Sunday, 21 February 2021

ગઝલ

લગાગા લગાગા લગાગા લગા

છે યાદો સમંદર સરી જાઉં છું, 
લઈ રેતને પણ તરી જાઉં છું. 

કહે છે મને લોક અણઘડ જરી, 
ભરું શ્વાસ તો પણ મરી જાઉં છું,
 
મને જીરવે તો નહીં દૂરતા, 
ન જાણું શું કરતબ કરી જાઉં છું.

નિભાવી રસમ મેં મહેંદી તણી, 
થવા એક દિલથી ફરી જાઉં છું. 

નથી છૂટતી કોઈ વાતો એમાં, 
કથામાં બધું આવરી જાઉં છું. 

મળી જો મને એક ક્ષણ તો કહું, 
નયનમાં છબીને ભરી જાઉં છું. 

બનીને સિતારો ઝગું છું નભે, 
તમસને હવે આંતરી જાઉં છું.
©અર્ચિતા દીપક પંડ્યા