Friday, 29 June 2018

અસવાર


અસવાર

હા, અસવાર છું
જીવન નામનાં ઘોડા પર!
છે ચાબૂક મનોબળની
અને શ્રદ્ધાનું જીન વળી!
જાગ્યો, ત્યારની
આ સફર છે શરુ અહીં.
વટાવ્યા અનેક મુકામ
બાળપણ, યુવાની અને જરા
જીવનની ચાલ પણ
ધીમી થઈ છે જરા!
કહે છે એની હાંફ
થોડું અટકીને દોડ
સફરમાં હવે ગ્રહીને દોડ!
છોડી તું બધા બોજ,
મન મૂકીને દોડ!
મંઝિલ આવશે જેમ નજીક
છોડાવશે સામાન કંઈક!
સાથે રહેશે માત્ર
અનુભવનું ભાથું!
માણીને હર સંવેગ
છોડતાં શીખવાનું!
છું માત્ર અસવાર
જીવનનાં ઘોડા પર...
આખરી મંઝિલ એ તો
અંત જ, હર પળ જાણવાનું!
©અર્ચિતા દીપક પંડ્યા

ચોમાસું *

ચોમાસું

મારે બેઠું તો એવું ચોમાસું, બેઠું બારેમાસ
આંખે હેલી,મોસમ ભૂલી,વહે બારેમાસ

હરખું તો નયન ભીનાં ને દુઃખમાં ચોધાર
નદી ઊમટે જાણે, નયનનગરમાં વારંવાર

મેઘ જેવું દલડું આર્દ્ર,નાજુક ખરું, અતાગ
ન માને ક'દિ, છો સમજાવું હું લગાતાર!

છે નાની હથેળી પણ દિલ દરિયો અગાધ
સંવેદન ભર્યા ભીડે માંહે વર્તન તો અમાપ

આંખ વહે વાતો દિલની, અશ્રુ અસવાર
જીહ્વા વદે વાત કોઈ આંખ જ રહે પ્રમાણ

સુખ દુઃખ શોક માં નથી અશ્રુમાં અલગાવ
પાણી શાં પારદર્શક ને ઘેરો એનો બહાવ
                     ©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 27 June 2018

સૌભાગ્ય

સૌભાગ્ય

વટવૃક્ષની પ્રદક્ષિણા
કે કડવા ચોથે
ચંદ્રદર્શન કરતાં
હું તો નિત નિત
એ જ શ્રદ્ધાથી
હરખાઉં
કે આપણું મિલન
પ્રેમથી નિતરતી એક
અલબેલી દુનિયા
માટે જ થયું છે...
અને તું એ
પ્રદર્શિત કરે કે
ન કરે, પણ
મને ખબર છે
તું એટલે
મારી સંવેદનાના
તાણાવાણાંથી
ગૂંથાયેલ
એવું ચીર
જેને ચુંદડી ગણી
મારા અસ્તિત્વને
દીપાવું છું.
મારા શણગાર
મારા અસ્તિત્વનો જ
ભાગ છે,
પણ
તારા પ્રેમથી
સીંચાયેલ મારું મન
મારા હોવાપણાંના
આનંદ ને પ્રગટ કરે છે.
©અર્ચિતા દીપક પંડ્યા

મિજાજ વરસાદી *

મિજાજ વરસાદી

બુંદ વરસે વરસાદી, ને કેડી મલકે,
સનમનું પગલું લઈ છાપ જો ચમકે.

અલકલટે વાદળ,ને વીજળી ઝબકે,
મોસમ આજ મારે, હૈયે જો ધબકે.

મિજાજ ઝીણી ઝાલ્લર થઈ રણકે,
સાજન સાજન કહીને મન જો ટળકે.

ઝીણી ઝીણી આશા મનમાં ફણગે,
ઊંડે ઊંડે કુમળી લાગણી જો શણગે.

ઝીણી ધાર હવે ઝરમર થઈને રમકે,
વરસાદ થઈ અંતરનો સાદ જો ધમકે.
©અર્ચિતા દીપક પંડ્યા

વરસાદ

વરસાદ
રોકાઈને રહ્યો છે,
મારી ઈચ્છાની જેમ.
કદાચ
તું આવે તો,
એ પણ વરસી જાય
મારી જેમ!
©અર્ચિતા દીપક પંડ્યા

બદલાવ

બદલાવ

મોસમ બદલાશે
અને, હું પણ
ફરક એટલો કે
હું હર મુકામે
વધુ પ્રગાઢ
થાઉં છું.
મારી સંવેદના
મારો પ્રેમ
મારી અનુભૂતિ
ધીરે ધીરે
બળવત્તર થાય છે,
મારા કાળા વાળ
જેમ વધુ ને વધુ
સફેદ થઈ રહ્યા છે..
જિંદગી સાથે
એક પરિપક્વ પ્રેમ થઈ રહ્યો છે.
અને એક વખત
કુદરત પણ
એક નામ, એક અસ્તિત્ત્વ
એવા એક ખાતાને
કાયમી ક્લોઝ કરશે
શ્વાસની ચાવીથી
અને અઢળક અનુભવો
સાથે હું પોતે
અદ્રશ્ય થઈ જઈશ....
ધીરે ધીરે
લોકોની સ્મૃતિમાંથી પણ...
નવું નામ મળશે
ત્યારે 'હું ' એ જ ' હું' હશે કે?....
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 25 June 2018

આંખને

આંખને

આંખને
ખાસ સૂચન છે
અહીં કાયમી

દિલની ગુફતેગુ
બયાન
ન કરવા માટે

દર્દ વરાળ થઈ
છો થાય જમા
મનની છતે

એકવાર તો વરસી
કરી લેશે,
કરશે શાંત, બસ;
હૈયાની હોળીને!
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 21 June 2018

અને એણે

અને એણે

અને એણે
રડ્યા જ કર્યું...
કેમ નહીં?
શબ્દબાણ હતાં,
પીડકર હતાં.

અને હતું
સામે પક્ષે પણ
કેટલું દુઃખ?
કારણ એ પણ
ક્રોધાગ્નિ તો હતો!

ડાઘ બંનેના જીવ પર લાગતો હતો!
પણ અનુભૂતિએ દ્રષ્ટિને મ્હાત કરી હતી!
©અર્ચિતા દીપક પંડ્યા

શું કામ? *

     શું કામ?

મદહોશીમાં કરું એકરાર
      એવી દિવાનગીનું શું કામ?
હોશમાં કરું ખુદને પેશ
      દિલની પરવાનગીનું કામ

સફર છે અને તય છે મંઝિલ
      ખાલી હમકદમનું શું કામ?
કરું દુઆ દરિયો પાર કરવાની
       તો બનો હમદમ ખરૂં કામ.

હામી મળે હર વાતે જો
      એ હમખયાલનું શું કામ?
કરૂં હું કોઈવાર જો નાની ભૂલ
       ટોકવું, એ દોસ્તનું ખરું કામ.

દુનિયા બનાવી ઓઝલ રહો
         એ ખુદાઈનું શું છે કામ?
જોઉં જો કોઈની મુસ્કાનમાં
      તો એ છે ખરું દિદારનું કામ!
©અર્ચિતા દીપક પંડ્યા


      

Sunday, 17 June 2018

વહાલુડાને


             વહાલુડાને

તારી પગલી નાની, તને દૂર લઈ જશે
              નહોતી ખબર!
રમતો જે ખોળો ખૂંદી , દૂર દેશે વસી જશે
               નહોતી ખબર!
નાની આંખની કીકી,સપનાં સેવી લેશે
                નહોતી ખબર!
ફળિયું લાંઘી જલ્દી, દુનિયા ફરી લેશે
                નહોતી ખબર!
અણગમા છોડી,મન મોકળું કરી લેશે
                 નહોતી ખબર!
ખબર એટલી જ છે, લાલ, હું જાણું છું

કસોટી સાંગોપાંગ પાર કરી લેશે
આસ્તિક બની આશિષ લઇ લેશે
પ્રેમ વહેંચશે અને પ્રેમ પામી લેશે
જીવશે મન ભરીને 'ને નામના મેળવી લેશે
             બસ, એટલી ખબર!
             બસ, એટલી ખબર!
©અર્ચિતા દીપક પંડ્યા
          

Friday, 15 June 2018

મુક્તપંખી

મુક્તપંખી

તું  છે  મુક્તપંખી, મારૂં મુક્તપંખી
વિહરજે જરુર ઊંચા આકાશમાં
           તું છે મુક્તપંખી

તારી પાંખો, તારું બળ
તું શોધી લે તારું ગગન
હું બનું અનુકૂળ પવન
ઊડવામાં તને કરું મદદ
             તું છે મુક્તપંખી

પ્રેમ મારો ન પાશ બને ક'દિ
દિલ ઊભરાય મારું પ્રેમથી
કરું ઝંખના તારા સ્વતંત્રતાની
ખેવના તારી મુક્ત ઊડાનની
             તું છે મુક્તપંખી

તારા સુખે હૈયું હેલે હરખથી
શુભ કામના વરસાવું મનથી
તાર જોડાયો તારા દિલથી
આંખે છલકે અમી દિદારથી
           તું છે મુક્તપંખી
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 14 June 2018

વિટંબણા *


         વિટંબણા

વિલાઈ ગયા પછી
           પુષ્પ, એ પુષ્પ ક્યાં છે?
મારામાં જો શ્ચાસ નથી
           તો અસ્તિત્વ ક્યાં છે?

રંગો ફેલાય આકાશમાં
           તો કુદરતની કરામત છે,
પણ જમીન પર વિખેરાય
            તો મેઘધનુષ ક્યાં છે?

વસંતમાં આંબાડાળ પર
          ગુલતાન રહી ગાય છે,
ઝરણાં નું છે ભલે સંગીત 
          તો એ કોકિલ ક્યાં છે?

અજવાળું આપે સૌને
        જીવન એની બક્ષિસ છે
દીપક ટમટમીને ખુદ પ્રકાશે
         તો એ સૂરજ ક્યાં છે?

નીકળો એની આરપાર
       ભીંજાયા વિના નામુમકીન
ભીંજવે છે સદા યાદો પણ
      તો એ વરસાદ ક્યાં છે?
©અર્ચિતા દીપક પંડ્યા
         

       
       
        

Wednesday, 13 June 2018

Kotdi

કેમ બોલવું સરેઆમ ?
ક્યારેક તો એ
વ્યથા છે
ક્યારેક
મીઠી મૂંઝવણ!
પણ, ગોપનીય રાખવું
એ આપણી જાતને
અપાતી સજા છે!
'હું' ને પ્રગટ થતાં
ઊભા થતાં
અવરોધો છે!
નિરાવરણ થવા આત્મા
એક બંધ
જગ્યા શોધે છે!
અને
મિત્રોનું હ્રદય
એવી જ
એક બંધ
સુરક્ષિત કોટડી છે!!!
©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 12 June 2018

તમે માનો કે ન માનો*#

તમે માનો કે ન માનો

લોહીનો સંબંધ
તો બોલે જ
સંબંધોની દુનિયામાં
દિલનો સંબંધ
પણ
અનુભવાય તો સારું.

સંબંધને નામ આપી દો
તો ફરજિયાત છે,
બંધનમાં રહેવું...
વગર બંધને જોડતો
સંબંધનો તાર
પણ
અનુભવાય તો સારું.

એ માંગે અને
તું ન્યોછાવર થવા
છે તૈયાર
જો એ માંગણી
વગર બોલે
પણ
અનુભવાય તો સારું.

દરરોજ રહીને સાથે
માણીએ ઐક્ય
ક્યાં નવાઈ?
રહીએ જૂદા છતાં
ઐક્ય
પણ
અનુભવાય તો સારું.
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 11 June 2018

કાંઈક ખાસ

કંઈક ખાસ

વારંવાર જોઉં
તારીખીયું ફેરવી ફેરવીને
કેમ આજે તહેવાર જેવું લાગે?
તિથિ, દિન, વાર બધું
કંઈ વિશેષ કેમ લાગે?
ઊગ્યો સૂરજ,
'ને એ ય
મીઠું હસતો લાગ્યો!
મર્માળુ કંઈક મલકતો લાગ્યો!
છાની અંતરની વાત
એ પણ સમજતો લાગ્યો!
કહ્યું મેં ;" કેમ રે! મજાક કરે છે?"
હૂંફાળું એ હસ્યો
' ને સોનેરી કિરણો
થોડાક વેરાયાં... અવાજ આવ્યો;
"સવાર તો હું આવી જ ઊગાડું છું રોજ;
   થોડીક તારા મનમાં પણ રોજ
   ખુશી ઊગાડવાની આદત રાખ!"
©અર્ચિતા દીપક પંડ્યા

Thursday, 7 June 2018

કહેવા દે*


આજે કહેવા દે

દિલ ખોલીને આજે મારે કહેવું છે,કહેવા દે.
પ્રેમમાં બસ આજે મારે વહેવું છે,વહેવા દે.

ખુશી તો આદત છે, હર દશા સાથે જીવવામાં
મનને ગમે છે સદા ખુશ રહેવું,રહેવા દે.

ધીરજ હજૂ ઓછી પડે છે,દર્દને સહેવામાં
પથ્થર થઈ હવે એને સહેવું છે, સહેવા દે.

એને મુકામ જ ગણ્યો,અમે મોત મેળવવામાં,
આવકારના વેણમાં જ કહેવું છે,કહેવા
દે.

બોજ વધી ગયો દિલનો,તો છે આંસુ વહેવામાં
હળવાશ કરવા એને વહેવું છે,વહેવા દે.

દોષ બતાવીને કહું છું જો હું,આકરા અવાજમાં
હિતેચ્છુ છું તારો એટલે તો કહું છું, કહેવા દે

ઈશ્વર દોરે છે અહીં સૌ ને સંકેતની વાણીમાં,
દૈવી સંદેશાને ધીરેથી કહેવું છે, કહેવા દે.
©અર્ચિતા દીપક પંડ્યા

Wednesday, 6 June 2018

Tay karva de*

તય કરવા દે

ક્યાંથી તોડવું છે ક્યાં જોડવું, એ તય કરવા દે,
શું ખપશે આ નામ સાથે, એ  તય કરવા દે.


હોમાઈ જાય  શખ્સિયત ટેરવાં ઘસી ઘસીને
એવી જાળમાંથી મને, આબાદ  છૂટવા દે

સંજોગો તો લોહીમાં ગરમી શમાવી દે અંતે

ખુદને થઈ તણખો ચિનગારી હવે ચાંપવા દે

સમજ મોટી થઈ ગઈ છે આજે ઉંમરને બદલે

હવે  પળિયાંમાં  બાળપણને ઉગવા દે


ભીની લાગણી  ગુલદસ્તો બની ગઈ છે
જીવનની ફૂલવાડીમાં કાયમી ગોઠવવા  દે


તરસ છિપાવવી ,દરિયાની શું મગદૂર છે? 
મીઠું ઝરણ હોવાનો  હવે મને ગર્વ કરવા દે. 
©અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 5 June 2018

Mitrta

મિત્રતા

છે કેટલાં બધાં મિત્રો મારે તો બધી ઉંમરના
તો ય લાગે છે અડવું મને તો હમણાં હમણાં
અમે સતત વોટ્સ એપ સંદેશા મોકલવાના
તાલી પાડવાના 'ને અંગૂઠો પણ મોકલવાના
એફબી ઈન્સ્ટા ઉપર પણ ધૂમ તો મચાવવાના
જોડે આખો દિવસ અમને સોશિયલ મીડિયા
તો ય ઘેરે છે હળવી ઉદાસી ક'દિક હતાશા
દૂર દૂર લાગતાં સહુ, સંદેશ મોકલ્યા છતાં
મળે એકવાર હાથ મેળવી હસતાં હસતાં
મિત્ર,બદલાઈ જાય મિજાજ  'ને થાય જલસા
દોસ્તની હાજરી આપે  ઉત્સાહી જોશ જીવનમાં
મિત્રો સાથે ગોઠડી તો જાણે હર દર્દની દવા.
©અર્ચિતા દીપક પંડ્યા

Monday, 4 June 2018

Aam kar


આમ કર

અક્ષરોમાં તોળવાનું મૂકી હવે તું વાત કર
કરવી જ હોય વાત લાગણીની તો કામ કર
મૂક ભલે રહે મેળવી લે નજરથી નજર
મળશે આંખ્યું તો વાત વહેશે  અંદરોઅંદર
ઉપદેશે સહુ પંડિત, '' આમ કર, તેમ કર"
પણ દિલ કહે સાચું તું ઝાઝો વિચાર ન કર
ઉપરવાળો કહે તો જ ધબકે, નહીં તો નહીં
દિલને જ પ્રભુનો સાચો સાગરિત તું સમજ
કુદરતનાં જ છોરું મદાર એની પર કર
હર દિલમાં બેઠો રામ એનો તું લિહાજ કર
વાત મારી છે એટલે માન, ન એવી વાત કર
જે ઊગે છે તારા હૈયામાં એને જ સલામ કર
©અર્ચિતા દીપક પંડ્યા

Varsad

વરસાદ

મેઘે આણ્યો શીતળ તરલ નટખટ મેહુલો
સરસર ફરફર પડતો રહે એકધારો
વરસાદની હર બુંદે કોઈ પ્રેમનો સંદેશો
વીંઝાતી હવા કરતી એમાં હામી અને હોંકારો
ભીનાં ભીનાં પાંદડાં પર ચમકી રહ્યો ઓછાયો
એને થયો ચસચસતાં ચુંબનનો મુહાવરો
શરમાયા ફરીથી  જ્યારે પવને મારી થપાટો
જાણે 'કો મુગ્ધાના ગાલે  રેલાયો શરમશેરડો
ભ્રમર પણ વાંચ્છે છે ફૂલોનો કૂણો સથવારો
ભીની ભીની સુગંધ ફેલાવે  મલંગ અલબેલો
નિશિથના તીર જાણે, વાગે છે વરસાદી બુંદો
પિયુ  કસે પ્રિયાને બાથમાં જાગે એવા ઉમંગો
ઋતુ બધી અનોખી, વર્ષાનો પ્રભાવ છે જૂદેરો
નવોઢા ધરતી  'ને તાણ્યો  એણે હરિત ઘૂમટો!
   ©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 1 June 2018

તો માનું*

તું આવે

તું આવે બધાં બંધ તોડી, તો સાચું,
દિલ જોડે તું દર્દ છોડી, તો માનું.

શબ્દોથી તો વાત સૌ કરે, અહીંયા,
આંખ મેળવી જો સમજે, તો માનું.

સંગાથી તારા હશે ઘણા, રાહમાં,
કદમ કદમ મેળવે, તો માનું.

અટક્યાં નજર મેળવી, છો તમે,
અવિરત જો મને મળો, તો માનું.

જીવન છે માંગું સંગાથ, તમારો
મોત લગી મળતાં રહો, તો માનું.
    ©અર્ચિતા દીપક પંડ્યા

દરિયો

દરિયો

એ હતો દરિયો
વિશાળ અને ગહન
અવાજ એનો ઘેરો
સદા કરતો મનન
તળેટીની ઊથલપાથલો
વચ્ચે સતત ગૂંજતું તળ
ચાંદ પૂનમે અગર ખીલતો
તો ઝંખતો કોઈ નદીનું ઝરણ
આવી નદી મળે જો એને તો
શાંત થાય એની શીતળ અગન
નહીંતર કેમ કરી કરતો દરિયો
નદીના  મિલનનો પ્રબંધ?
કેમ આપ્યો કુદરતે કિનારો,
જો મોજાં - ભરતી ભર્યાં'તાં ભીતર?
કે થઈ બેબસ ઝૂરવું જલવું,' ને સાક્ષી ચાંદો
એજ બસ કર્યું હતું  નિયત?
  ©અર્ચિતા દીપક પંડ્યા