Monday, 19 December 2016

નવો જેન્તી

[12/9, 10:02 AM] Journey: નવો જેન્તી જોખમ, નજરોનજર

અમારા મિત્ર, શૈલેન્દ્રભાઇનો પટાવાળો, જેન્તી... સ્હેજ કાળો અને બેઠી દડીનો.હસતો ચહેરો લઇ  આખો દિવસ લગભગ ગબડતો હોય. ઉત્સાહી પણ ધણો એટલે એને ગબડવાનાં કારણો પણ મળી રહે! નજર એની શિયાળ જેવી, ક્યાં એનો ભાગ ઉઘરાવવાનો સમય આવી ગયો એ તક ને સૂંઘતી રહે. ઓફિસમાં બહુ મોડે મોડે એના સાહેબની જાણ માં આવેલું કે જે ક્લાયન્ટ ટીપ ન આપે તો એને એ જ્યારે પણ આવે ત્યારે શિયાળામાં ઠંડી ચા અને ઉનાળામાં ગરમ ચા એમને સર્વ કરે!!!!!!
ભોગ લાગે એ ચા ની એ જો ટીકા  કરે તો બીજી વાર ખાંડ વગરનું લીંબુ નું શરબત જ મળે... એ દિવસે દૂધ બગડી જાય!
પણ એવું નહીં કે કામચોર, પણ એની રીત ગજબ અનોખી.  અમારા એ જ  મિત્ર ને ત્યાં પાર્ટી હતી અને સંગીતનો જલસો હતો. જેન્તી  ખુરશીઓ ગોઠવતો હતો. અને  અચાનક એમનું ધ્યાન ગયું કે છેલ્લા સર્કલ માં જેન્તી ઊંધી ખુરશીઓ ગોઠવી રહ્યો  છે. અને એ બરાડી ઊઠ્યા ;પણ જેન્તી એ તો ઠંડા કલેજે જવાબ આપ્યો કે જેને ન  સાંભળવું હોય એને માટે પણ  વ્યવસ્થા રાખવી પડે ને? શૈલેન્દ્રભાઇનાં માથાનાં વાળ ખેંચાઈ ગયા!
[12/9, 10:02 AM] Journey: એક વખત થોડા મહેમાનો એમને ત્યાં શનિ-રવિ રહેવા આવવાનાં હતાં. જેન્તી એકદમ ઉત્સાહિત. હા, અને એ કહેવાનું તો રહી જ ગયું કે રસોઈ બનાવવાનો ભયંકર શોખીન. અને એ જોઈ ગયો કે બગીચામાં કાચું પપૈયું ઉગ્યું છે. બસ, એના સાહેબનો જીવ ખાઇ ગયો કે ગમે તેને મોકલી ફાફડા મંગાવી દો મારે પપૈયાની છીણ (ચટણી) મહેમાનો માટે  બનાવવી જ છે! શૈલેન્દ્રભાઇના  ડ્રાઇવરને મોકલવો જ પડ્યો. પણ લોકો એ વખાણી વખાણી છીણ ફાફડા જોડે  ખાધી.અને લોકોએ કબૂલ કર્યું કે ફાફડા કરતાં ય છીણ સરસ! અને એના જોશમાં જેન્તી અઠવાડિયું હવામાં રહ્યો.
કામગરો અને લાગણી વાળો. શૈલેન્દ્રભાઇએ એનું મકાન વેંચાયું એની પરાણે સમજાવી ને ફીક્સ ડીપોઝીટ બનાવડાવી  હતી જેથી ભવિષ્યમાં એને કામ લાગે. નાની રકમ પણ આ રીતે પ્લાનિંગ થાય તો ઉપયોગી થઈ જાય એવો એમનો આશય. અને થોડા વખતમાં જ શૈલેન્દ્રભાઇના ઘરે પ્રસંગ લેવાયો ત્યારે  તે પ્રસંગે એણે વિનંતી કરી હતી કે જરૂર પડે મારી પાસેની એફડી તોડી કાઢશું પણ જમણવાર જોરદાર કરવાનો છે!!!!!!
આવા જેન્તી ભાઈના બીજા  કંઇક કરતૂત ફરી કોઈવાર.
          અર્ચિતા દીપક પંડ્યા

આંખ

આંખ

શમણાં લઇ રહેવું, નમણાં થઇ રહેવું ;

અમારે આંખ રહી, બસ મૌન થઇ વહેવું.

હૈયા ઝૂલે હીલોળે, તો યે ચૂપ્પી સાધવું,

હરખ હોય કે ગમ, આંસુ એક વહાવું.

વાત કોઇ છટકી પાંપણની કેદ વચાળે

તો મીઠાં સ્મિતના ઇજન પીયુને વંચાવું.

જબાન ન બોલી એ કહી દીધું મૌનથી

ભાષાનો ભાર ન જરી અમથો વરતાવું.

સજળ છું, ચંચળ છું ને છું  નખરાળી

પણ ભેદ કૈંક ઊંડા, તો ય  ખુદમાં છૂપાવું

મન મીત મારાં એટલું કહે કે તારા પછી

આ આંખમાં કેટ કેટલું હવે સમાવવું?

               અર્ચિતા દીપક પંડ્યા

Monday, 12 December 2016

કન્યા ની વાત

કન્યા ની વાત

મારી ચુંદડીની કોર જરી ઢળતી જ રાખજે, મારી મા...
આ પિયરની રજ છો ને ભેગી આવશે....
ઝાંઝર ઉસેટી લેશે બચપનનો ગોકીરો
ઝમકીને રોજ મને પિયર સંભરાવશે
ને ચૂડી લઇ આવશે ઉંમરની સોજ
રણકીને માવતરની મીઠી યાદ આપશે
અંબોડો ગૂંથે તો ગૂંથી દે સાથે  વ્હાલપ તારૂં
કૂણાં હાથ તારા મને રોજ હૂંફાવશે
પાલવ ઉતાર્યો તેં લાંબો લસરકો
એ શાણપણ સારા હૈયે ઉતારશે
ભાલે ચમકે કુમકુમ કેરો ચાંલ્લો
મારી સાથ સુહાગ સોહાવશે
કમખે કોળ્યા નવતર સપનાં ઓ
હવે થઇ નવોઢા દીકરી ચાલશે
નાનકડી ઢીંગલી ચાલી તારી સાસરવાટે
હવે ગૃહલક્ષ્મી થઈ જીવતર ઉજાળશે.
    અર્ચિતા દીપક પંડ્યા