Saturday, 19 December 2020

હાસ્ય કવિતા કાનો ને રાધે

 કા'ના, 
જો હું થઈ જાત થોડી મોર્ડન,
 તો છોડી જાત મને કોણ! 
હે ને!, તો યુ વોન્ટ એવર બી ગોન!... 

પહેરત નહીં  ચણિયા, ચોળી ને ચુંદડી! 
સ્ટીલેટોઝ, સ્કર્ટ ટોપમાં લાગત ફાંકડી! 
એમાં  કા' ના તને દેખાત હું સોહામણી, 
બની જાત  તો  કદાચ જુદી  કહાણી, 
ને
બોલ, તો પછી છોડત  વૃંદાવન કોણ! 
હે ને!, તો યુ વોન્ટ એવર બી ગોન!... 

તારી વાંસળી જોડે  સંગતમાં  ચાલત
ટ્રમ્પેટ, ગિટાર ને ડ્રમ  હું વગાડત
રાસ  બદલે કરત જાઝ, સાલસા, કન્ટ્રી
નટવર, થતી રહેત ને નવતર  એન્ટ્રી? 
ને
બોલ, તો પછી છોડત વૃંદાવન કોણ! 
હે ને!, તો યુ  વોન્ટ એવર બી ગોન!... 

રાધે, આંખે શેડ્સ,ને  પહેરત જીન્સ, 
ધારત, મોબાઈલ બાય ઓલ મીન્સ, 
દ્વારિકાથી મોકલત 'મીસ યુ' નો મેસેજ, 
આંખ ભીની થઈ હોતને  મારી સ્હેજ, 
 ને
રાધે, બોલ, છોડે વહાલું  વૃંદાવન કોણ! 
હે ને!, તો આઈ વોન્ટ એવર બી ગોન! 

ન હોત જો મારે જગતરક્ષાના કામ, 
કર્મબંધન નડતા  ન હોત, સૌ ને આમ, 
ક્યારેય છોડી ન જાત  તને મારી સખિ! 
છે આ દિલમાં તને કાયમથી રાખી
ને
રાધે, બોલ, છોડે  વહાલું વૃંદાવન કોણ? 
સાચે, તો આઈ વોન્ટ એવર બી ગોન! 
©અર્ચિતા દીપક પંડ્યા 

એક છોરીને (હાસ્ય) *



એક છોરીને પાણીપુરીની હોંશ એટલે
એક છોરો ત્યાંથી રોજ નીકળે એટલે

 તીખો, ખાટો, મીઠો રસ  પાણીપુરીમાં
આવો  છોરો ન મળે આખી ખડકીમાં

ઉતાવળ હોય એને કે  મુકામે પહોંચું 
મા ત્યારે જ બૂમ મારે, 'પોતું કરી દીધું?' 

કહેવાય કેમ કે, એને તો જવું જોશે 
નહીંતો પછી  પાણીપુરી ફીક્કી લાગશે 

છોરાની નજર તો લાગે તીખું પાણી
છોરો  હસ્યો ,  તો ઉમેરાવે  મીઠી ચટણી

એ  કરે  પાર્ક બાઈક પાસે, નહિવત દૂરી
ત્યારે 'પચાક'  ફૂટે છે મોંમાં  પાણીપુરી

જો જોઈને પાછળ,  કીક મારે બાઈકની
આ સફળ છે દોડાદોડ ભલે રોજેરોજની

ઝુલ્ફ ઊડાડી, સીટી મારી,આપે જો રાઉઝ
નક્કી કરે છોરી રોજ  'પાણીપુરી ખાઉ જ'

એક છોરીને પાણીપુરીની... 

Sunday, 13 December 2020

અછાંદસ /આ ક્ષણ#

અર્ચિતા દીપક પંડ્યા 
૧૫/૧૨/૨૦૨૦ 

અછાંદસ 
આ ક્ષણ

આ ક્ષણ ક્ષણના સરવાળા જેવું
છે ને જીવન આપણું,
જે થઈ ગયું, 
જે જોડાઈ ગયું, 
ચાલી રહ્યું બસ સાથમાં.

જે રહી ગયું, 
ન થઈ શક્યું, 
ન પામી શકાયું,
એ બધી બાદબાકી, જે સદાય બાકી
ન છે કશું આપણાં હાથમાં. 

મુઠ્ઠી જેટલી ક્ષણોનો જુમલો
સાથે ખજાનો લઈ ચાલીએ
સૌથી મજબૂત તો આ ક્ષણ
એ જ ક્ષણ,
જે છે 'હાથમાં તે બાથમાં.'

ક્ષણ, તને ન વિસરી જાઉં, 
ક્ષણ, તું ન છૂટી જઉં, 
સંપર્ક મારો છે ખરો આ ક્ષણ સાથે, 
ન ક'દિ વિસરી જાઉં.. 

નથી ક્ષણોના કાફલાથી માત્ર, 
જીવન છે આ ચાલતું, 
વિજળી જો ઝબકી, આ  ક્ષણે
મોતી છે જો પરોવતું
તો
કિંમતી જીવન થઈ જાતું..!

Tuesday, 1 December 2020

સવારે સવારે *

            સવારે સવારે 

હતો ભેજ ઝાકળ  તણો પાન ઉપર સવારે સવારે
હતી આંખ  લૂછી અમારી  તમે તો સવારે સવારે

તરીને પહોંચ્યા  અમે તો મહેનત કરીને કિનારે
મળી એક નૈયા અનામી નફામાં સવારે સવારે 

મળીને ગયાએ નયનને ઝુકાવી સરેઆમ આજે
શરમ શેરડો લાલ રંગે કુસુમને સવારે સવારે 

લખીને અપાતી  નથી અરજી દિલની દુનિયા માં તો
ઉમંગો ઉઠે સૂર્ય  ઊગે જેમ આભે સવારે સવારે 

હસીને કરું છું દિલ્લગી તમારા મનોરંજન માટે 
બદલી નાખવાની છે વાતો અમારી સવારે સવારે 
©અર્ચિતા દીપક પંડ્યા 

અમસ્તા અમસ્તા *

મળ્યાં'તા એ બે જણ  અમસ્તા અમસ્તા 
વધી' તી મથામણ અમસ્તા અમસ્તા 
અમે દિલ દઈને ન પામ્યા  કશુંયે
નયનનાં છે કામણ અમસ્તા અમસ્તા
અમે ઝાંઝવાને બનાવ્યા છે દરિયા
પ્રસરતું રહે રણ અમસ્તા અમસ્તા
નહોતી કદર એમને તો જરાયે
ગુમાવી'તી થાપણ અમસ્તા અમસ્તા
સમય જો ગયો તો ન આવે ફરીને
વહી હર સબળ  ક્ષણ અમસ્તા અમસ્તા
©અર્ચિતા દીપક પંડ્યા 

Monday, 23 November 2020

જોતજોતામાં *

જોતજોતામાં

પડ્યું ઝાકળ, ને ઊડી ગયું, જોતજોતામાં
પડ્યા પ્રેમમાં, એ છેતરી ગયા, જોતજોતામાં

નહોતી ખબર વળગી રહેવાનું એનું રાતભર
સૂરજ આવતા થઈ જશે  છૂ, જોતજોતામાં

ઝાંઝરના ઝમકારે ભરી દેતી ઘર પગલીઓથી 
મહેંદીના રંગે  બનશે  ઠાવકી એ, જોતજોતામાં

અંધારા  સાથે  રાખી છો દોસ્તી જીવનભર
અજવાળે  ખોલ્યા રાઝ કૈં, જોતજોતામાં

હતું ગુમાન બે યનું, સત્તાનું અને ધનનું છતાં
જરાએ છૂટ્યા,જરા જરા એ, જોતજોતામાં
©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 31 October 2020

દર્દ મારું

દર્દ મારૂં શબ્દથી શણગારૂં 
      તો એ ગઝલ થઈ ઓળખાય છે, 
ખુશી મારી હાસ્ય સાથે વેરૂ
       તો એ સુખ બની ઉજવાય છે! 

લાગણીઓ છોળ થઈ છલકે
         ત્યાં મારી જાત ઓળખાય છે, 
વ્યવહાર મીઠાં થઈને ઉપસે
          એ ગણતરી મારી વર્તાય છે! 

ન ડંખે ક'દિ મારું વર્તન કોઇને
           એ તકેદારી સચવાય છે, 
ધીરે ધીરે વય વધતી લાગે
        એમ પુખ્તતા સદતી દેખાય છે! 

પીડા પણ ક્યારેક પીડે છે અમને
         લગરીક મન ભલે કચવાય છે, 
પણ હૈયે છે હામ એવી ઠંડકે
      એમાં ઈશ્વરની પ્રસાદી દેખાય છે! 
          © અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 28 October 2020

અછાંદસ :સૌંદર્ય *

અહા,
શું રૂપ!
ઈશ્વરે દિલથી ઘડ્યા,
એમણે એક ઝાટકે
કેશને ઉછાળીને
આયના પર
દ્રષ્ટિ સ્થિર કરી,
બેદાગ ચહેરો અને
તસતસતી ત્વચા! 

એક સ્મિત
વીંટીમાંના હીરા જેવું 
શોભી ઊઠ્યું,
સૌંદર્ય એની ટોચ પર હતું!
અને એમને જાણ પણ હતી, કદાચ!
સાજસજ્જા થતી રહી..
કદાચ તો
દર્પણ પણ પ્રેમમાં પડી જાત!

ત્યાં તો
એમણે કંઈક હાથથી ઉતારીને
નીચે મૂક્યું!
ઈર્ષ્યાના કીડા ખદબદી રહ્યા હતા,
ક્રોધની જ્વાળાએ 
ત્વચા પર
કાળા ધબ્બા કરેલા,
અવસાદ ડોકાઈને
એક એક ઉઝરડો 
પાડી જતો હતો,
અભિમાન 
દરેક ક્ષણે
એમના સૌષ્ઠવને
છિનવી રહ્યું હતું,

તેમ છતાં,
તેમને
'અભિનંદન!'

એક મુખવટાથી
વિશ્વમાં સુંદરતમ બની રહેવા
એ સફળ થયા હતા!
©અર્ચિતા દીપક પંડ્યા 

Thursday, 15 October 2020

પરપોટો કવિતા *

પરપોટો! 

છે ને જીવન સાચે છળ, પરપોટો!
વીતે એની એવી પળ, પરપોટો!

કરી કર્મો ને જીવ્યાં એ રીતે
શોધો છો જો મીઠાં ફળ, પરપોટો!

હંમેશા એ પોકારીને બોલ્યાં
સારું છે જોડો જો દળ, પરપોટો!

સાથે રે'વાની ક્ષણો ઓછી છે
છોડીને ઝંઝાને તું મળ, પરપોટો! 

કાલે હારી છોડ્યાં રણ મેદાનો
આજે જીત્યાં જાણી કળ, પરપોટો! 

સીધી વાતો નૈ બોલે એ લોકો
શંકા કરવા જોઈ સળ, પરપોટો! 

નાની વાતે  જો લાગે ખોટું તો
હવે એણે મૂક્યાં જળ, પરપોટો! 
©અર્ચિતા દીપક પંડ્યા
મારે જોઈએ નામ, બધું કરી છૂટું..
ખબર છે?, હું મારો જ નથી રહ્યો

મારે જોઈએ દામ, હર પલ દોડું
ખબર છે?, હું મારો જ નથી રહ્યો

સંબંધો જોઈએ ભાવના છૂટી
ખબર છે?, કોઈ કોઈનું નથી રહ્યું

એકાવન અક્ષરી સંકલન

૧) જન્મદાતા નારી તું
હેત વાત્સલ્ય નજરે અમી

પ્રેમાળ આંખે શિસ્ત 
સંસ્કાર સિંચનની મૂર્તિ તું

પોષે જીવન રસ
દુર્ગુણોને  સદાય ડામતી

૨)જોઉં છું પિંજરને
હું તારા પ્રેમના સ્વરૂપને

છે ખબર પૂરશે
બંધનમાં મારા અસ્તિત્વને

તે છતાં પ્રેમવશ
ઉજાળીશ હું બંને જીવન!

3)એકાવન અક્ષરી: પરપોટો
જન્મ્યાં, જીવ્યાં કીધી
અગણિત ઊપાધી તે છતાં

પામ્યાં તો પરપોટા 
જેવું સુખ ને ડુંગરો દુઃખ

જીવ્યાં જાણે અમર
 થૈ પરપોટો કાલ  ઊડીશું

 ૪)

પરપોટો* ગઝલ

બેરંગી તો યે ફાલે જીવન પરપોટો
જાણે ક્યારે એ ફાટે જીવન પરપોટો

સંસારે ભટકી ભટકી ભૂલ્યો છું 
રસ્તા
જો ને  ગર્વીલો ટાળે છે જીવન પરપોટો

જન્મ્યાં  તો મૃત્યુ શાશ્વત માનો એ ધારો 
સૌ માટે ગોળાકારે જીવન પરપોટો

મૂલ્યો છોડીને  જીવ્યાં તો આપે પરચો
ચેતો, એ સૌ ને ડારે જીવન પરપોટો

રડતાં રે'શો તો  રે' શો હંમેશા રડતાં 
હસતાં રો' તો  એ તારે જીવન પરપોટો. 
©અર્ચિતા દીપક પંડ્યા
ગા×12

Sunday, 11 October 2020

તું ન આવે... #

તું કંઈ ન લખે
તો પણ,
તારી આંખમાંથી 
નીતરતી
મારા માટેની
લાગણી
મારે મન
સંહિતા જ છે,

આપણા પરસ્પરના
કોલની..
પ્રેમની પરિભાષાની..

તું આવે પહેલા તારી યાદ
તારી પાસે લઈ આવે છે,
પછી તું આવે તો ય શું?
ન આવે તો ય શું?
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 9 October 2020

રણઝણ*



અમે રણઝણ ઝીણી ઝાંઝરી
    તમે બોલ્યા જાણે ઘંટ!
અમે ઝીણી વેલ ખીલતી 
    તમે પથરાયા થઈ વટ!

સાજન અમે નરમાયા, 
      ગૂંથ્યો જીવનપટ!
તમે કોળ્યો રસ્તો પર્વતમાં
       અમે દોરાયા સટપટ!

મેઘલ ઘટાનો વરસાદ થઈ
       ભીંજવો મનમોજી 
કૂણી કૂણી કૂંપળ મહોરે 
       અમને  લાગી એવી રટ!

આંસુ અમારું  મોતી
         કિંમતી ઘરેણું સ્મિત
સાતમા આકાશે  વિહરીએ
       કદી ના વિસરી વટ
અમે રણઝણ ઝાંઝરી 
તમે બોલ્યાં જાણે ઘંટ
          

છે પ્રતિબિંબ તો*

છે પ્રતિબિંબ  તો હકીકત જરૂર છે,
છે ખુદાઈ, તો ખુદા પણ જરૂર છે.

ભીડમાં પણ ફરી ફરી યાદ કોઈ આવે,
છે દૂરી, તો  મહોબ્બત પણ જરૂર છે.

અંદેશો મને કાયમ કે તું ન પણ આવે,
છે આશા, તો અવદશા પણ જરૂર છે.

સ્વપ્નમાં આવીને કહો છો, આવ્યા તમે,
છે સ્વપ્ન, તો દિલાસો પણ જરૂર છે.

 ફરી એકવાર કહું છું કે આવી જાવ તમે, 
છે આમંત્રણ, તો મજબૂરી પણ જરૂર છે. 

છે ખરી વ્યવસ્થા કે રેખા હાથની બદલે? ,
છે કર્મ, તો લેખ અમીટ પણ જરૂર છે. 
                   ©અર્ચિતા દીપક પંડ્યા 

નકારમાં *



                  નકારમાં

થયું એવું કે એકરાર થઈ ગયો નકારમાં
ચાહે બીજા કોઈને તું?,જવાબ નકારમાં. 

વળતી સાંજે શું તું આવીશ મનમેળામાં?
દિલમાં હતી 'હા', દીધો જવાબ નકારમાં.

વીંટી ગૂમાવી એ રંજ ન હોત શકુંતલાને
પ્રેમી રાજાનો જવાબ ન હોત જો નકારમાં. 

કોને હતી ખબર કે સાવ થશે અલગ?
મળી એ ક્ષણો તો વીતી બધી નકારમાં.

એમ તો બધું જ સીધું જ ચાલ્યું હતું
વાત અવળી પડી બસ એક નકારમાં.

કર્ણ પણ  છંછેડાયો ન હોત સ્વયંવરમાં
એણે જીરવી ઉપેક્ષા હળાહળ નકારમાં. 

હસવા હસવામાં  હા ન કહી દેશો તમે
ઘણી વાર મહત્ત્વ ખરું હોય છે નકારમાં.
     ©અર્ચિતા દીપક પંડ્યા 


મારાં#


    મારાં


વેગળી કરી એકવાર
હર એક ઈંટો અને ભીંતો
જેની જોડે સમજણ આવી
ત્યારથી કરતી'તી ગોષ્ઠી

કોઈક આંસુને લીંપણ
ગળી ગયું હતું અને
કોઈ જીદને છતે
ટાંગી દીધી  હતી

ઝાંઝરીથી પાયલ,ને પછી તોડા
તોડા કે પછી હતાં.....? 
બેડી હતાં જુવાનીનાં ઘરેણાં?
કેદ હતી મારી જ ભ્રમણાંમાં!

કંકુનો શણગાર, મહેંદીયાળી આશા
ઘરચોળે મઢ્યાં સપના નવા
વીંછીયાએ તો  સમજાવ્યા
 માપ; નવા ઘર, સાસરિયાના

ચૂડી વીંટી ને વીંછીયાએ ઘસાયા
દિવસરાત વરસો થઈ વીત્યા
વાળની લટે વસી થોડી ચાંદી
તો ય ઉંબરાં પોતીકાં ન બન્યાં

વડીલોના ખોંખારા ઓઝલ થ્યાં
પગલીના પાડનાર મોટા થ્યાં
વળી અસમંજસ નારીના મનમાં થ્યાં
હું થઈ સૌની, કેમ ન સૌ મારા થ્યાં? 
         ©અર્ચિતા દીપક પંડ્યા 

અંધારું


અંધારું

દીવા જેવા અજવાળાને પણ એક હકીકત છે અંધારું ,
અને અજવાશ છોડ્યાનું પણ પરિણામ હોઈ શકે અંધારું!

અબોલા લઈને બેસી ગઈ છે લાગણી કોઈ ખૂણે
રડમસ થઈને ડૂસકાં ભરતું રહે છે કાળું અંધારું

ધીમી ગપશપ લઈને બેઠા રહ્યા અમે ચારેય પ્રહરે
વાત બે'ક ચોરીને ધીમું હસતું'ર્યું નટખટ અંધારું

ગળી ગઈ રજની ભેદ કેટલાં ને છાનીમાની રુએ
થઈ ગયો હોત ને હાહાકાર,જો ન હોત અંધારું!

ઊગતા સૂરજને જ તો પૂજે છે અહીં લોક બધે
એ કેમ કરી ઊગી શકે જો સર્યુ ન હોત અંધારું?
           ©અર્ચિતા દીપક પંડ્યા 
 

મારા જ તરફથી


મારા જ તરફથી

બહુ મળી છે દાદ આ નામને લોકો તરફથી, 
ચાહું હવે મેળવું શાબાશી મારા જ તરફથી!

વિગત ચૂકી જવાઈ  ઉતાવળથી મળવામાં
થોડીક તો કસર થઈ ગઈ મારા જ તરફથી! 

અનુગામીને જોર કર્યું રસ્તો બતાવવામાં 
થોડીક જબરદસ્તી થઈ  મારા જ તરફથી! 

રહ્યાં એ એક ને એક વાતને વળગી રહેવામાં 
થોડીક ધીરજ પછી  ખૂટી મારા જ તરફથી! 

એક સમજાવું અને થાય બીજું બગડવામાં
થોડીક સમજદારી જોઈશે મારા જ તરફથી! 

એમ માનવું કે રહ્યાં ખાલી વાંક બતાવવામાં
થોડીક તો નાદાની થઈ ગઈ મારા જ તરફથી! 

લાગ્યું,ઈશ્વર ગૂંથાયો છે ચોપડો લખવામાં 
થોડીક તો ગફલત થઈ છે મારા જ તરફથી! 
                     ©અર્ચિતા દીપક પંડ્યા 




ચાલો આજ થી જ



    ચાલો આજથી જ! 


આપવી હોય તો આપીએ પ્રેરણા
      એવું જીવતર જીવીએ
અને વહેંચવો હોય તો તો પ્રેમ
       બસ, આપીને નીખરીએ

લેવી હોય તો લઈએ શીખ
         નવતર કંઈક શીખીએ
છોડવો હોય તો છોડીએ અહમ્
        ખુદને સાફ રાખીએ

દૂર રાખવો હોય તો ક્રોધને
        શાંત રહેતા હવે શીખીએ
ધારણ કરવી હોય તો ક્ષમા
         નિજને થોડું ઊજાળીએ.
    ©અર્ચિતા દીપક પંડ્યા 

આઝાદી #

આઝાદી

આઝાદીના ખ્યાલથી
મારું મન બંધાઈ ચૂક્યું હતું!

આઝાદી મેં આજીજી કરીને માંગી,
કરગરીને માંગી,
બળવો કર્યો,
વિદ્રોહ કર્યો,

સર્વ પ્રકારના સત્તાધીશો
સામે લડવાનું જોર એકઠું કર્યું;

મારે સ્વતંત્ર વિહરવું હતું
મારા ફાળવાયેલા આકાશમાં...

મારી શક્તિઓને મારે માપવી હતી,
મારે પણ જગને કંઈક કરી બતાવવું હતું!

હું ખૂબ લડી
ખૂબ અને ખૂબ!
મને શાણાંઓએ વારી પણ ખરી!
અંતે
અવિરત લડાઈઓથી થાકી,

ત્યારે, 

ત્યારે જોયું તો
અદ્રશ્ય બંધ ને
મેં મારા હાથો વડે જ
પકડી રાખ્યો હતો!
આઝાદીને ગુલામ મેં જ બનાવી હતી!
       ©અર્ચિતા દીપક પંડ્યા 

Wednesday, 7 October 2020

તમારા સમ(ગઝલ) *

જણાવીને હકીકત આજ છોડાવ્યા તમારા સમ
ગુનેગારી વિના યે ઘા મેં છોલાવ્યા તમારા સમ

બગીચે  પુષ્પ ખીલે છોડની  શોભા બની ઊગે
ગુણો દિલમાં અમે દિલચશ્પ રોપાવ્યા તમારા સમ

મળે છે ફૂલ સાથે તીક્ષ્ણ કાંટા હર વખત જ્યારે
કરીને ભસ્મ ઈર્ષ્યા શૂળ તોડાવ્યા તમારા સમ

લગાવી આગ જેઓએ ભવનમાં દાઝ રાખીને
લઈ વિશ્વાસમાં ને રાઝ ખોલાવ્યા તમારા સમ

અમે પાછા ન ભૂલીએ કરી તાકીદ એવી કે
કરીને આજ  મીઠો સાદ બોલાવ્યાં તમારા સમ
©અર્ચિતા દીપક પંડ્યા

લગાગાગા ×૪

Tuesday, 6 October 2020

હો હા થઈ ગઈ (ગઝલ) *

એણે માર્યું છે મટકું ને હો હા થઈ ગઈ 
છેડી એને જો છટકું તો હોહા થઈ ગઈ

મેળવ્યાતાં બંનેને સમજાવી ફોસલાવી
તે છતાં છેલ્લે વટકું તો હો હા થઈ ગઈ 

દોડીને પ્હોંચ્યા સીધા ભેટીને મળવા
એવે ટાણે જો હું અટકું હો હા થઈ ગઈ 

કેવી રીતે કરશો દગો મારી સાથે 
પ્રણયની ગાંઠોને સટકું હો હા થઈ ગઈ

છોડી જે વાતોને છેડી એ તો ચાલ્યા
ને હું માથાં દીવાલે પટકું હો હા થઈ ગઈ

ગા×૧૨

Thursday, 1 October 2020

નહોતી ખબર(ગઝલ)*

મનીષા  જ મરશે, એ ધારો નહોતી ખબર
થશે એ હકીકતે વધારો નહોતી ખબર

તમે તો મનાવી સમયસર ઉગાર્યા પછી
ન માને છતાં મિત્ર સારો નહોતી ખબર

 સલામત છે  ક્ષાર બધાં યે જમીન મહીં
છતાં યે ધ્વંશ થૈ ગ્યો ઉતારો નહોતી ખબર

તમારી દુશ્મની છે કરવત સમી કારગત
ચડાવ્યો હશે ચિત્ત પારો નહોતી ખબર

જણાવ્યું  મને, મિત્ર આવો તહેવાર સુધી 
તમાશો કહેશે, 'પધારો' નહોતી ખબર
©અર્ચિતા દીપક પંડ્યા
લગાગા લગાગા લગાગા લગાગા લગા

પ્રથા(ગઝલ) *

પ્રથા ભૂલ્યાં ,યુવા ભટક્યા ઘણી તકલીફ પહોંચી છે
કિનારે જૈ વહેણ ઉલટ્યા ઘણી તકલીફ પહોંચી છે 

હવે આંસુ તમાશો છે દુનિયાનાં રિવાજોમાં
પછી લોહી વૃથા ટપક્યા ઘણી તકલીફ પહોંચી છે

અમર આશા લઈ જીવ્યા, પરત આવી જશે સાથી
મુકદ્દર હર વખત પલટ્યા ઘણી તકલીફ પહોંચી છે 

સમય આવ્યો, ખુશી - વિશ્વાસ  સાથે અશ્રુ ટાળીને
યુગો વીત્યે શુકન  ઉમટ્યા ઘણી તકલીફ પહોંચી છે 

અરીસાની કથા માની  કરી ભૂલો તમે એવી
 ઉદાસીમાં દિવસ તડપ્યા ઘણી તકલીફ પહોંચી છે

લગાગાગા ×4

આવો તો સારું (ગઝલ) *



વચનની વાત છે આવો તો સારું
મિલનની રાત છે આવો તો સારું

 છે અંતર ઓરડો અત્તર સુગંધિત
સમર્પિત જાત છે આવો તો સારું

 મને ભૂલ્યા તમે મઝધારે લાવી
ને  હિંમત મ્હાત છે આવો તો સારું

નથી વાડા નથી બંધન પ્રણયમાં
કથા વિખ્યાત છે આવો તો સારું

હું  આંસુને નહીં ખાળી શકું  જો
કે જળની ઘાત છે આવો તો સારું
 
વિરહની આગમાં શેકાઈ  હૈયે
ઉઠી કો' ભાત છે આવો તો સારું

હવે સમજો તો મળવાને  સનમજી
બહાના સાત છે આવો તો સારું.


 
 લગાગાગા લગાગાગા લગાગા

Wednesday, 30 September 2020

સાંપ્રત ઘટના પરથી

સાંપ્રત પ્રસંગ પરથી
મનીષાને 
ન જીવવા દેવી
એ દસ્તૂર
આમ 
આવું
ભૌતિક સ્વરૂપ લેશે!
.......નહોતી ખબર......

વાણીની સ્વતંત્રતા
નથી આપવી 
એ ખબર
પણ
જીભ લઈ લેશે
....... નહોતી ખબર......

એક રાંક
ગભરૂ
નાજુક કળીને
પવન લહેર ડોલાવી દે
ચાર ચાર કાંટા ભોંકાશે
....... નહોતી ખબર.......

કૂખમાં રહી
અકબંધજન્મી
જીવીને ઉડવાની 
ઉંમરે
ચૂંથાઈ જશે
........ નહોતી ખબર.....

દીનાનાથ દયાળુ
બધું એના હાથમાં
તો આ
પારેવું પણ
પીંખાઈ જવા દેશે
....... નહોતી ખબર......
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 7 September 2020

સપનાંની વાત*

સપનાંની વાત

કાગળમાં લખું રાત,'ને તારલા ખીલી જાય,
 કાનમાં કહું હું વાત,'ને વ્હાલડાં ખીલી જાય.
હળવી હવાની જેમ મારી ટપલી, લટ વીખેરી
 અળવીતરો સાજન પડખેથી જ જાય
 સપનાંની વાત પછી પરગટ થઈ જાય
કાગળમાં લખું રાત...

એક સાંજે કહેલું, ન ઓરો આવીશ ઝાઝેરો
ઘેરી રાતે પછી મને દેખાશે પેલો ઊંબરડો
ન ઓળંગ્યો તો યે મારશે મેણું, 
ઊંચા ઓટલાં કરશે ઠીઠયારીઓ.. 
કાગળમાં લખું રાત... 

કહેણ એક નાંખી કાને, થાય આઘોપાછો 
મીઠું બોલીને મને, પહેરાવે શરમ શેરડો
હૈયાનો હાર મારો, મારું ઘરેણું
ઓઢું માથલડે, તો તાણે ઝટ છેડલો
કાગળમાં લખું રાત... 
©અર્ચિતા દીપક પંડ્યા

Saturday, 11 July 2020

અંતર#

અંતર છે કેટલું
શું ખબર
એના અંતરને?
ભ્રમણામાં રાચે
ભાળે
સદા
એના લાલને
અંક માંહે
એની બાળછબિ
યુવાનપુત્ર ભલે વસ્યો
પરદેશે
નવી નવી તૃષ્ણા લઈ.

માની
નજરમાં
બાળ સદાકાળ બાળ.

©અર્ચિતા દીપક પંડ્યા

Sunday, 21 June 2020

દુર્ગા

મારે તો  કપાળમાં કૂવો
અને
મમ્મી વિના ક્યાંય જઉં નહીં
એવી ઢીલી,

શેરીનું  કૂતરું ઘવાય,
તો પણ દયાથી
આંખમાં પાણી ઉભરાય...

પણ એક વખત
આંસુ
કદાચ બધાં
વપરાઈ ગયા,
હાથ થરથર ધ્રૂજવા બદલે
મુઠ્ઠી વાળી કઠોર થવા લાગ્યા.

મારી  તકલીફોએ મને
મજબૂત બનાવી.
મારી પર તકાતી નજરે
મારી નજાકતને
ગળી લીધી..

હવે મારી પ્રેરણા, મારી શક્તિ
ગેરવર્તણૂંક
અન્યાય
જુલમને
જવાબ આપી દે છે
મારા જ શક્તિશાળી વારથી
હું મને
મા દુર્ગામાં ભળી જતાં જોઈ રહી છું.
©અર્ચિતા દીપક પંડ્યા