સૌભાગ્ય
વટવૃક્ષની પ્રદક્ષિણા
કે કડવા ચોથે
ચંદ્રદર્શન કરતાં
હું તો નિત નિત
એ જ શ્રદ્ધાથી
હરખાઉં
કે આપણું મિલન
પ્રેમથી નિતરતી એક
અલબેલી દુનિયા
માટે જ થયું છે...
અને તું એ
પ્રદર્શિત કરે કે
ન કરે, પણ
મને ખબર છે
તું એટલે
મારી સંવેદનાના
તાણાવાણાંથી
ગૂંથાયેલ
એવું ચીર
જેને ચુંદડી ગણી
મારા અસ્તિત્વને
દીપાવું છું.
મારા શણગાર
મારા અસ્તિત્વનો જ
ભાગ છે,
પણ
તારા પ્રેમથી
સીંચાયેલ મારું મન
મારા હોવાપણાંના
આનંદ ને પ્રગટ કરે છે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment