Tuesday, 9 July 2024

માનો ખોળો

માનો ખોળો.. 

કરી શુભ અલંકાર પરાશક્તિ તણાં
નારી બની છે અંશ, મા તારી સદા!

મમતા ધરે છે જેમ, તું જગત માતા, 
હર એક સ્ત્રીમાં શ્વસે છે મા તું સર્વદા! 

અન્યાય હો તો બની પ્રચંડ દુર્ગા કાલી
સ્ત્રી તારી પર રહે અનોખી કૃપા માની! 

ગરિમા જાળવતી અને શીલથી શોભતી, 
માનાં અનુસરણે નારી જીવન જીવતી! 

નારી,નદી અને જગતમાતા સહુને પોષતી
ખરી કિંમત દુનિયા ક્યારે થાય સમજતી? 
©અર્ચિતા દીપક પંડ્યા 

Sunday, 7 July 2024

અષાઢસ્ય પ્રથમ દિવસે

અષાઢસ્ય પ્રથમ દિવસે.. 

અષાઢસ્ય પ્રથમ દિવસે.. તું આવે તો કેવું સારું?
નયનધારની વર્ષા લૂછી ખબર પૂછે તો કેવું સારું?

ટહૂકે ટહૂકે ઢેલ ચળે, કળા મયૂરની કામ કરી ગઈ, 
અંતરવેદનાનો દીપ જલે, આગ મનને સતાવી રહી. 

બુંદ બુંદ વાદળ વરસાવે, છે આર્દ્ર સઘળું ચારેકોરે, 
આગ લાગી'તી દિલમાં જેને એ વર્ષા ભડકાવી રહી. 

સખા આવો, જીવન જાણે મરુભૂમિમાં મરિચિકા
સુખની સોગાદ બની મને  યાદ તમારી આવી રહી

અષાઢસ્ય પ્રથમ દિવસે..વિરહ વેદના જાગી રહી, 
ના આવે તું તે છતાં આશ મારી એક જાગી રહી.
©અર્ચિતા દીપક પંડ્યા