ્નો; ભરપૂર નહીં પણ એવા મૂકવા  જેથી વાર્તાનું મૂલ્ય વધે.એક કલાકાર તરીકે કે એક સર્જક તરીકે આ ખૂબી વિકસાવવી ખૂબ અગત્યની છે.
              વાર્તા ખાલી જણાવવા માટે કે માહિતી આપવા માટે નથી.વાર્તાનું હાર્દ પકડાય તે રીતે તેને રજૂ કરવાની છે.કઇ માહિતી છૂપાવીને દ્રશ્ય ઊભું કરી...કઇ કઇ માહિતી કલમ વડે બોલવાની છે તે ઘણું જ અગત્યનું છે.વધુ પડતી માહિતી એ વાર્તાને બદલે ડૉક્યુમેન્ટરી બનાવી ન દે તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
                વાર્તાનાં પાત્રો પણ વચ્ચે વચ્ચે બોલવા જોઇએ તો એ જીવંત લાગે છે.પાત્રો અંદર અંદર ભલે બોલે પણ વાચકને એની જોડે સંવાદ થતો હોય એવું લાગે છે.માટે દ્રશ્ય નીપજાવીને સંવાદનો ઉપયોગ થાય તો વાર્તાની તાકાત ચોક્કસ વધે છે પણ સંવાદ એટલે એ સચોટ,ટૂંકા અને સંદેશવાહક બનીને આવવા જોઇએ. અને સંવાદને રજૂ કરવામાં કલાત્મકતા છતી થવી જોઇએ. જે સંવાદ રજૂ કરીએ એમાં એનો ભાવ ઈંગિત થવો જોઇએ.
             જન્મ, મૃત્યુ, કુદરતી હોનારત જેવી નાટકીયતા વાર્તા -સ્વરૂપને ખૂબ મદદ કરે છે.દુન્વયી સુખ અને દુઃખને મઠારીને કલાત્મકતા અને લોકભોગ્યતા વધારે તે રીતે લખવું એ જ મોટી કળા છે.
           વાર્તાનું ઉદ્ભવવું અને માત્ર વિચારોમાં રહે તેનાં કરતાં અગત્યનું છે કે એ કલમ વડે કાગળ પર ઉતરી જાય. મનમાં રમતી રહેતી વાર્તાનું નિશ્ચિત નથી કે વાર્તા બનશે.કાળક્રમે એ વિચારો મનમાંથી વીખરાઇ જાય એ પહેલાં એને સ્વરૂપ આપી દેવું. એક વખત લખી કાઢવું એ પહેલો નિયમ.એને વાંચવું અને ફરીથી કાગળ પર નિરુપણ કરવું. અને છેલ્લી વખત ધ્યાનથી મઠારવી. અને તે વખતે નાની નાની વિગતોમાં વાચકો માટે ખાસ સંદેશો હોય તો ચૂકવો નહીં.
       વાર્તા લખાઇ ગયા પછી થોડો સમય ફરજિયાતપણે તેનાંથી થોડો સમય દૂર રહી, પુનર્વાચન કરવું.તો ભૂલ શોધવામાં સરળતા રહેશે. બને તો બીજાને વંચાવી પ્રતિભાવ લેવો.જેથી સુધારાને અવકાશ મળી રહે.
        બાકી વાર્તા માટે એટલું જ કહીશ ,માનવ માત્ર મા ના હાલરડે ઝૂલીને મોટો થયો છે ,તો તેનું ઘડતર થયું છે,એણે સપનાં જોયાં છે...દાદીમાની વાર્તા વડે.વાર્તા એ દરેકનાં જીવનનું અભિન્ન અંગ છે અને એક તાકતવર સાહિત્ય પ્રકાર છે.એ મહત્વની ગણના સાથે વાર્તા લખવાની શરૂઆત કરવી. અસ્તુ.
                  અર્ચિતા દીપક પંડયા

No comments:

Post a Comment