"હેલો "
નથી મારી ભાષાનો શબ્દ,
છતાં મીઠો લાગે છે!
તાર હ્રદયના અહીંયા
મળતા લાગે છે!
મને ગમે
હું હળું, મળું, ભળું
મારા જ લોકો સાથે
સાથે હસું,
આંખ થાય કદાચ ભીની
તો લૂછી આપું,
દુઃખમાં પણ જરા
હૈયા કરી એક
સધિયારો આપી દઉં!
સ્પર્શની એ ભાષા
મારા રગમાં દોડે છે,
આંખ એને નજરમાં
સંદેશ બનાવી વહાવે છે,
મારે જોઈએ
કે પોતીકાં રહે સાથોસાથ!
હોળી, રાસ, નૂતનવર્ષાભિનંદન
એ બધાં બહાના છે
સાથોસાથ જીવાતાં આપણાં જીવનનાં..
છતાં રાખે જો કોરોના
દૂર ને દૂર
તો
એક અવાજ
એક સંદેશ
સધિયારો બનીને
મને ઓક્સિજન આપે છે!!!
એવી દરેક ક્ષણે
મારા સૌ કોઈ
જે દુનિયામાં છે
કે માત્ર સ્મૃતિરૂપે છે,
સૌના માટે પ્રાર્થના કરું છું.
એ જ તો જીવનનો ઓક્સિજન છે.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment