Sunday, 10 December 2023

માવઠું

માવઠું

મારે નહોતું આવવાનું, 
મને જરાય ઈચ્છા નહોતી!
અવકાશ અને ગોપિત અવસ્થા
મારું મનગમતું સ્થાન હતાં. 
એક દિવસ 
વાદળ બંધાયા, પવન ફૂંકાયો,
મારે વરસવું પડ્યું,
અસ્તિત્વ એ આકાર લઈ લીધો.
હું કશું ન હોવામાંથી
કશુંક બનીને
વરસવા લાગ્યો..
લોકોએ એને 'માવઠું' કીધું.
©અર્ચિયત

Sunday, 9 July 2023

ગુરુમૈત્રી

  ગુરુમૈત્રી 

ભાળું હું ક'દિક ઝાંખું જો
હાથ સ્હેજીને એ મને દોરે
મિત્રરૂપે ગુરુ કહું એમને કે
એ ગુરુ મિત્ર સમાન બને? 

નિત ઊગે મનમાં સૂર્ય જેમ
આદરનો લઈને અજવાશ
રોજેરોજ ગઠન થતું રહે છે
સ્નેહતણું અમ હૈયામાં ખાસ

ગૂંથાય મનતરંગ એક વિષયે
સમતરંગ બની એકમેક સાથ
ક્યારેક હું ચૂકું ક્ષણ સોનેરી
આંગળી ચીંધીને આપે ઉજાસ

વંદન ગુરુને હોય પણ કેમ ચૂકાય
હૂંફ મિત્રની હોય એ કેમ ભૂલાય?
સદનસીબ જ કહેવાય એ કોઈનું
જે બંને એક પાત્રમાં જ ઘૂંટાય. 

Saturday, 6 May 2023

મનગમતો પુરુષ

પુરુષ 

મારા મનની ઈચ્છા 
કે મનગમતા પુરુષ માટે 
મને ક્યારેય એવું ના થાય
કે એને મેં આવો નહોતો ધાર્યો!

એ પુરુષ જે હોય
અજાણ્યો છતાંય જાણીતો,
મને સમજતો,
જેમ એની આંખો
જોઈ હું એની ઈચ્છા ઓળખતી.
એના કડક મિજાજમાં
નરમ દિલની ધડકન હોય
અને
વિહ્વળતાથી એને જોઉં ત્યારે
આંખના પલકારે
મને શાંત કરતો હોય.

તકલીફોને ઝેલી લે,
માનવતા જીવી લે,
અનેકમાં એક થઈને મને આકર્ષે,
એ જાણીતો પુરુષ એટલે 
સદાય મારી સાથે રહે છે
એ તો નહિ?
©અર્ચિયત 

Thursday, 20 April 2023

કોઈ નથી

કોઈ નથી?

કોઈ નથી?
ના હોય!
ક્યાં ગઈ એ ટીકટીક સાથેની ટકટક? 
ને ચીકચીક કે ઘર કેમ નથી ચકાચક? 

કાંટા ફરે એમ કામ ફરે
પગ ઘરનાં હર ખૂણે દોડે. 
દૂધનાં ઉભરાને રોકું કે 
છલકાતી ટાંકીની મોટર બંધ કરું?

મારું જીવન એટલે ગાંઠઅંબોડામાં
ગોઠવાઈ ગયેલી રોજનીશી!
ન એ ખૂલે કે ન કામ ખૂટે!
સૌ સૌના મતમાં ઝૂલે. 

કોઈને હેલ્ધીફૂડનો આગ્રહ
કોઈ ડાયેટવાળા
 ને કોઈ વિધાઉટ શ્યુગર કે વિધાઉટ સૉલ્ટ
બધાંનું બરાબર, મારા જીવનનું નમકીન ખૂટે!

પણ તો યે સઘળાં મારાં દિલનાં ટુકડાં
એ ના હોય તો દિલ બોલે, 
"કેમ કોઈ નથી?"
બહુ દૂર ગયાં, રહ્યાં, હવે કોઈ નથી!
©અર્ચિતા દીપક પંડ્યા

Friday, 14 April 2023

હિંચકો

હું હિંચકે ઝૂલું 
કે આવે
તારી યાદ! 

વીત્યા અને વર્તમાનમાં
વીંઝાઉ જો જોઉં એની ચાલ,
તારૂં આવ્યાનું સ્મરણ ઝીલું
ત્યાં કઠે તારા ગયાની વાત, 

હજુ 'કેમ મોડું?'નો ઉત્તર માંગુ
ત્યાં એ દક્ષિણ તરફ ભાગે!
ગતિના સાથી, સ્મરણો સંગાથી
એક ઝૂલણમાં સો સો ઘટના તાણે!
@અર્ચિતા દીપક પંડ્યા