Saturday, 3 August 2019

નથી આવડતું!


              નથી આવડતું!

ગીત જાણું છું હું, પણ ગાતાં નથી આવડતું
રસ્તો જાણું છું , પણ ચાલતાં નથી આવડતું

એક પછી એક ભ્રમ મારા ભાંગે છે રોજે રોજ
પણ તો યે ભ્રમણાથી છૂટતાં નથી આવડતું.

કેમ કહેવાય વહાલાં દવલાં થયા કાળબળે
ખરેખર તો કઠણાઈ સહેતાં નથી આવડતું.

એકને ભજીએ, એકને માનીએ તેમ છતાં
હર મજહબને માન આપતાં નથી આવડતું.

જો,વળી વળીને જોઈએ છીએ ભૂતકાળમાં
પણ જુવાની જેવું હવે દોડતાં નથી આવડતું.

આજ વરસશે ને પછી સાવ ખોવાઈ જશે
આ આંખને હપ્તેથી વરસતાં નથી આવડતું.

બંધ મુઠ્ઠીમાં રેખાઓનો ભાર વધી જાય છે
ટેરવાંની જેમ એને યત્ન કરતાં નથી આવડતું
©અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment