Saturday, 9 January 2021

સમય નથી?

"સમય નથી?"
સમજી શકાય એમ છે,
દુનિયામાં કેટલાં કામ 
આપણી રાહ જોતાં ઊભાં છે?

અને બને કે સમય હોય,
કદાચ સમય જ સમય ;
પણ મારા વિશે વિચારી શકે
એવી માનસિક સ્થિતિ ન હોય,

આ જીવન છે,
અનેક રંગોનું મેઘ ધનુષ છે;
મને ખાલી એટલી વાત પણ
આનંદ અપાવે  છે,

કે એ બધી વ્યસ્તતાના અલગ અલગ રંગમાં
 મારો પણ એક રંગ છે, 
જે તારો ગમતો રંગ છે, 
જે તારા જીવનને રંગીન બનાવે છે!
© અર્ચિતા દીપક પંડ્યા

અમારી લજ્જા

અમારી લજ્જા 

અમે હોઠ સીવી લીધા
તમે જાણ્યું કે 
અમે બોલીએ જ નહીં;

અમે નજરઅંદાજ કર્યું ઘણું
તો તમે માન્યું કે
અમે જોઈ શકીએ જ નહિ;

અમે ઈચ્છ્યું જ નહીં બીજું
તો તમે માન્યું કે 
અમે કશું  માંગીએ જ નહીં;

અમે પ્રેમ પણ માંગી ન શક્યા

તમે પણ માની લીધું
અમે તો ખુશ અને સાબૂત જ છીએ!

જરા નજાકતથી અડજો
આ પૂતળાને
અંદરથી એ ચૂર ચૂર છે!

અર્ચિતા દીપક પંડ્યા

બારી છોડ!

બારી છોડ!

કશું આપ્યું તને એણે આજ લગી? 
હવે તું છોડ, આ બારી! 
શું આપશે તને એ?
સપનાં આંખોમાં ?
ભ્રમણા મનમાં? 
રોજેરોજ ભરમાવશે, 
ને દઈ જશે હાથતાળી
તું છોડ આવી બારી! 

બારી મોટો ભ્રમ છે! 
કેદ ન હોવાનો વહેમ છે! 
આંખો જુએ છે એમાંથી રોજ
ખુલ્લાં આકાશમાં ઊગતી મોજ, 
ક્યાં ખબર કે એની પણ લણણી થાય છે! 
ઊભા પાકની જેમ એની પણ કાપણી થાય છે! 

સણસણતું તીર કોઈ વાઢી જશે, 
હવામાં વહેતી ખબર ચાતરી જાશે! 
જ્યારે, 
ખબર આવશે કે 
તારા માટે બારી છે જ નહીં
એ તો હવા ઉજાસ માટે સાધન છે, 

પણ તું હવે તારા માટે દરવાજા શોધ
તારી હયાતિના ઊગે મોલ
એવા ખેતરો શોધ.... 
નહીં તો
ઊગાડ એક પાંખ ઉર્જા વાળી
અને છોડ પથરાળી ભૂમિ

તારે જાવું ઊગમણે દેશ રૂડાં
કર સંધાન હવે તું અવનવા! 
નારી ખરી થા નારાયણી! 
જનેતાને કોઈ ન હોય બેડી! 
©અર્ચિતા દીપક પંડ્યા

કૃપાળુ!

કૃપાળુ! 

તું આવી જ જાય છે! 
દસ્તક આપ્યા વગર
હ્રદયના દ્વારથી
વારંવાર...

લાગે છે કે
અંત આવી ગયો
એ લગાતાર  પ્રતીક્ષાનો
અને અનુભવનું સામ્રાજ્ય...

મને મારામાં જ ઓગાળી
જાણે નવા બીબામાં ઢાળું છું
તારી સુગંધ ઊમેરીને
નવતર આપણે જાણે!...

ડર લાગે કે તું જતો ન રહે!
પણ ખરું કહું કે
જ્યારે હું વિચલિત થાઉં
ત્યારે જ તું નથી!!!!!... 

બાકી તું છે અહીં જ
મારા અસ્તિત્વ સાથે
પ્રાણ બનીને સંગાથે
ઈચ્છું અનુભવું શ્વાસે શ્વાસે...
©અર્ચિતા દીપક પંડ્યા

હું

હું.... 

પૂર આવી ગયા 
પછી
વહી ગયેલાં પાણી
અને જૂજ
અવશેષોની જેમ જ 

ઉંમરના બહાવ સાથે
બાળપણ, મુગ્ધાવસ્થા અને
યૌવન તણાઈ ગયાં  છે
મારા વ્યક્તિત્વમાંથી,

પણ અવશેષોમાંથી
હું ફરી પાછી
મને સંકોરું છું.
ફિનિક્સ ની જેમ 
ફરી ઉડું છું,

સૂર્યરૂપી ધ્યેય
તરફ.
જીવન છે;
હા, જીવન છે, 

જ્યાં સુધી 
મારા શ્વાસ
મારા અસ્તિત્વને 
નિખારે છે.
© અર્ચિતા દીપક પંડ્યા

Tuesday, 5 January 2021

રક્ષાબંધને

   
                રક્ષાબંધને

ભાઈ મારા..
રેશમના ચાર તાંતણાં
બાંધુ તારા કાંડે
દર વર્ષે 
રક્ષા બંધને
ત્યારે ધીમું છેક હળવેથી
તારા કાન પાસે
હું બોલું છું..
આપણે સંતાન એક માના 
તું વંશ આપણાં પિતાનો, 
લાડકવાયો 
આપણી વહાલી બહેનનો  પણ.. 
પપ્પા પછી તું કુટુંબની ઓળખાણ
થોડી ઢીલી પડેલી માનો સથવાર .. 

ચાર તાંતણાંથી તું બંધાઈ નથી જતો
મારા વહાલુડા વિરા! 
પણ.. તારો પ્રેમ, સમજણ, કૌશલ્ય 
અમને બાંધી રાખે છે! 
અને હૈયું સતત
આશીર્વાદ આપે છે...
એક દિવસ એ તો નિમિત્ત છે..
પણ હર એક બહેન
ભાઈના સુખની
વાંચ્છના એક સરખી રીતે
દરરોજ કરે જ છે...
શુભં ભવતુ..
©અર્ચિતા દીપક પંડ્યા 

કોરોના

કોરોના

નાસ વારંવાર, 
પ્રક્ષાલન લગાતાર, 
'કાઢો' ફરી ફરી, 
પ્રતિકારક શક્તિ- અત્યંત જરૂરી, 
સ્પર્શનો ભય, 
શ્વાસનો ભય, 
સંપર્ક નહીં, સંસર્ગ પણ નહીં જ ને?

છે આ મહામારી ની મજબૂરી. 
છે આવશ્યક દૂરી, 
જો થઈ ચૂક થોડી, 
ચૌદ  દિવસનો  'વનવાસ' જરૂરી. 
ભય ત્યારે પોતાના હોવાનો છે?, 
કે ભય નહીં રહેવાનો છે? 

લાચારી છે, 
નબળાઈ છે, 
સ્વાદ ગંધની ખામી છે.
છે દૂર બધાં જેમણે 
હંમેશા આંગળી થામી છે.

એ પણ  ન બચ્યાં, 
ભલે ને નામી છે.
 નામ નહોતાં
એ ય ગયા
કંઈ કેટલાંયે
સંક્રમિત થયા..

સ્પર્શ ક્યારે? કયો?કદાચ, 
એનો.. 
સંક્રમિતનો.. 
જો પછી
ધ્રૂજે થરથર
કેવાં રે મન?
મારે મારી સાથે જ રહેવાનું? 
એ સજા કેમ કરી વેઠવાનું? 

મને મારી આદત નથી
એકલપણું શું સાહસ નથી? 
પણ
ધીરે ધીરે ટેવાયો છું, 
મનથી જ મનને સમજાવાયો છું. 
આમ પણ તો તને
આવવામાં એકને, એકલું ન લાગ્યું 
તો
જવામાં એકલા, એકલું થોડું લાગવાનું? 
©અર્ચિતા દીપક પંડ્યા 
૫/૧૨/૨૦૨૦

પ્રિયતમને

પ્રિયતમને

મને મોરપીંછ, 
બંસી ને વૃંદાવન જેવો 
નાતો આપજે
તો હું પણ
રાધાની જેમ
પવિત્રતાથી
તારા હોવાપણાની બંસીથી
વિરહમાં પણ ટકી રહીશ. 

નહટગ હેંગઓવર

૨૬/૧૨/૨૦૨૦ 

આંખથી ઊડી ગયું નિંદર પંખી, ઊંચા આકાશે
પૂરીને હૈયે છલોછલ લાગણી, ભીંજવે આજે

મિત્રો સાથે મન મળ્યાં ને રહ્યાં પરિવાર બનીને
જાગે આશા, થશે બંધન અતૂટ,ભાવિ સાથે. 

સંતાનપ્રેમ ભીંજવે સુખની લીલી વાડી બનીને
ગૌરવ જગાવે, દિલ પીગળાવે, હેતે હેલી કરીને

સ્વર્ગની વ્યાખ્યા, સુખની એષણા બધું એ પૂરે
મિત્રતાની ઝોળીમાં હવે અભાવ સઘળાં છૂટે! 

નહટગ, સાચે તારું આ રૂપ છે બહુ લોભામણું 
સંબંધ વિના સગાઈ,એ  છે  જીવનનું નજરાણું
©અર્ચિતા દીપક પંડ્યા