Wednesday, 22 May 2024

સંબંધ

સંબંધ
સમ બંધ છે, વિષમતાને જગ્યા ના આપીશ,
સમું સૂતરું છે, અસમતાને જગ્યા ના આપીશ.

એક આંખ હસે ને બીજી હાસ્ય ઝીલે છે જો,
તો પછી ક્યારેય આશંકાને જગ્યા ના આપીશ!

કોઈ આપે હાથ તો એને પણ ખભો આપી દેજે, 
બે અંતરમાં અંતર વધવાની જગ્યા ના આપીશ! 

કોણ કોઈનું થયું છે, આ જગતમાં હંમેશ માટે, 
હોંકારો આપે તો અણબનને જગ્યા ના આપીશ! 

આંખથી આંખ વહે, સંબંધ છે કહેવું નથી પડતું, 
મધઝરતાં મળે તો કડવાટને જગ્યા ના આપીશ! 
©અર્ચિયત - અર્ચિતા દીપક પંડ્યા 

No comments:

Post a Comment