ચાલ ને ઈચ્છા
ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ
મોટી મોટી ફર્લાંગો લઈ એકમેકને હંફાવીએ
ચાલને ઈચ્છા...
ભ્રમને બસ હવે કોઈ ભ્રમથી જ શોધીએ
ને મર્મને બસ કોઈ મર્મથી જ છૂપાવીએ
ચાલ ને ઈચ્છા...
મેઘધનુષી રંગો પણ મને ઓછાં પડે છે
આભને હવે કોઈ નવા રંગથી ચીતરીએ
ચાલને ઈચ્છા...
ફૂલ અને શૂળ કેમ સદાય સાથે જ મળે?
બંનેના છોડને હવે બસ જૂદા ઊગાડીએ
ચાલને ઈચ્છા...
નદી રુપી મીઠાશ ને ઠાલવી દીધી છે દરિયે
અગરમાં સાકર મળે એ આશા ઊગાડીએ
ચાલ ને ઈચ્છા
શેરડીના સાંઠે ઊગતી મીઠાશ સડો થયો છે
હર્યા ભર્યા જીવનમાં ય ડખો શરૂ થયો છે
ચાલને ઈચ્છા...
મને તું ન ગમે તને હું ન ગમું છોડ બધું
નવી ઈચ્છા લઈ ચાલ નવું કંઈક રમીએ
ચાલને ઈચ્છા...
જમા ઉધાર બધા ભૂલી નવું ખાતું ખોલીએ
એકમેકને હવે નવા રૂપથી જ જોઈએ
ચાલ ને ઈચ્છા...
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment