Wednesday, 28 October 2020

અછાંદસ :સૌંદર્ય *

અહા,
શું રૂપ!
ઈશ્વરે દિલથી ઘડ્યા,
એમણે એક ઝાટકે
કેશને ઉછાળીને
આયના પર
દ્રષ્ટિ સ્થિર કરી,
બેદાગ ચહેરો અને
તસતસતી ત્વચા! 

એક સ્મિત
વીંટીમાંના હીરા જેવું 
શોભી ઊઠ્યું,
સૌંદર્ય એની ટોચ પર હતું!
અને એમને જાણ પણ હતી, કદાચ!
સાજસજ્જા થતી રહી..
કદાચ તો
દર્પણ પણ પ્રેમમાં પડી જાત!

ત્યાં તો
એમણે કંઈક હાથથી ઉતારીને
નીચે મૂક્યું!
ઈર્ષ્યાના કીડા ખદબદી રહ્યા હતા,
ક્રોધની જ્વાળાએ 
ત્વચા પર
કાળા ધબ્બા કરેલા,
અવસાદ ડોકાઈને
એક એક ઉઝરડો 
પાડી જતો હતો,
અભિમાન 
દરેક ક્ષણે
એમના સૌષ્ઠવને
છિનવી રહ્યું હતું,

તેમ છતાં,
તેમને
'અભિનંદન!'

એક મુખવટાથી
વિશ્વમાં સુંદરતમ બની રહેવા
એ સફળ થયા હતા!
©અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment