શીર્ષક :::: અરજી ::::
નજરે કહ્યું પસંદગીમાં છે,
શ્રવણ પણ મદ હોશીમાં છે ,
સ્પર્શ ની વૃતિ આવૃત્તિમાં છે,
મનની તો મરજી માં જ છે,
સહુ એ સાથે મળી ,
કહ્યું ; કરીએ સુનાવણી,
અધીષ્ઠા ને દઈએ જણાવી !
વાત પહોંચી હૃદયરાજ સુધી ,
ત્યારે
સહુને એક જાણ થઇ ,
અરજીની ક્યાં કોઈ છે વકી ?
અહીતો પહેલેથી જ છે નક્કી .
હકીકત તો બહાર આવી છે એવી,
કે હકૂમત પણ છે અહી એમની !!!!!
અર્ચિતા દીપક પંડ્યા
Friday, 26 September 2014
Araji
Ma ne
શીર્ષક :::: માં ને :::::::
ઘુઘરિયાળી કોઈ રણઝણ જેવી, મા તારી યાદ !
કોરા કુમકુમની સુરખી સરખી , મા તારી ઝાંય !
ગડગડે જેમ નોબત અલબેલી,મા તારો પગરવ !
સૂના સૂના બાળ તારા માડી , કરો હવે કેકારવ !
પરા અંબા માવડી જગતજનની,મા ગૂંજે એક રવ !
વિશ્વાસે વળે વહાણ મારે અહી , તું એક જ શરણ !
કરુણાની ઉપકારી છું હું તારી,કરજે દિશાનું દર્શન !
અમી નઝર રહે સદા તારી, નમ્ર થઇ કરું સૂચન !
અર્ચિતા દીપક પંડ્યા
Thursday, 25 September 2014
Mosami ful
શીર્ષક :::: મોસમી ફૂલ :::::
હું વાત કરતી'તી એક મોસમી ફૂલ સાથે ,
બે ચાર સ્વપ્નની કરતી'તી આપ-લે ,
વાત વાતમાં મારું મન પૂછે,
કોઈ એક ઋતુમાં જ તું કેમ ઉગે ?
બીજી મોસમ કેમ ,તને દવલી લાગે ?
વાંક કોઈ જુદો ને કોઈ બીજા ભોગવે .....
ખીલવામાં તને ય મોસમ નડે,ને
રાહ જોવામાં કોઈને દિવસો નડે !......
ફૂલ હસી પડ્યું એ વાતે ....
ઉગવા સાથે ,બીજી પણ એક નેમ છે,
ખીલવું ને મહેકવું , બંનેમાં ફેર છે......
અર્ચિતા દીપક પંડ્યા
Tuesday, 23 September 2014
Tu
શીર્ષક :::: તું ::::
ભીડમાં પણ તું મને,વર્તાઈ શ્વાસોચ્છવાસ માં ;
ભર્યા નગરમાં રહે, જાણે ખાનગી આવાસમાં .
દરિયા ઉલેચું સતતપણે , બસ તારી યાદના ;
છીપમાં તું કેદ રહે ,ને હું બહોળા અહેસાસમાં .
સ્વપ્ને મળે તે ગમે , કોઈ ખાસ કારાવાસમાં ;
જકડનમા તું રહે, સતત વિચરતી સહવાસમાં .
ટહૂકો તારો ગૂંજે , ખાલીપાના ખળભળાટમા ;
સંગીત તું બની રહે , જીવનના કલબલાટમા.
સમય કોરો જ વહે, કોઈ મીઠી અસમંજસમાં ;
તું આવે ન આવે,દિલ અટકે કોઈ અટકળમાં .
અંતરથી કહું છું તને, ઝંખું સદાય સોબતમાં ;
વણસાવી વાત રહેવાદે,માની જા આ કહેણમાં ..
અર્ચિતા દીપક પંડ્યા
Git
શીર્ષક ::::: ગીત :::::
જીવનના સાઝમાં ,સૂર એવા સંગાથમાં ,
સરગમ તો એવી ચકચૂર
કે ગીત મને સામેથી મળવા આતુર ....
રંગો જોઈ કુદરતના ,ભલી ભલી ભાતના ,
હરખે છે એવું રે મન,
લઇ લઉં ચુન્દલડી ના , રંગ રંગ જુદા,
ઓઢું ઓવારણા હરખુડી સોચના ,
શ્વાસે શ્વાસે ઝ્રન્કાવું ધૂન .....
કે ગીત મને સામેથી મળવા આતુર .......
સાથે લઇ સહિપણા, હૈયે મીઠા પ્રેમના ,
રુદિયે ઉગે છે ઉમંગ,
શણગાર સજું પ્રેમના, રૂપે રંગે રૂડા,
વહુ વહેણમાં ,દિલના જોડાણમાં,
પ્રગટાવું પ્રીતનું પૂર ......
કે ગીત મને સામેથી મળવા આતુર ........
અર્ચિતા દીપક પંડ્યા
Aapane
શીર્ષક ::::: આપણે:::::;;;
ધખતા ધખારા
જલાવે સદા એષણા
તડકામાં તાપણું તે આપણે .........
ભડભડતી જ્વાળામાં
શેકાતી કાયામાં
ઝૂરતી જલતી ઈચ્છા તે આપણે ......
વધતા વેધે વધે
લડખડે ને ઝઝૂમે
આરામ મૂકે નેવે તે આપણે .....
વાર્યા વાર્યાય ના વરીએ
લાગણીના પૂરમાં ઘસડાઈએ
શ્વાસમાં જળથી ડૂબીએ તે આપણે .....
પ્રેમે પરવશતા માં
વીંધાતી વેધક્તામાં
ઘાયલ દિલના ધણી તે આપણે ......
અર્ચિતા દીપક પંડ્યા
Bhajavani
ચાંદ દૂર છો રહે,પણ ઝર્યા કરે અમીરસ ચાંદની,
પ્રેમે નિખરવું એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે,
દરિયો ઘૂઘવે કે પછી માણે હર વાત એ પ્રેમની,
રસભરી રાતની, એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે .
દૂરતા માં મોહતાજ નથી જ પ્રેમ કોઈ સંજોગથી,
દિલ જે અનુભવે એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
સંજોગના પ્રવાહમાં રહે તાકાત અડીખમ રહેવાની ,
પૂરી ઘડામણ ની,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
કિરદાર ઘડે કર્તા ધરતા પાલનહાર, રહે ભજવણી -
સહુની મૌલિક,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
અર્ચિતા દીપક પંડ્યા
Friday, 19 September 2014
Anubhav
મારી દાઢીમાંથી પાછો એક વાળ ખર્યો !
ખાલી ઉંમરનો નથી અહી કોઈ તકાદો !
અનુભવના આંધણ નો થયો એક ચઢાવો !
કોરી આંખે જોયા પછી નથી પસ્તાવો !
બદલાવ સમયનો અહી બધે છે ઉગ્યો !
સંવેદનાના ઇંધણ નો બધે પડ્યો તોટો !
રોજ વિચારું ક્યારે ને ક્યાં ક્યાં એ ડંખ્યો ?
કપાળની કરચલી નો તો વારો પણ પત્યો !
દર્દ નો પારો છેક હવે દાઢી લગી પહોચ્યો !
અનુભૂતિના ખપ્પરમાં ફરી એક વાળ ખર્યો !........
અર્ચિતા દીપક પંડ્યા
Wednesday, 17 September 2014
Jivan
શીર્ષક ::::: જીવન
શબ્દોનું બસ ચલણ હોય છે,
લાગણી એક લગન હોય છે,
દુનિયા એટલે વળગણ હોય છે,
આછી પાછી એની સમજણ હોય છે,
લગભગ બધે જ અનુકરણ હોય છે,
નિર્ણયમાં ઈચ્છાનું શરણ હોય છે,
ન જાણે સાચું કયું કરણ હોય છે ?
કઈ કેટલા તો પરિમાણ હોય છે !
સાચા કદી કોઈ પ્રમાણ હોય છે ?
છતાં જીવન એક શિક્ષણ હોય છે,
બધે આવડતની વેતરણ હોય છે !
અર્ચિતા દીપક પંડ્યા
Svapn
સ્વપ્નને ખરી જરૂર, કોઈના ઇજનની ?
રોક ટોક ક્યાં એને આવન જાવનની ?
કદી મળી જાય સવલત એને પોષણની ,
આવી ચૂક્યા પછી પણ એક ઠહરાવ ની,
ક્યારેક વસે આંખમાં એક અટકળ બની ,
ને કોઈ રહે છીપ માંનું એક મોતી બની ,
નીંદરના સ્વપ્ન છે એ ભ્રમણા જીવનની ,
સ્વપ્ના જાગે તો ,આશા રહે જીવવાની !
અર્ચિતા દીપક પંડ્યા
Nato
કેવો અણજાણ્યો સંબંધ છું ?
ન ભૂલાય એવો બંધ છું તું !
કયા નામે બોલાવું તને હું ?
નવીનતમ તું કોઈ નાતો છું !
અનુભૂતિ માં એક આરામ છું ,
કહું છું,ફરી ફરી, ખાસ છે તું !
દિશા દેખાડે એ પ્રયાસ છે તું,
જોઉં પ્રેમે,તો અનાયાસ છે તું,
સ્મરણ આમરણ ,પ્રણ લઇ લે
કોઈની સ્થિતિ, અનુરાગ છે તું !
અંતરે ઉપસ્થિત કાયમ રહેતું ,
ધબકારનું સંગીત જ છે તું !
અડચણ વધુ નહિ આપું તને
પણ કહું છું ખાસ ...............
અવિસ્મરણીય શમણું છે તું !
અર્ચિતા દીપક પંડ્યા
ઈજન*
વરસાદી વાતાવરણમાં તું ક્યારે આવીશ ?
વાયદામાં હવે કોઈ વિલંબ ન કરીશ .
ઠંડો સાદ દઈ અબોલ ન થઇ જઈશ,
હૈયું હિજરાય એવો વાયદો ન કરીશ,
હરખથી હૂંફ આપી દઉં , આજે તું આવ,
ગરમ શ્વાસનો નાસ આપું તને , તું આવ,
મેઘધનુષ ઓળંગીને કદી તો અહી આવ,
ચંપાતા પગલે ગમતીલો રંગ ચોરી આવ,
ક્ષણો એનાથી રંગી કોઈ ચિત્ર બનાવીએ,
જીવનના કેનવાસને ગમતા રંગ આપીએ,
ઋતુ 'ને સમય,વાર' ને તિથી મર્યાદા થી છેટે,
શ્વાસની સરગમથી હેતે ફરી ફરીને મળીએ .
©અર્ચિતા દીપક પંડ્યા
Uddhar
ભરતડકા જેવી યુવાની જાય ને
માત્ર જીવનપથ ચાર દિવસનો
કર્યા બધા તનના સાજ શણગાર
હવે વિચાર સજાવટ મનનો
લાગણીના દરિયે ડૂબ્યા ત્યારે
ન આવ્યો વિચાર તોફાન નો !
જકડ ને બંધન,ને જાસો બધી દિશાનો
તો આશરો પાલન હારનો !
છૂટ્યો કાળ મનની બધી છૂટેલી લગામ નો
હવે જ સમય ખરો અંતર્દ્વંદ્વ નો !
'તું જાતે કર તારો ઉદ્ધાર 'એ નારો
એવા મારગ પર વાયરો વિશ્વાસનો !
અર્ચિતા દીપક પંડ્યા
Sogad
એક પળના શ્વાસની પ્રભુ, તું એવી સોગાદ દઈ દે
ફરી માંગું નહિ જીવન,મને એવો અહેસાસ દઈ દે !
પોકારું છું તને ક્યારથી બધે , જવાબ તો દઈ દે,
અણુ અણુ માં છે જાણું,પણ દ્રશ્ય આકાર તો લઈ લે !
પથ્થરે થાય દીવા બધે,ને તું જૂએ પથ્થરદિલ થઈને,
કયા કપટ થી તું,એવો ગાડરિયો પ્રવાહ બનાવી દે ?
દરેક જીવમાં છે જ તું , એવો ચોક્ખો ઉજાસ કરી દે ,
દીવો થાય તો દયાનો જ,એવો અહી ખ્યાલ કરી દે .
શોધ તારી મંદિરમાં ચાલે છે , સાચો રસ્તો બતાવી દે !
તારા સુધીની દિલમાં રહેલી અદ્રશ્ય સીડી જણાવી દે !
સર્જક , ત્રાતા , પોષક , વિધાતા તારો અહમ છોડી દે !
અહી તને પામવા મારવા જ પડે ફાંફાં , એ વહેમ ઉતારી દે!
અર્ચિતા દીપક પંડ્યા
Prem
પ્રેમ એટલે અઢી અક્ષરનું સરનામું
દુનિયાનું સાર્વત્રિક નજરાણું
જો મળે તો એ ઉપરાણું
ન મળે તો બસ પારકું ભાણું !
પ્રેમ એટલે હળવાશ નીતરતી આંખ
વણકહ્યે ઉડાડે એવી પાંખ
મનને ગમે એવી માંગ
વીંધે એ ઘડીમાં સાંગોપાંગ
પ્રેમ એટલે સૂરીલી કોઈ રેલ
વ્યાકુળ કોઈ ઢેલ
ઝાડને વળગેલી વેલ
નયન નચવે જેમ છેલ
પ્રેમ એટલે વહેણ લોહીમાં નીર્દંશ
આતમને ય વહાલો સ્પર્શ
ન અટકે એવો સંકર્ષ
રહે વણ થંભ્યો વર્ષો વર્ષ
પ્રેમ એટલે કૂણો હળવો લગાવ
કોઈ જાણે અનેરો શિરપાવ
વટમાં મૂછે જેમ તાવ
ન જીતાય એવો દાવ
પ્રેમ એટલે અનોખું એક સ્પંદન
વેધે એવું સંવેદન
ન છુટાય એવું સંમોહન
દુનિયાનું છો થાય વિલોપન !
પ્રેમ એટલે આંખ જાણે ત્રીજી
કાયદો એનો ન જાણે કાજી
દીદારથી રહે રાજી
જાણે એક હરિયાળી વનરાજી ....
અર્ચિતા દીપક પંડ્યા
Sunday, 7 September 2014
Smaran
કદંબની ડાળી અને વૃંદાવનની રજ ,
ધન્ય ઘડી સ્મર્યા પછી
શું કરતા હશે ?
કોઈ કહેશો ?
તો હું તેમજ
મારા સંવેગોને
અનુભવીને આત્મસાત કરું ...
પ્રેમના પંથે અડગ બનીને વિહરું ......
અર્ચિતા દીપક પંડ્યા
Anang milan
આંખમાં છલકાય છે કોઈ ભીની ક્ષણોનુ ઝાંકળ
દિલમાં ધડકન ધડકે જેમ,વાગે કોઇ નોબત !
મનમાં રંગીન ક્ષણે મોરપિચ્છ જગાડે સુંવાળી વાત
વિચારોમાં બંસીના સૂર સાથે હોય લાગણીઓનો હાથ
સ્વપ્નમાં ઝાંખી કરે પિતવસનની ઉત્કટ આંખ
ધીમી અગન જેવી પ્રીત પણ લાગે કદંબ ની છાય
હૃદયમાં વસ્યા એવી રીતે,વિરહમાં પણ પ્રેમરસ ઘૂંટાય
પ્રેમ સાચો હોયતો જરૂર પિયુને અનંગ પામી લેવાય !
અર્ચિતા દીપક પંડ્યા
Manav
રઘુકુલે થયા એક મર્યાદા પુરુષ રાઘવ,
ને યદુકુલે એક પૂર્ણ અવતાર માધવ ,
છે સંભાવના એવી ઈશ્વરની અહી કે
પ્રગટે મનુકુલમાં માનવે માનવે પૂર્ણ માનવ !
આજે મનને મનાવવો પડે છે તું છે મનુ -વંશ,
સૃષ્ટિ પરના તારા પૂર્વજને હતો કોઈ દંશ ?
હાયવોય , લાચારી ને અભરખા ની બળખા,
ક્યાં હતા સેવેલા કોઈ જાતના પણ વલખા?
નૈસર્ગિક જીવનમાં એ ધની હતા સૌ મનખા ,
હરીફાઈની તાણ નહિ ને બધા જાણે સરખા !
માનવ થાઉં,માનવ રહું ને ઘડું હું પૂર્ણ માનવ,
અંતરમાં પહેલો જાગે નાદ , પછી બીજા રવ !
અર્ચિતા દીપક પંડ્યા
Saturday, 6 September 2014
CHANDA NI KOR
Pasandagi
પસંદગી એવી કરું છું,જિંદગીને બંદગી ગણું છું,
હર એક મુકામને હું હંમેશા ,આશીકીથી માણુ છુ .
ચોઘડિયા,મુહુર્તને વણ જોઈતી આશંકા ગણું છું ,
અંતરના અવાજને જ અનુપમ આસ્થા માનું છું.
કોઈના વર્તનના આવર્તનને ય લાચારી માનું છું,
એની તાસીર નો ગણી હાથ માફી આપી દઉં છું .
તું ચીંધે જે મને તે કર્મને ,વેદની ઋચા માનું છું,
જેનાથી રહે કાયમી કૂણું દિલ,એને ધર્મ ગણું છું.
પ્રેમ પ્રગટાવી જાતથી અહી તને બધે ખોળું છું,
આ ઇબાદતથી મને,તું મળશે જ આશા રાખું છું .....
અર્ચિતા દીપક પંડ્યા
