Monday, 1 May 2017

અવસાદ માટે

આપી આંખો, શમણાં માટે
આપી છાતી, હામ માટે
આપ્યા પગ, કરવા આગે કદમ,
ને હાથ કહે, ભીડ પડે તો  થઉં બથમબથ...
પણ..
સતત જંગ છેડતાં માણસમાં
એક અજાણી ખીણ બનાવી
માણસનાં પોતાના જ નામની પોતાની અંદર
જો પડી જાય માંહ્ય
તો ન નીકળે ક'દિ બહાર!
તકલીફો સહન કરવા હિંમત જોઇએ જેટલી
એથી ઘણી વધારે જોઇએ હિંમત લડવા ખુદથી
જંગમાં હારેલા બેસી જાય તો ચાલે,
માંહ્યલો બેસે ક્યાં થી ચાલશે?
એક અવસાદ ઓગળે એવી કૃપા ક્યાં થી લાવશે?

સીનીયર સીટીઝન માટે, કૃપાને

વાળમાં આવી ચાંદી અને શરીરે નક્શી

ઉંમર સાથે વધી છે એમની થોડી સુરખી

આંખે ઝાંખપ નથી, ખૂલ્યાં છે અંતરપડળ

અનુભવથી ખીચોખીચ છે હવે સ્મૃતિ પટલ

બોખા મોંએ હાસ્ય વેરે જીવ્યાનો સંતોષ

બોલ બોલે બે, પણ શીખ બહુ અણમોલ

છૈયાં નાં છૈયાં માણે ગોળનું ગાડું સતત

પંચતંત્ર વાર્તા તો ક્યારેક બગીચાની સફર

ચામડીનાં તાળાં થઈ રખોપતાં એ ઘર

ધર્મ ધ્યાન અને ભક્તિથી ઊજળે ધરોહર

વનરાવન છે રુડું

વનરાવન છે રૂડું

મારાં છે એની દરકાર રાખું છું
        એમની ખુશીમાં મારું વજૂદ રાખું છું
જ્યારે મળીએ છીએ 'અમે' બધાં
        સંભાળનું રૂપ ધરું ને ખુદને ગમું છું, 

સ્ત્રીના રૂપ છે અનેક ભલે પણ

ગૃહિણી છું,ઘરની શોભા બનું છું. 


જોડાયા છે જે લાગણીના તંતુ વડે
        તેની જ દિલમાં સરકાર રાખું છું
બે ઘડી મળો તો ભવનું ભાથું દઉં બાંધી
        પ્રેમ આપવા કર્ણનું રૂપ લઈ લઉં છું 


સ્ત્રીના રૂપ છે અનેક ભલે પણ

ગૃહિણી છું,ઘરની શોભા બનું છું. 


લાગે જો માઠું મારાં વહાલાઓને
       મનામણી તો ઠાંસોઠાંસ રાખું છું
નજર ફેરવીને ચાલે મારાં જ કોઈ દિ'
        રાહ જોવાની રીત યથાવત રાખું છું 

સ્ત્રીના રૂપ છે અનેક ભલે પણ

ગૃહિણી છું ઘરની શોભા બનું છું. 

પ્રેમનો ધોધ બનું, સંભાળ સૌની રાખું

ઘર મારું સામ્રાજ્ય, સદા સુઘડ રાખું

ઈશ્વર પણ આવી જાય પરોણો થઈ
      મહેમાનગતિ એવી લાજવાબ રાખું છું
(c) અર્ચિતા દીપક પંડ્યા

છલના

લાગ્યું ખોટું ને છોડ્યું ઘર
ત્યારે ખબર પડી કે
એ આકરાં વેણ
પાછળ કેટલો પ્રેમ છૂપાયેલો હતો!

તોડી નાંખ્યું દિલ ને સંબંધ પણ
ત્યારે ખબર પડી કે
બેદિલી બેરુખી
પાછળ જીદ છૂપાયેલી હતી!

અગ્રાહજ થઈ ભેટ કરી બાતલ
ત્યારે ખબર પડી કે
કૂણાં વ્યવહાર
પાછળ સ્વમાન છૂપાયેલું હતું!

સોટીના સોળ ઉઘડી બોલ્યાં
ત્યારે ખબર પડી કે
શિસ્ત ને કડકાઈ
પાછળ શિક્ષણ છૂપાયેલું હતું!

દુનિયામાં બધું જે દેખાય
એ અનુભવ થાય
ત્યારે જ ખબર પડે કે
વાસ્તવે રૂપ જૂદું છૂપાયેલું હતું!
(c) #Archayit અર્ચિતા દીપક પંડ્યા